મોસમ આ માતબર છે,
ખુશ્બૂની બસ ખબર છે,
ફૂલોય ડાક-ઘર છે!
– હેમેન શાહ

(ભાગી છૂટો) – અરવિંદ ભટ્ટ

તણખલે બાંધેલ સગપણ છોડીને ભાગી છૂટો,
પાંખથી આકાશને પરખોડીને ભાગી છૂટો.

કૈંક એવું પણ મળે ખંડેરને ફંફોસતાં
કે તમારું ઘર તમે તરછોડીને ભાગી છૂટો.

તે પછી પંપાળજો જીભથી પરિચયનો ખીલો,
ડોકમાં બાંધેલ સાંકળ તોડીને ભાગી છૂટો.

શક્ય છે કે બ્હાર નીકળવાથી દરિયો પણ મળે,
માછલીઓ, કાચને જો ફોડીને ભાગી છૂટો.

– એક ટોળું સ્તબ્ધતામાં ગુમ થઈ જાશે પછી,
ઊતરો ચિતા ઉપરથી, દેોડીને ભાગી છૂટો

– અરવિંદ ભટ્ટ

જે સગપણોને જીવસોતાં રાખીને આપણે આજીવન બંધાઈ રહીએ છીએ, એ તણખલાં જેવાં ક્ષણભંગુર છે. એને છોડીને ભાગી શકે એ સિદ્ધાર્થ જ બુદ્ધ બની શકે. પાંખથી આકાશને સાફ કરીને ભાગી છૂટવાના પ્રતીક વડે કવિ એ પણ કહે છે કે ભાગવું તો એ રીતે કે પાછળ કોઈ નક્શે-કદમ ન રહી જાય… બીજા શેરને ઘર-ખંડેરના સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને ભીતરના ખંડેરને ફફોસતા થતી આધ્યાત્મિક અનુભૂતિને પામવા કાયાનું ઘર છોડી શિવ તરફ જવા મથતા જીવના સંદર્ભમાં પણ સમજી શકાય. ત્રીજો શેર પણ સંબંધ વિશે જ છે. પરિચયના ખીલાને જીભથી પંપાળતા પહેલાં ડોકમાં બાંધેલ સંબંધની સાંકળ તોડીને આઝાદ થઈ જવું જોઈએ, કારણ કે સાચો પ્રેમ સ્વતંત્રતા વિના સંભવ જ નથી. ચોથા શેરમાં પણ બંધન અને મુક્તિની જ વાત છે. આખરી શેરમાં પણ સંબંધની કેદમાંથી મુક્ત થવાની વાત સતી અને ચિતાના પ્રતીક વડે સુપેરે કહેવાઈ છે. ટોળાંએ સ્વીકારી લીધેલ નિર્ણયને અવગણીને કોઈ ચાલી નીકળે ત્યારે ટોળાંની પ્રથમ પ્રતિક્રિયા સ્તબ્ધ થઈ જવાની જ હશે. સતીના ચિતા પરથી ઉતરીને ભાગી જવાની વાત હોય કે દુનિયાએ આપણી ઉપર લાદી દીધેલ બંધનો ફગાવીને આઝાદીનો આહલેક લગાવવાની વાત હોય, સરવાળે તો સ્વ-ઇચ્છા અને સ્વ-તંત્રતા મુજબ જીવવાની જ વાત આ મુસલસલ કહી શકાય એવી ગઝલમાં વેધક રીતે કરાઈ છે.

પરખોડી શબ્દએ મને મૂંઝવ્યો. કોઈ શબ્દકોશમાં એનો અર્થ મળ્યો નહીં, પણ દુલા ભાયા કાગના એક ભજનમાં એ જડી આવ્યો:

સમતાની સાવરણીથી પરખોડી વાળ્યાં
જામ્યાં ત્યાં કંઈક જનમોનાં જાળાં રે

આ બે ઉદાહરણા પરથી ‘પરખોડવું’ એટલે સાફ કરવું એમ મને સમજાયું. કવિનો ખુલાસો પણ જોઈએ: ‘અમારા નાઘેર પંથકમાં ( વેરાવળ, પાટણ,માંગરોળ, કોડીનાર વગેરે) આ શબ્દનો વપરાશ બહુ સામાન્ય છે. મેં પણ લોકસાહિત્ય શબ્દકોશ સુધી પ્રાપ્ત બધું ફંફોસી નાખેલું. કશે આ શબ્દ ન મળલો. પરખોડવુંનો અર્થ તમે બરાબર પકડ્યો છે. માત્ર ઝાપટિયું કે કપડાંનાં નેપકિન જેવા કટકાઓથી સાફ કરવું એટલે પરખોડવું. ખાસ કરીને ઝાપટી અને વાળવું, કોશમાં ઝાપટિયું શબ્દ છે. સાવરણીથી પણ ઝાપટી તો શકાય, પણ એમાં પિચ્છાં ખરી જાય તો? કાગબાપુ વખતે ખજૂરીની સાવરણી આવતી તેમાંથી પિચ્છા ન ખરતાં. પાંખનો સંદર્ભ ઇંગિત કરવાની કોશિશ.’

13 Comments »

  1. Vinod Manek 'Chatak' said,

    September 13, 2024 @ 11:52 AM

    સરસ સૂફી ભાવ યુક્ત રસપ્રદ ગઝલ

  2. પૂજય બાપુ said,

    September 13, 2024 @ 11:54 AM

    વાહ… નખશિખ ગઝલ અને આસ્વાદ પણ એટલો જ મજાનો. જય હો.

  3. હરજીવન દાફડા said,

    September 13, 2024 @ 12:01 PM

    વાહ
    ગમતા કવિની ગમતી રચના અને એટલું જ સુંદર અવલોકન.ખૂબ ખૂબ અભિનંદન

  4. Pravin Shah said,

    September 13, 2024 @ 12:07 PM

    ખૂબ સરસ ! આસ્વાદથી વધુ સમજાયુ.

  5. Varij Luhar said,

    September 13, 2024 @ 12:10 PM

    વાહ.. સરસ ગઝલ અને આસ્વાદ

  6. Harsha Dave said,

    September 13, 2024 @ 12:25 PM

    વાહ વાહ

  7. arvind bhatt said,

    September 13, 2024 @ 2:23 PM

    તમે દરેક શેર મારી અનુભુતિના કેન્દ્રની નજીક જઈ પ્રમાણ્યા છે.બહુ રાજી થયો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.

  8. બાબુ સંગાડા said,

    September 13, 2024 @ 3:43 PM

    મજાની ગઝલ ….આસ્વાદ પણ સુંદર કર્યો…..અભિનંદન

  9. સંજુ વાળા said,

    September 13, 2024 @ 5:30 PM

    સરસ ગઝલ
    ‘જીભથી પરિચયનો ખીલો પંપાળવો (ચાટવો)’ અને ‘સાકળ તોડીને ભાગી છૂટોમાં’ તો સ્થાનથી વિખૂટા પડી ગયેલાને ફરી મૂળ સ્થાને આવવું છે. પણ પેલી ડોકની સાંકળ તો કોને નથી નડી ? અરવિંદ ભટ્ટમાં આવા તળપદ અર્થ /ભાવને સઃકેત કરતા ઘણા શેર મળી આવે.
    રાજીપો
    સરસ ગઝલ ખોલી વિવેક
    અભિનંદન
    સુકામનાઓ

  10. Mita mewada said,

    September 14, 2024 @ 8:07 AM

    ખૂબ સરસ, નાવિન્યપૂર્ણ.
    પરખોડીનો અર્થ શોધવા માટેની તમારી મહેનતને સલામ

  11. Aasifkhan Pathan said,

    September 14, 2024 @ 12:58 PM

    સરસ ગઝલનો આહલાદક આસ્વાદ

  12. વિવેક said,

    September 14, 2024 @ 2:09 PM

    કવિશ્રીના આશીર્વાદ મળ્યા એ મારું સૌભાગ્ય…

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…

  13. Poonam said,

    September 27, 2024 @ 6:46 PM

    – એક ટોળું સ્તબ્ધતામાં ગુમ થઈ જાશે પછી,
    ઊતરો ચિતા ઉપરથી, દેોડીને ભાગી છૂટો… Sanatran Satya !
    – અરવિંદ ભટ્ટ –

    Aaswad Ati sundar sir ji 🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment