ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે,
માણસનું નામ બીજું રંગીન માછલી છે.
સંજુ વાળા

મઘમઘતો મેડો… – યોગેશ પંડ્યા

મને લાગ્યો નઠારા સંગ નેડો,
ફલકુને તીર ભરી પાણીડાં, આવતી’તી,
રોક્યો રૂપાળે મારો કેડો!
કે મને લાગ્યો નઠારા સંગ નેડો!

એણે વાતુંવાતુંમાં મને છેતરી,
મને દામણ દીધું કે દીધી નેતરી,
પછી ચારેબાજુથી મને વેતરી,

સિવાતી ગઈ એના ટેરવાંના ટેભલે
જડિયો ના ક્યાંય મને છેડો!

અલી, એવી તે કાંઈ ન’તી ભોળી,
મુને આંખ્યુંના ત્રાજવામાં તોળી,
પછી વાતું કરી’તી મીઠામોળી,

કોણ જાણે સૈ! પછી થઈ ‘ગ્યું છે શું?
મને લાગી ‘ગ્યો એક એનો હેડો!

ગોરંભા જેમ ચડ્યો માગશરનો ઠાર,
આંખ્યું ને લાગે છે પાંપણનો ભાર,
મધમીઠો કેમ મને લાગે અંધાર?

વહેલી સવારના ઝબકીને જાગી તો-
મ્હેક થકી મઘમઘતો મેડો!

– યોગેશ પંડ્યા

રમતિયાળ લયગૂંથ્યું રમતિયાળ ગીત! હૈયાના ચોરને નઠારો કહેવાની પ્રેમોક્તિ નવી નથી, પણ વાત જે મજાથી રજૂ થઈ છે, એની જ અહીં ખરી મજા છે. નાયિકાનું હૃદય આવા ‘નઠારા’ સંગ લાગી ગયું છે. ધ્રાંગધ્રાની ફલકુ નદીમાંથી પાણી ભરી એ પરત ફરતી હતી એ સમે નાયકે એનો માર્ગ આંતર્યો. કાવ્યારંભે જે નઠારો હતો એ આટલીવારમાં તો રૂપાળો લાગવા માંડ્યો છે. ગાય-ભેંસ ને વધુ દૂર જતાં રોકવા બે પગ વચ્ચે જે દોરી બાંધવામાં આવે એને દામણ કહે છે, અને દહીં વલોવવા માટે વપરાતી દોરીને નેતરું. નાયિકાનો આરોપ છે કે નાયકે વાતોમાં ભોળવીને પોતાને છેતરી છે અને દામણ દઈને એની ગતિ મર્યાદિત કરી દીધી છે, અથવા નેતરી દઈને (પ્રેમના) ધંધે વળગાડી દીધી છે. જે કર્યું હોય એ, પણ નાયકે નાયિકાને ચોતરફથી વેતરીને પોતાના માપની કરી દીધી છે. નાયકના ટેરવાના ટેભે નાયિકા એ રીતે સીવાતી ગઈ છે કે હવે એનો પોતાનો છેડોય જડ્યો જડે એમ નથી. ભોળી ન હોવા છતાં કથકના નેણઉલાળે એ વશ થઈ છે ને એને એનો ટેસડો લાગી ગયો છે. પાંપણ ભારી થઈ જવા છતાં રાતના ઉજાગરાભર્યાં અંધારા મધમીઠા લાગે છે, ને સવારે પ્રિયતમની મહેંકથી મેડો મઘમઘતો થઈ ગયેલો અનુભવાય છે…

13 Comments »

  1. Shailesh Gadhavi said,

    October 5, 2024 @ 5:55 PM

    વાહ, રમતિયાળ ગીત સાથે રમતિયાળ આસ્વાદ! જે કર્યું હોય એ, એમ કહીને વાંચકને એ બાબતે મથામણમાં ન પાડતાં નાયિકાને પોતાના માપમાં (કહ્યામાં) કરી લીધી એ સંદર્ભ પર કેવી સહજતાથી વિવેકભાઈ લઈ ગયા! મજા આવી ગઈ ‌

  2. સિકંદર મુલતાની said,

    October 5, 2024 @ 7:20 PM

    વાહ..
    સરસ ગીત..
    ગીતને સરસ રીતે ઉઘાડી આપ્યું..
    મોજ પડી..!!

  3. Jayant Dangodara said,

    October 5, 2024 @ 7:27 PM

    ખૂબ સુંદર ગીત છે.

  4. નિરંજન યાજ્ઞિક said,

    October 5, 2024 @ 7:38 PM

    સરસ ગીત

  5. મુકેશ દવે said,

    October 5, 2024 @ 7:51 PM

    ઘટનાક્રમમાં ગૂંથાતી નાયિકા લયાન્વિથ રીતે રજૂ કરી છે
    મજાનું ગીત

  6. Yogesh pandya said,

    October 5, 2024 @ 8:27 PM

    સૌ પ્રથમ તો વિવેકભાઈ નો ખુબ ખુબ આભાર માનું છું કે મને લયસ્તરો ના માધ્યમ થકી આટલા બધા ભાવકો વચ્ચે મૂકી આપ્યો.
    આ ગીતનું ભાવવિશ્વ તો વિવેકભાઈ એ ખોલી જ આપ્યું છે,પણ તેમાં રહેલા નેતરું અને નેતરી કે દામણ.વચ્ચેના અર્થ પણ સ્ફૂટ કરી આપ્યાં.
    રમતિયાળ નાયિકા અંતે વરણાગી નાયક ના પ્રેમમાં ગિરફ્તાર થઈ જ જાય છે.કેટલીક વાર સાહજિક પણે કાવ્યલેખનમાં એવા કલ્પનો કે ,પ્રતીકો ગૂંથાઈ જાય છે એ તો કવીને ય ખબર રહેતી નથી.એટલે જ સ્તો લેખન પ્રક્રિયા વખતે સર્જક સાવ’શૂન્ય’ બની જતો હોય છે.જે લખાય છે એતો ક્યાંક થી બસ એમ જ વહેતુ વહેતુ આવે છે.વિશેષ તો શું લખું? વિવેક ભાઈ એ લખી જ નાખ્યું છે. આભાર,ડો.વિવેક ટેલર સાહેબ

  7. સનેહલ નિમાવત said,

    October 5, 2024 @ 9:33 PM

    વાહ ખૂબ સુંદર ગીત..

  8. સનેહલ નિમાવત said,

    October 5, 2024 @ 9:34 PM

    વાહ ખૂબ સુંદર ગીત. લાગણીસભર ગીત.

  9. Harihar Shukla said,

    October 6, 2024 @ 12:19 PM

    ઓહો, મોજ નકરી👌

  10. Ramesh Maru said,

    October 6, 2024 @ 1:58 PM

    મુગ્ધા કે સોડશીની નહીં,પરંતુ એક સમજદાર અને સારા – નરસાનું ભાન ધરાવનાર સ્ત્રીના અંતરની વાતને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં કવિ ખૂબ જ સફળ રહ્યા છે….ગીત અને આસ્વાદ બંને વાચી ખૂબ ગમ્યું…

  11. Parbatkumar Nayi said,

    October 8, 2024 @ 12:16 AM

    વાહ
    મજાનું ગીત
    રસપ્રદ આસ્વાદ

  12. Dhruti Modi said,

    October 9, 2024 @ 3:08 AM

    સુંદર ગીત ! એક ભલી ભોળી ફસાઈ ગઈ એક નઠારા સંગ પ્રેમ થયાની વાત !

  13. Dhruti Modi said,

    October 9, 2024 @ 3:12 AM

    કાનાના પ્રેમમાં પડેલી ગોપીઓ સમ એક નઠારા જોડે પ્રેમ થયાની વાત ! પણ કવિની શૈલી સહજ છે જેથી આ ગીત મજાનું ગીત બન્યું છે ! 🌹🌹🙏🙏💕💕

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment