ઊઠીને બારી ઉઘાડી તેં સૂર્ય જોયો ને
સવારનેય સવારે જડી ગયું છે કોઈ
– ભાવિન ગોપાણી

પિતૃવિશેષ: ૦૬ : પિતાની સેવા – દલપતરામ

છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધ મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી;
કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો;
ભલી વાતના ભેદ સીધા દીધાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

કદી કોટી કોટી સહી કષ્ટ કાયા,
મને છાતીમાં લૈ કરી છત્રાછાયા;
અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને દેખી અત્યંત આનંદ લેતા,
મુખે માગી વસ્તુ મને લાવી દેતા;
પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

વડા વાંકમાં આવું તો રાંક જાણી,
દીધો દંડ દેતાં દયા દિલ આણી;
તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,
તથા તુચ્છ જેવી બૂરી ટેવ ટાળી;
જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

લીધો લાવ ને લૈશ જે લાવ સારો,
ગણું ગુણ હું તાત તે તો તમારો,
સદા સુખ સારુ ઉપાયો સજ્યાજી
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને નિર્ખતા નેત્રામાં નીર લાવી,
લઈ દાબતા છાતી સાથે લગાવી;
મુખે બોલતા બોલ મીઠા મીઠાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

હતો બાળ હું આજ સુધી અજાણ્યો,
ઉરે આપનો ગુણ એકે ન આણ્યો;
હવે હું થયો જાણીતો આજ આ જી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

જગંનાથજી જીવતો રાખશે જો,
હયાતી તમારી અમારી હશે જો;
કરું સેવના દિલ સાચે સદાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી….

– દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી
(૨૧ જાન્યુઆરી ૧૮૨૦ – ૨૫ માર્ચ ૧૮૯૮)

વાંચતા વાંચતા અનાયાસે ગવાઇ જતી ‘પિતાસ્રોત્ર’ જેવી ભાસતી કવિ દલપતરામની ગુજરાતી ભાષાની પિતા વિશેની કદાચ આ પ્રથમ કવિતા હશે… જેને કોઈ પણ જાતનાં પિષ્ટપેષણની જરાયે જરૂર જણાતી નથી!

ભુજંગી છંદ(લગાગા લગાગા)ની ચાલમાં ચાલતી આ કવિતા મોટેથી ગણગણાવવાની વધુ મજા આવશે.

4 Comments »

  1. વિવેક said,

    December 10, 2024 @ 6:06 PM

    વિગત વર્ષોના ખિસ્સામાંથી સારું મોતી શોધી કાઢ્યું…. ભુજંગી છંદની ચાલ અને દર ચોથી પંક્તિએ ધ્રુવપંક્તિવાળા અ-અ-બ-બ પ્રાસાવલિવાળા બંધના કારણે રચનાની ઈબારત આજે જે નઝમ તરીકે ઓળખાય છે એને મળતી આવે છે… એ અર્થમાં કદાચ આને ગુજરાતી ભાષાની પહેલી નઝમ પણ કહી શકાય (જો આ પૂર્વે કોઈએ નઝમ લખી ન હોય તો!!)

  2. Qasim Abbas said,

    December 10, 2024 @ 8:47 PM

    જગત ભરમાં દર વર્ષે જુન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે
    એટલે પિતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખરી રીતે જોઈએ તો પુત્રો અને પુત્રીઓ માટે ફાધર્સ ડે વર્ષમાં માત્ર એક વાર નહિ પરંતુ વર્ષના પુરા ૩૬૫ દિવસ ફાધર્સ ડે જ છે, કારણ કે પિતા, જે કુટુંબના વડીલ તરીકે ઓળખાય છે, તેમના અને માતાના ઉપકારો પુત્રો અને પુત્રીઓ પુરા જીવન સુધી ન ભુલી શકે. સમાજમાં રહી ને મનુષ્યને બીજા ઘણા લોકો સાથે સંબંધ રાખવો પડે છે. આ લોકો તેના સગાસંબધી પણ હોય છે અને મિત્રો પણ હોય છે. સગાસંબધીમાં નજીકના તથા દુરના સગા પણ હોય છે. નજીકના સગાઓમાં સૌથી પહેલા મનુષ્યના માતાપિતા જ હોય છે, અને તેના પછી ભાઈ, બહેન, પત્ની તથા બાળકો, માસી, માસા, મામા, મામી, કાકા, કાકી તથા અન્ય સગાઓ વગેરે હોય છે.

    સામાન્ય રીતે જોતાં મનુષ્ય પોતે પોતાના પછી જેને સૌ થી વધુ ચાહતો હોય છે, તે તેના માતાપિતા જ હોય છે . માતાપિતા પ્રત્યે સંતાનોના કર્તવ્ય વિષે લગભગ દરેક ધર્મમાં ભાર મુકવામાં આવેલ છે કે મનુષ્યએ તેના માતાપિતા પ્રત્યે બહુજ આદરપુર્વક અને નમ્રતાપુર્વક વર્તાવ કરવો જોઈએ, કારણ કે આ જગતના જીવનમાં તેના માતાપિતાએ જ તેના જીવનમાં તેને એક સારો મનુષ્ય બનાવવા માટે બહુજ અગત્યનો ભાગ ભજવેલ છે.

    માતાપિતા સાથે સદ્દવર્તણુક કરવી એ સામાન્ય સંજોગોમાં એવું સદ્કાર્ય છે જેમાં કશી પણ મહેનત કરવી પડતી નથી, કારણકે કુદરતી રીતે જ મનુષ્યનો તેના માતાપિતા સાથે લોહીનો સંબંધ જોડાયેલો હોય છે, અને તેઓના પ્રત્યે બહુજ પ્રેમ અને ચાહના હોય છે. ધાર્મિક રીતે જોઈએ તો લગભગ દરેક ધર્મ માતપિતાની સાથે આદરપુર્વક વર્તણુક કરવાનો આદેશ આપે છે.

    જુના યુગ માં ઘરડાઓ એટલે ઘરના વડીલો સાથે બહુજ માનપુર્વક વર્તણુક કરવામાં આવતી હતી, અને તેઓને કુટુંબના વડીલ તરીકે ગણવામાં આવતા હતા. . આ માન્યતા ની વિરુદ્ધ અત્યારના આધુનિક કળિયુગમાં અમુક બનાવોમાં ઘરડાઓ એટલે ઘરના વડીલો સાથેની વર્તણુકમાં ઘણો બધો તફાવત થઈ ગયેલ છે, એટલે કે અમુક કુટુંબોમાં તેમને જે માન મળવું જોઈએ તે માન નથી મળતું. આગળના યુગમાં Old Age House એટલે :”ઘરડા ઘર” જેવું કંઈ ન હતું. તેનાથી ઉલટું આજ ના કળિયુગ અને આધુનિક યુગમાં “ઘરડા ઘર” અસ્તિત્વ ધરાવે છે, અને અમુક કુટુંબોમાંથી ઘરડાઓ ને એટલે ઘરના વડીલોને “ઘરડા ઘર” માં મોકલી દેવામાં આવે છે.

    સંતાનોની હાજરીમાં જ્યારે માતાપિતાનું નિધન થઈ જાય છે, ત્યારે સંતાનોને અનાથ કહેવામાં આવે છે, કારણકે સંતાનોના માથા પર માતાપિતાની જેમ હાથ રાખનાર કોઈ નથી હોતું. તેવી જ રીતે જ્યારે સંતાનો માતાપિતાને વૃદ્ધાવસ્થામાં તરછોડી દે છે, ત્યારે માતાપિતા પણ અનાથ થઈ જાય છે, કારણકે સંતાનોના હોવા છતાં અને તેમનું તેમના માતાપિતા પ્રત્યે કર્તવ્ય હોવા છતાં તેઓના માતાપિતાની સંભાળ રાખનાર કોઈ પોતીકું નથી હોતું. જો આ સત્ય કોઈ પણ સંતાનને સારી રીતે સમજાય જાય, તો એ ઘડી સંતાન માટે સ્વર્ગ પામ્યા સમાન લેખાશે કે તેણે તેના માતાપિતાના જીવનભરના ઉપકારોમાંથી ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન ઉપકારોનો બદલો ચુકવવાની એક નાનકડી કોશિષ કરેલ. સંતાનોએ વાત કદી પણ ન ભુલવી જોઈએ કે ભવિષ્યમાં જ્યારે તેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચશે, ત્યારે તેઓને ખરેખર એ અનુભવ થશે, જે અનુભવ તેમના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં થયેલ છે.

    ઉપર આપેલા સર્વે સત્યોને ધ્યાનમાં રાખતા સંતાનોનું એ કર્તવ્ય છે કે માતાપિતાના નિધન પહેલા જ તેમણે તેઓની સેવા કરવાની તક ક્યારે પણ હાથથી ન જવા દેવી જોઈએ.

  3. Dhaval Shah said,

    December 14, 2024 @ 8:06 PM

    સરસ 👍

  4. Poonam said,

    February 13, 2025 @ 6:23 PM

    …ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
    – દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી – Khoob sundar !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment