આંખ હમારી ટપટપ ચૂઇ લૈ ઔર બાજી ઊઠે છે પાંપણ;
સાજ કરૈ કા ? સૂર ન અજહૂ સમ પર આવ્યા આયે ન બાલમ.
– નયન દેસાઈ

ભુજ શહેર-સ્થળમાં : એક વૃત્તાન્ત – ધીરેન્દ્ર મહેતા

ભુજને
કાંડું-પંજો અને આંગળીઓ પણ
ફૂટવા માંડી છે;
અને આંગળીઓએ સળવળી સળવળીને
વિસ્તરવા માંડ્યું છે…
સ્નાયુની જેમ ઊપસેલો ભુજિયો
એ જ નથી ભુજની શોભા હવે;
પાંચે આંગળીએ પહેરેલી
અનેક વીંટીના નંગ સમી
શોભવા લાગી છે સોસાયટીઓ…
અને પાંચે આંગળીઓએ
ભીંસાઈ ભીંસાઈને
કેટકેટલું લેવા માંડયું છે મૂઠીમાં!
આ ભીંસથી
એની નસોમાં ફરતું લોહી
કાળું પડવા માંડયું છે.
એનાં નસકોરાંમાંથી નીકળતો ધુમાડો જોઈ
મને હતું
કાળું પડતું જશે
આ આખું શહેર;
૫ણ જોઉં છું,
આ નગરની એક આંખ
(જે ઓળખાતી હમીરસરને નામે)
ફરી પાછી છલકાઈ ઊઠી છે
અને તરવા લાગી છે
એની લખોટા જેવી કીકી.
એના ખાલીપા નીચે
ધરબાઈ ગયેલાં
આ નગરનાં સ્વપ્નોએ
વૃક્ષો બનીને
ફરી પાછું
આકાશને તાકવા માંડ્યું છે.
વીતી ગયેલા એક સ્વપ્ન જેવો મહાલય
એને પોપચે ઊભો રહીને
ફરી જાણે આ
આંખમાં પ્રવેશવા મથે છે.
જલપ્રવાહની આવમાં ખેંચાઈ આવેલાં
મત્સ્યોની જેમ એમાં
ફરી પાછું
કશુંક સળવળવા માંડયું છે
અને
સુકાઈ ગયેલા આંસુની ધાર જેવો રસ્તો
ફરી પાછો
રેલો બનીને
લે, આ તારા ચરણ લગી આવી પહોંચ્યો છે.
આ ભુજ
હાથ બનીને–આંગળીઓ બનીને–નહોર બનીને
આ આંખને ફોડી નાંખે
એ પહેલાં
ચાલ, જોઈ લઈએ,
એમાં તરતાં મત્સ્યો,
એમાં તરતાં સ્વપ્નો!

– ધીરેન્દ્ર મહેતા

નગરકાવ્યો આપણી સાહિત્યસમૃદ્ધિનું અગત્યનું પાસું છે. પ્રસ્તુત રચનામાં ભુજ કેન્દ્રસ્થાને છે. ભુજમાં પ્રચંડ ભૂકંપ આવ્યો એના પંદર-સોળ વર્ષ પહેલાં લગભગ ૧૯૮૫ની આસપાસમાં આ રચના લખાઈ છે, પણ ચાળીસેક વર્ષ પૂર્વે શહેરીકરણનો રાક્ષસ જેટલો પ્રભાવી અને વિકરાળ જણાતો હતો એટલો જ આજે પણ લાગતો હોવાથી રચના આજેય એટલી જ પ્રસ્તુત લાગે છે. બંધ મુઠ્ઠી ખૂલે અને આંગળીઓના પ્રસારને લઈને પંજાનો વિસ્તાર વધતો જાય એ રીતે ભુજ પણ વિસ્તરી રહ્યું છે. નગરમધ્યે વિરાજમાન ભુજિયો ડુંગર ભુજની એકમાત્ર શોભા નથી રહ્યો પણ શહેરમાં ફૂલીફાલી રહેલી સોસાયટીઓ વીંટીના નંગ સમી શોભી રહી છે એમ કહીને કવિએ વેધક કટાક્ષ કર્યો છે. પ્રદૂષણનો કાળોતરો આખા ભુજને ગળી જશે એવી ભીતિના કાળાં વાદળોમાં કવિને ફરી એકવાર છલકાવા લાગેલ હમીરસર તળાવ નામની સોનેરી કોર નજરે ચડે છે. પાંખા વરસાદવાળા વિસ્તારની સમૃદ્ધિ સ્વાભાવિકપણે જળની આવને આભારી જ હોવાની. હમીરસર તળાવના ભરાવાથી નગરનાં સ્વપ્નોને વૃક્ષ બની મહોરવાની તક સાંપડી છે. ઔદ્યોગિકીકરણનો રાક્ષસ નગરને ભરખી જાય, એ પૂર્વે જીવી લેવાના આહ્વાન સાથે કવિ વાત પૂરી કરે છે ત્યારે આપણી ચેતનામાં સળવળાટ શરૂ થાય છે…

2 Comments »

  1. Vinod Manek 'Chatak' said,

    November 28, 2024 @ 12:00 PM

    સરસ નગર કાવ્ય. . ધીરેન્દ્ર મહેતાને અભિનંદન

  2. Vinod Manek 'Chatak' said,

    November 28, 2024 @ 12:01 PM

    સરસ નગર કાવ્ય.. ધીરેન્દ્ર મહેતાને અભિનંદન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment