રાજેશ પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 28, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રાજેશ પંડ્યા
આ રસ્તો
મારા ગામ તરફ જાય છે.
જોકે હું એના પર ચાલતો નથી અત્યારે
હું બેઠો છું અહીં
અને બેઠો બેઠો પહોંચી ગયો છું ગામને પાદર.
વડલાની ડાળે હીંચકા ખાતો પવન પડી ગયો છે,
શીતળાઈની ધજા ફરફરતી નથી જરાય
મસાણમાં અડધી બાળેલી ચિતા ધૂંધવાય છે,
ને પડખે વહેતી નદીનાં ઊકળતાં પાણીમાં પરપોટા થાય છે
શંકરની દેરીનો પોઠિયો ગળતી ભણી ઉઘાડે મોં ઊંચું જુએ
તો કૂવાનાં જળ ગરેડીથી તળિયા લગ ઘૂમચકરડી ફરતાં દેખાય.
સામેની નિશાળના ખાલીખમ મેદાનમાં
કોઈ છોકરો એક પગે ઠેકે છે
એનો લંગડી દા ઊતર્યો નથી હજીય
પછી
ક્યાંથી એ દોડીને પહોંચી શકે વતનને ગામ!
ભલેને એને લઈ જતો આ રસ્તો
આંખ સામે જ પથરાઈને પડ્યો હોય અફાટ
જેના પર આખી રાત
સપનામાં ચાલ્યા કરવાનાં પગલાં પડ્યાં હોય ખીચોખીચ.
– રાજેશ પંડ્યા
વતનઝૂરાપાના અનેકાનેક અમર કાવ્યોથી વિશ્વસાહિત્ય ભર્યું પડ્યું છે. કવિએ ‘ફરી ગામડે’ શીર્ષક હેઠળ એકાધિક કાવ્ય કર્યાં છે, એમાંનું એક અહીં રજૂ કરીએ છીએ. ગામ તરફ લઈ જતો રસ્તો નજર સામે જ પડ્યો હોવા છતાં શહેર ત્યજીને એ રસ્તે ચાલીને ગામ જવાનું સંભવ બનતું નથી. કવિના મનની આંખો સમક્ષ ગામ તાદૃશ થઈ ઊઠે છે. બહુ સ-રસ રીતે કવિએ વતનવિયોગની વેદનાને વાચા આપી છે.
Permalink
August 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઊર્મિકાવ્ય, રાજેશ પંડ્યા
પવન કવિતા લખે છે
પહાડના પથ્થર પર.
પથ્થર કવિતા લખે છે
નદીનાં જળ પર.
જળ કવિતા લખે છે
લીલા લીલા ઘાસ પર.
ઘાસ કવિતા લખે છે
ઝાકળનાં ટીપાં પર.
અને ઝાકળ કવિતા લખે છે
આપણાં જીવન પર.
– રાજેશ પંડ્યા
ઉત્તમ કવિતામાં સરળતા હંમેશા છેતરામણી હોય છે. એક કલ્પનથી શરૂ થઈ બીજા પર ને બીજા પરથી ત્રીજા-ચોથા એમ લસરતી આ સાવ બાળમંદિરના બાળકો માટેના જોડકણાં જેવી દસ પંક્તિઓ સહેજ વિચારો તો કેવા મજાનાં અને અર્થગંભીર પાંચ દૃશ્યો દોરી આપે છે…!
Permalink
July 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રાજેશ પંડ્યા
રસ્તામાં
થોડાં ઝાડ આવ્યાં.
થોડાં પહાડ આવ્યાં.
થોડાં પશુ આવ્યાં.
થોડાં પંખી આવ્યાં.
ક્યાંક ઝરણાં આવ્યાં.
ક્યાંક વોકળાં આવ્યાં.
એકાદ નદી આવી.
એકાદ માછલી આવી.
રસ્તામાં
બધું આવ્યું તોય
માણસ ચાલતો રહ્યો
એકલો એકલો.
-રાજેશ પંડ્યા
ગઈકાલે આ કવિની એક નકારાત્મક કવિતા જોઈ, આજે એક સકારાત્મક કવિતા…
એક નાની અમથી કવિતા પણ કેવી ધારદાર ! આપણી ચોકોર સર્જનહારે કેવી મજાની સૃષ્ટિ રચી છે પણ આપણે ‘બાજાર સે ગુજરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ’ જેવી વૃત્તિ સેવીને એકલા જ રહીએ છીએ… થોડાં, ક્યાંક અને એકાદથી ઉપર ઊઠીને કવિ એકબાજુ બધું આવ્યું કહીને શક્યતાઓનો વ્યાપ અનંત કરી દે છે તો બીજી તરફ એકલોની દ્વિરુક્તિ કરીને ચાબખો મારે છે…
Permalink
July 13, 2009 at 6:00 AM by વિવેક · Filed under અછાંદસ, રાજેશ પંડ્યા
આકાશ
હજીય વાદળી છે.
વૃક્ષો
હજીય લીલાં છે.
પંખી
હજીય ઊડે છે.
નદી
હજીય ભીંજવે છે.
માણસ
હજીય રડે છે.
અહીં
હજીય જીવી શકાશે.
– રાજેશ પંડ્યા
માણસને જીવવાનું એકમાત્ર કારણ આશા છે એ વાત ખૂબ જ ઓછા શબ્દોમાં પણ ખૂબ જ તીવ્રતાથી કવિ કરી શક્યા છે એ કવિતાની સાર્થક્તા…
Permalink
January 3, 2009 at 12:19 AM by વિવેક · Filed under અછાંદસ, રાજેશ પંડ્યા
આંખના પાણી તરવાં સહેલાં નથી
તું કહે તો સાતે દરિયા તરી બતાવું હું
રાતદિવસ હંકાર્યા કરું વહાણ
સઢની પાછળ ઊગતા ને
આથમતા ચાંદા સૂરજને જોઈ જોઈ
ફૂંફાડતા પવન ને ઊછળતાં મોજાં વચાળ
હલેસાં મારતો રહું સતત
જે કાંઠે તું છે ત્યાં પહોંચવા
એક પછી એક સાતેય દરિયાને વીંધીને છેવટ
આવી પહોંચ્યા પછીય
તારી આંખનાં પાણી તરી શકું નહીં.
-રાજેશ પંડ્યા
ગણિતમાં પ્રમેય ભણતા ત્યારે પ્રથમ પૂર્વધારણા બાંધીને પછી એને સાબિત કરવાનું રહેતું. આ નાનકડા અછાંદસમાં વડોદરાના રાજેશ પંડ્યા પ્રેમનો પ્રમેય સાબિત કરતા હોય એમ લાગે છે. કવિતાની શરૂઆત જ આંખના પાણીનું ઊંડાણ અને એને પાર તરવાની સંપૂર્ણ વિવશતાની પૂર્વધારણા સાથે થાય છે. લાગણીને ઓળંગવી એના કરતાં સાત-સાત દરિયા ઉલેચવા કદાચ વધુ આસાન છે. ‘રાતદિવસ’ વહાણ હંકારવાની અનવરત તૈયારી ચાંદા-સૂરજ-પવન-મોજાંની વચ્ચે થઈને હલેસાંના ‘સતત’ મરાવાના સાતત્ય સુધી પહોંચી કવિતાને એક લય, ગતિ, પ્રવેગ આપે છે. અને આખી દુનિયા તરી જવાનું જેના બાવડાંમાં કૌશલ ભર્યું છે એ કાવ્યનાયક પણ પ્રિયતમાના એક આંસુ સમક્ષ તો પોતાની હાર સ્વીકારી જ લે છે. કદાચ આ હારમાં જ પ્રેમની જીત છુપાયેલી છે !
Permalink