ખાલીપાનો આ કૂવો અકબંધ રાખ,
હાજરી નાખીને તારી પૂરાવ નહિ.
અનિલ ચાવડા

પિતૃવિશેષ: ૦૮ : સૉનેટ દ્વય-૦૧: પિતૃકંઠે – ભગવતીકુમાર શર્મા

જૂની સૂકી હવડ કશી આ ગંધ ફેલાઈ ઊઠી
જ્યાં ચર્રાઈ કડડ ઊઘડી ભૂખરી કાષ્ઠપેટી!
પીળાં આડાં બરડ સઘળાં પૃષ્ઠ તૂટ્યાં ખૂણેથી
પોથીઓમાં હજી શ્વસી રહ્યાં કાળની કંડિકા શાં.

પીંછું કોઈ મયૂરનું નર્યું રંગઝાંયેથી રિક્ત,
પોથીમાંથી સરસરી રહે પાંદડું પીપળાનું
જાળીવાળું, કુસુમ-કણિકા, છાંટણાં કંકુકેરાં,
પૃષ્ઠે પૃષ્ઠે કર-સ્પરશથી ડાઘ આછા પડેલા
ભેદી લાંબો પટ સમયનો વર્તમાને પ્રવેશી
સર્જી લેતાં પળ-વિપળમાં સૃષ્ટિ લીલી સ્મૃતિની.

થંભી’તી જે જરઠ પશુ શા મૃત્યુના થૉર-સ્પર્શે
સંકોરાઈ કણસતી નિરાલમ્બ ને ઓશિયાળી
ગુંજી ઊઠી અમુખર ઋચા સામવેદી સ્વરોની
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે.

– ભગવતીકુમાર શર્મા

પિતાજીના અવસાન બાદ વરસો પછી પુત્ર પિતાજીની લાકડાની ભૂખરી પડી ગયેલ જૂની પેટી ઊઘાડે છે. થોડા ચર-ચર અવાજ સાથે પેટી ખૂલતાવેંત જ સૂકી હવડ ગંધ વાતાવરણમાં પ્રસરી ઊઠે છે. પિતાજીએ સાચવીને મૂકેલ પોથીઓનાં પીળાં પાનાંઓ તૂટું-તૂટું થઈ રહ્યાં છે. આછા પડતા જતા રંગવાળું એક મોરપિચ્છ, પોથીમાં સાચવીને રાખેલ પણ હવે જાળીજાળી થઈ ગયેલ પીપળાનું પાન, કુસુમ-કણિકા, કંકુના છાંટા અને પિતાજીના સ્પર્શની સાહેદી પૂરાવતા આંગળીઓના ડાઘ વગેરે વહી ગયેલા સમયનો લાંબો પટ ભેદીને સ્મૃતિઓને તાજી કરી દે છે. મૃત્યુના થોર જેવા કાંટાળા સ્પર્શે જે સામવેદી સ્વરોની ઋચાઓ સંકોરાઈ ગઈ હતી, એ તમામ ઋચાઓ પુત્રને ફરીથી ગૂંજી ઊઠતી સંભળાય છે. નિર્જીવ વસ્તુઓ જીવન-મૃત્યુના અલગ-અલગ કાંઠે પહોંચી ગયેલ બે જીવ વચ્ચે કેવો સજીવ સેતુ બાંધી આપે છે!

6 Comments »

  1. Shailesh Gadhavi said,

    December 12, 2024 @ 12:15 PM

    વાહ.. વંદન🙏

  2. Varij Luhar said,

    December 12, 2024 @ 2:38 PM

    વાહ.. ખૂબ સરસ સોનેટ

  3. Dhaval Shah said,

    December 12, 2024 @ 7:39 PM

    સરસ 👍

  4. Dhruti Modi said,

    December 13, 2024 @ 3:53 AM

    સરસ સોનેટ !
    હવડ ગંધવાળી પેટીમાંથી જે પોથી મળી તે થકી કવિને પિતા દ્વારા ગવાતી સામવેદની ઋચાઓ યાદ આવી ગઈ !
    સરસ ! 👌👌👍

  5. Dhruti Modi said,

    December 13, 2024 @ 3:54 AM

    સુંદર સોનેટ !

  6. આરતી સોની said,

    December 15, 2024 @ 10:42 AM

    ખૂબ સરસ સોનેટ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment