તું મને ભૂલી ગઈ એ રંજ છે,
આપણો બસ આટલો સંબંધ છે!?
– પીયૂષ ચાવડા

ફરી ગામડે – રાજેશ પંડ્યા

આ રસ્તો
મારા ગામ તરફ જાય છે.
જોકે હું એના પર ચાલતો નથી અત્યારે
હું બેઠો છું અહીં
અને બેઠો બેઠો પહોંચી ગયો છું ગામને પાદર.
વડલાની ડાળે હીંચકા ખાતો પવન પડી ગયો છે,
શીતળાઈની ધજા ફરફરતી નથી જરાય
મસાણમાં અડધી બાળેલી ચિતા ધૂંધવાય છે,
ને પડખે વહેતી નદીનાં ઊકળતાં પાણીમાં પરપોટા થાય છે
શંકરની દેરીનો પોઠિયો ગળતી ભણી ઉઘાડે મોં ઊંચું જુએ
તો કૂવાનાં જળ ગરેડીથી તળિયા લગ ઘૂમચકરડી ફરતાં દેખાય.
સામેની નિશાળના ખાલીખમ મેદાનમાં
કોઈ છોકરો એક પગે ઠેકે છે
એનો લંગડી દા ઊતર્યો નથી હજીય
પછી
ક્યાંથી એ દોડીને પહોંચી શકે વતનને ગામ!
ભલેને એને લઈ જતો આ રસ્તો
આંખ સામે જ પથરાઈને પડ્યો હોય અફાટ
જેના પર આખી રાત
સપનામાં ચાલ્યા કરવાનાં પગલાં પડ્યાં હોય ખીચોખીચ.

– રાજેશ પંડ્યા

વતનઝૂરાપાના અનેકાનેક અમર કાવ્યોથી વિશ્વસાહિત્ય ભર્યું પડ્યું છે. કવિએ ‘ફરી ગામડે’ શીર્ષક હેઠળ એકાધિક કાવ્ય કર્યાં છે, એમાંનું એક અહીં રજૂ કરીએ છીએ. ગામ તરફ લઈ જતો રસ્તો નજર સામે જ પડ્યો હોવા છતાં શહેર ત્યજીને એ રસ્તે ચાલીને ગામ જવાનું સંભવ બનતું નથી. કવિના મનની આંખો સમક્ષ ગામ તાદૃશ થઈ ઊઠે છે. બહુ સ-રસ રીતે કવિએ વતનવિયોગની વેદનાને વાચા આપી છે.

4 Comments »

  1. kishor Barot said,

    September 28, 2024 @ 7:30 PM

    ઊર્મિસભર અભિવ્યક્તિ. 👌

  2. Prajapati Gurudev said,

    September 28, 2024 @ 8:10 PM

    સપનામાંય તલસાટ અનુભવાય એવી કવિતા.

  3. Shailesh gadhavi said,

    September 28, 2024 @ 8:13 PM

    વાહ. આખ્ખેઆખ્ખું કાવ્ય હ્રદયસ્પર્શી ..!

  4. Barin Dixit said,

    September 28, 2024 @ 11:29 PM

    સત્ય વચન ખૂબ જ ઊર્મિ સભર વર્ણન. આંખ સામે ગામ ઊભું કરી દીધું . જય હો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment