એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

હરીન્દ્ર દવે

પિતૃવિશેષ: ૦૯ : સૉનેટ દ્વય-૦૨: ફરીથી – ભગવતીકુમાર શર્મા

વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે
એ સૂર્યો શી ઝળહળ ઋચા નાદબ્રહ્મે ઘડેલી
ગાળે આયુ વ્યરથ જકડાઈ પીળી પોથીઓમાં.
દીપાવ્યો ના વહન કરીને વારસો જ્ઞાન કેરો
પુત્રે, શીળા જનક તણી આ કિન્તુ વિદ્યા અપુત્રા
શોષાઈ રે, રણ મહીં ગઈ શારદા મંત્રભીની,
લોપાયું સૌ શ્વસન તૂટતાં વૃદ્ધ જ્ઞાને પિતાનાં,
ફંફોસું છું અઢળક નિયૉની ઝગારા છતાંયે.

આપી દીધી કઠણ હૃદયે કોઈને કાષ્ઠપેટી,
સીંચ્યો જેમાં મબલખ હતો વારસો વૈભવી શો!
દીવાલો જે સમૂહ સ્વરમાં ઝીલતી’તી ઋચાઓ,
આજે ઊભી અરવ પળતાં ગ્રંથ જ્ઞાને મઢેલા.
જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કંધ પે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિઅંકે ફરીથી.

– ભગવતીકુમાર શર્મા

સૉનેટદ્વયમાંનું પ્રથમ સૉનેટ જ્યાં પૂરું થાય છે ત્યાંથી બીજું સૉનેટ પ્રારંભાય છે. પિતાને એક વ્યક્તિ તરીકે ખૂબ પ્રેમ કરતો પુત્ર પિતાના જ્ઞાનવારસાને જાળવવાની બાબતમાં ઊણો ઉતર્યો છે. પિતાના ક6ઠે જે ઋચાઓ સૂર્યો શી ઝળહળ અને નાદબ્રહ્મે ઘડેલી હોવાનું પ્રતીત થતી હતી, એ બંધ પેટીમાં પીળી પડી ગયેલ પોથીઓમાં એમનું આયુષ્ય વ્યર્થ જ ગાળી રહી છે. પિતાને વારસ મળ્યો, પણ પિતાની વિદ્યા નિઃસંતાન જ રહી. નિયોન લાઇટના પ્રકાશમાં પણ પુત્રને પિતાના જ્ઞાનનું અજવાળું લાધી શકે એમ નથી. પુત્ર તોય નીંદનીય તો નથી જ. કમસેકમ એને આ વિદ્યાના વારસદાર હોવા બાબતે પોતાની અસમર્થતાની જાણકારી છે એય ઓછું નથી.એતલે જ પિતાની લાકડાની એ પેટીએ અન્ય કોઈકને આપે છે ત્યારે કઠણ કાળજું કરીને આપે છે. અને એ પેટી અન્યના હાથમાં જતાં પોતે પિતાને ફરી એકવાર અગ્નિદાહ આપતો હોવાની લાગણી થતાં એની આંખો ભીની થઈ જાય છે. પિતાનો જ્ઞાનવારસો સંતાન સચવી જ શકે એ જરૂરી નથી, પણ પોતાની ગેરલાયકાત અંગે જાણકારી હોવી અને એ વારસાની કિંમત સમજી શકવી એય સાચું પિતૃતર્પણ ગણાય!

લયસ્તરોની બે દાયકાની અણનમ કાવ્યયાત્રાની ઉજવણી નિમિત્તે આદરેલ પિતૃવિશેષ શૃંખલા આ સાથે અહીં સમાપ્ત કરીએ છીએ. પિતા વિશેની આ સિવાય પણ અનેક કવિતાઓ આપણી પાસે છે જ. સમયાંતરે એ પણ પ્રગટ કરતા રહીશું. અસ્તુ!

4 Comments »

  1. Bharat Bhatt said,

    December 13, 2024 @ 1:03 PM

    સરસ ઉપક્રમ

  2. Varij Luhar said,

    December 13, 2024 @ 1:31 PM

    વાહ.. ખૂબ સરસ સોનેટ અને આસ્વાદ

  3. Mukur Petrolwala said,

    December 13, 2024 @ 1:37 PM

    Double bonanza from the revered legend. Description in the first is good. But frank admission of inadequacy in the second is so touching.
    Nice work by you as always

  4. Dhruti Modi said,

    December 15, 2024 @ 4:20 AM

    પિતા પ્રત્યે માન પણ કોઈપણ કારણસર એ લાકડાની પેટી અને અંદર મુકાયેલી પિતાની એ ઋગ્વેદની ઋચાઓમાંથી એ ચોપડીની પીળી પડી ગયેલી દશાએ કવિને દુ:ખી કરી દીધા..
    સરસ રચના ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment