આંસુના તોરણ બાંધીને
આંખો પૂછે – સેલ્ફી પાડું?
– હિમલ પંડ્યા

(ગોઠે મને) – નયન હ. દેસાઈ

જિંદગી લઈ જા કોઈ કોઠે મને,
સાંજ પડતાં કેમ ના ગોઠે મને?

પ્યાસ પણ ક્યાં ગઈ હવે કોને ખબર?
મૃગજળો ચાંપી દઈ હોઠે મને.

ચાહવું, હર શખ્સને બસ ચાહવું,
સત્ય સમજાવ્યું કોઈ ઠોઠે મને.

હું નગરની ભીંતમાં ભૂલો પડ્યો,
લઈ લીધો પડછાયાની પોઠે મને.

જ્યાં નશામાં જીતના ફરતો રહ્યો,
તેં હરાવ્યો સાતમા કોઠે મને.

વ્યક્ત કરવો છે મને- પણ કઈ રીતે?
છેતર્યો તેં શબ્દના ઓઠે મને.

– નયન હ. દેસાઈ

એક જમાનો હતો જ્યારે વારાંગનાઓના કોઠા સમાજનો અગત્યનો હિસ્સો ગણાતા હતા. સભ્ય સમાજના લોકો ચાલચલગત શીખવા માટે તરવરિયા યુવાનોને કોઠા પર મોકલતા હતા. પાકીઝા, ઉમરાવ જાન, સાહેબ બીબી ઔર ગુલામ, દેવદાસ જેવી અસંખ્ય ફિલ્મોએ આ કોઠાઓના વૈભવને ખૂબ મહિમાન્વિત પણ કર્યો છે. પ્રસ્તુત ગઝલનો મત્લા સ્વાભાવિકપણે એ સમયના સંસ્કારોની નીપજ છે. સાંજ પડતાવેંત જીવને અસુખ અનુભવાવા માંડે એવા સમયે નખશિખ સજ્જન કવિને પણ કોઠો યાદ આવે છે, કેમ જાણે જિંદગીના તમામ અસુખોનો ઈલાજ ત્યાં જ ન હોય! આ તો થઈ મત્લાની વાત, પણ સરવાળે તો આખી ગઝલ જ સંતર્પક થઈ છે… નિભાવવી કઠિન થઈ પડે એવી રદીફ સાથે બખૂબી કામ પાર પાડીને કવિએ આપણને સાદ્યંત સુંદર ગઝલ આપી છે. નવા ગઝલકારો માટે સારું-નરસું નક્કી કરવું દોહ્યલું બની જાય એ હદે ચારેતરફ ગઝલોનો મહાસાગર ઉછાળા મારી રહ્યો છે, પણ સાચા અર્થમાં સારા ગઝલકારો શા માટે સારા ગણાયા એ સમજવું હોય તો આવી ગઝલો તરફ આપણી ધ્યાનની નૈયાનું સુકાન ફેરવવું પડે…

12 Comments »

  1. Varij Luhar said,

    November 23, 2024 @ 12:20 PM

    વાહ.. સરસ ગઝલ.. કાફિયા નિભાવવા અઘરા પડે છતાં સહજતાથી નિભાવ્યા

  2. આશિષ ફણાવાલા said,

    November 23, 2024 @ 12:23 PM

    ખૂબ સરસ…!!!

  3. દીપક પેશવાણી said,

    November 23, 2024 @ 12:26 PM

    વાહ વાહ… મસ્ત ગઝલ.. મત્લાનો શેર શિરમોર છે..❤️❤️

  4. જય કાંટવાલા said,

    November 23, 2024 @ 12:29 PM

    બહોત ખૂબ

  5. Yogesh Samani said,

    November 23, 2024 @ 12:57 PM

    વાહ વાહ ને વાહ. સશક્ત ગઝલ.

  6. Aasifkhan Pathan said,

    November 23, 2024 @ 1:18 PM

    વાહ વાહ વાહ

  7. Ramesh Maru said,

    November 23, 2024 @ 1:58 PM

    વાહ…ખૂબ સુંદર ગઝલ…

  8. રાજેશ હિંગુ said,

    November 23, 2024 @ 7:48 PM

    આહા.. અઘરા કાફિયા સાથેની સશકત ગઝલ.

  9. Prajapati Gurudev said,

    November 23, 2024 @ 11:34 PM

    વાહ

  10. Dhruti Modi said,

    November 24, 2024 @ 3:46 AM

    વ્યક્ત કરવો છે મને— પણ કઈ રીતે ?
    છેતર્યો તેં શબ્દના ઓઠે મને

    સરસ ગઝલ ! 💞💞

  11. Sejal Desai said,

    November 26, 2024 @ 3:54 PM

    ખૂબ સરસ ગઝલ

  12. Poonam said,

    December 7, 2024 @ 12:46 PM

    …તેં હરાવ્યો સાતમા કોઠે મને. Hummm
    – નયન હ. દેસાઈ –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment