તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !
વિવેક મનહર ટેલર

પિતૃવિશેષ: ૦૨ : પિતાનાં ફૂલ – ઉમાશંકર જોશી

અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા
બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં,
ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા;
અમે લાવ્યા એ રે શરીર નિજ ખાંધે ઊંચકીને,
અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.

અને જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી
પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,
અમે આવ્યા એ રે નિજ જનકના હાડઢગની
પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.

ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં,
અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે
ડબોળી, ટાઢોળી, જરીક હલવી, ને દૂધ સમા
પ્રવાહે સ્વર્ગંગાજલ થકી શકે તારક વીણ્યા!

વીણ્યા તારા, ફૂલો જગનું બધું યે સુંદર વીણ્યું,
ન લાધે સ્હેજે જે, શિવ સકલ આજે મળી ગયું;
શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને
પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની…

– ઉમાશંકર જોશી

“પિતૃવિશેષ”નું બીજું પગલું ઉમાશંકરની કલમે. જે પિતા તમારી જવાબદારી આખી જિંદગી પોતાના ખભે રાખી હોય એ જ પિતાને આખરે એક દિવસ ખભે ઊંચકીને લઇ જવાનો વારો આવે છે. અંતિમસંસ્કાર પછી અસ્થિના ફૂલમાં કવિને વિશ્વક્રમના દર્શન થાય છે. પિતાએ એમના પિતાને આ જ રીતે વિદાય આપી હશે અને એક દિવસ મારો પુત્ર પણ મને આ જ રીતે વિદાય આપશે. આ ક્રમ સમજાતા મૃત્યુનો શોક શમી જાય છે. આમ પિતા પોતાના અસ્થિ દ્વારા પણ પુત્રને એક આખરી સમજ આપતા જાય છે.

આ કવિતામાં મનને શાતા આપવાની અદભુત શક્તિ છે.  

મારા પોતાના માટે આ કવિતા બહુ ખાસ છે. મારા દાદા જ્યારે ગયા ત્યારે પપ્પાએ મારી સાથે બેસી આ કવિતા વાંચી સમજાવેલી. ગયા વર્ષે જયારે મારા પપ્પા ગયા ત્યારે મેં મારા દીકરા સાથે બેસીને ફરી આ જ કવિતા વાંચેલી. એવી આશા કરું છું કે એક દિવસ જ્યારે મારે જવાનું થાય ત્યારે અમેરિકા દેશમાં ઢચુપચુ ગુજરાતી સમજતો મારો દીકરો એનાથી ય ઓછું ગુજરાતી સમજતા એના દીકરાને આ કવિતાની મદદથી વિશ્વક્રમની ઓળખાણ કરાવશે. 

3 Comments »

  1. Varij Luhar said,

    December 6, 2024 @ 1:11 PM

    વાહ.. ખૂબ સરસ કાવ્ય અને આસ્વાદ

  2. વિવેક said,

    December 6, 2024 @ 4:34 PM

    કવિતાનો ટૂંકો રસાસ્વાદ તો ઉત્તમ છે જ, પણ કવિતા સાથેની ધવલનું ભાવનાત્મક જોડાણ પણ હૃદય દ્રવી ઊઠે એવૂં છે…

    વાહ… આનંદ..

  3. ઊર્મિ said,

    December 10, 2024 @ 7:07 AM

    સુંદર કાવ્ય અને કાવ્યની ભાવનાને સહજ રીતે ઉજાગર કરતો સ-રસ આસ્વાદ…
    આસ્વાદ વાંચ્યા બાદ ફરી ફરીને કાવ્ય વાંચ્યુ તો થોડું વધારે ઉઘડ્યું  🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment