શ્રધ્ધા તો ઠીક કોઇ અશ્રધ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.
– જવાહર બક્ષી

જુએ છે – રઈશ મનીઆર

તું જળ છે, તો તારી સપાટી જુએ છે,
અહીં તળ સુધી કોણ તાગી જુએ છે?

મૂલવવા સ્વયંને નથી ખુદને જોતાં
જુએ છે, તો બસ, ખુદની ખ્યાતિ જુએ છે

જુએ છે તરણ કે તરસની નજરથી,
નદીનેય કોણ આખેઆખી જુએ છે?

ફૂટેલા ઘડાને ન કુંભાર જોતો
તરત એ નવીનરવી માટી જુએ છે

મળે છે હીરા એને ક્યારેક ક્યારેક
જે પ્રત્યેક કંકર ઉઠાવી જુએ છે

– રઈશ મનીઆર

સમય સાથે માનવીય મૂલ્યોને સતત ઘસારો લાગતો આપણે સહુ જોઈ-અનુભવી રહ્યાં છીએ. માણસ મોટો થતો જાય છે એમ એમ મૂલ્યો છીછરાં થતાં જાય છે. પોતાની કાવ્યસફરના પ્રારંભે ‘કો’ ઉપરછલ્લી ગતિ ફાવી નહીં, જ્યાં ગયા ત્યાં સાવ સોંસરવા ગયા’ લખનાર કવિ આજે ‘તળ સુધી કોણ તાગી જુએ છે?’ લખવા મજબૂર થયા એ કેવી વિડંબના! સપાટીથી ઊંડે ઉતરવા ભાગ્યે જ કોઈ આજે તૈયાર છે. સ્વયંમાં કેટલું સત્ત્વ છે એની પ્રામાણિક ચકાસણી કરવાના બદલે વાડકીવ્યવહારી ફેસબુક કે ઇન્સ્ટાની પૉસ્ટને કેટલી લાઇક્સ, શેર અને કમેન્ટ્સ મળ્યાં છે એના પરથી જ આપણે આપણી જાતની સફળતાનો ક્યાસ કાઢવા માંડ્યા છીએ. જેમ સ્વયંનું એમ માણસ સામાનું આકલન પણ સમૂચુ કરવાના બદલે જરૂર મુજબનું જ કરે છે. નદી સમગ્રને નાણવાના બદલે હેતુસરનો જ સંબંધ આપણે રાખીએ છીએ. જો કે પહેલા ત્રણ શેરમાં કવિહૃદયની વ્યથા રજૂ કર્યા બાદ અંતિમ બે શેરમાં કવિઓ કરવટ બદલે છે. કુંભાર અને કંકરે-કંકરની ઉલટતપાસ કરનાર આશાવાદી અને ખંતીલા મનુષ્યોના પ્રતીકથી કવિ આપણને અમૂલ્ય જીવનપાથેય આપે છે…

Leave a Comment