ચાર દસકે – જગદીપ નાણાવટી
ચાર દસકે જિંદગી થઈ સાબદી,
રે! હજી તો યાદ છે સાતે પદી.
એ જ ખંજન, સ્મિત નમણું, એ અદા –
કાંઈ પણ લાગ્યું નથી વાસી કદી.
ભેદ ભાગ્યા, ગુણને ગુણ્યા કર્યા,
શેષમાં સંતોષ, વ્હાલપની વદી.
ખળખળ્યાં, ઉછળ્યાં ઝરણ થઈ, પણ હવે
ચાલ વહીએ, ધીરગંભીર થઈ નદી.
બે હલેસાં- એક તું, ને એક હું,
આપણે તો પાર કરવી છે સદી.
– જે. કે.
કવિતા એટલે ખરા અર્થમાં દિલથી દિલને જોડતી કડી… જે વાત કવિના હૃદયમાંથી નીકળી ન હોય અને/અથવા ભાવકના હૃદય સુધી પહોંચી ન શકે એ ગમે એટલી અલંકારિક કે વિદ્વત્તાસભર કેમ ન હોય, એ કવિતા તો નથી જ. વીરપુર નજીક જેતપુર ગામમાં એમડી ફિઝિશ્યન તરીકે વર્ષોથી સેવા બજાવતા તબીબ-કવિ-ગાયક જે. કે. નાણાવટીના દિલમાંથી એમના લગ્નજીવનના ચાર દસકા પૂરા થવાનાનિમિત્તે જે વાત નીકળી એ સીધી આપણા દિલને અડી જાય એવી છે. પાંચેય શેર સરળ હૃદયંગમ બાનીમાં લખાયા છે. જેમ જેમ ગઝલ આગળ વધતી જાય છે, એમ એમ શેર વધુ બળકટ થતા જાય છે. છેલ્લો શેર તો, ભઈ વાહ!
Aasifkhan Pathan said,
November 22, 2024 @ 11:24 AM
વાહ સુંદર ગઝલ
Nilam Roy said,
November 22, 2024 @ 11:24 AM
આખા લગ્નજીવનનો સાર પમાડતું કાવ્ય … બે હલેસાં એક તું અને એક હું અદભુત કલ્પન !
Harihar Shukla said,
November 22, 2024 @ 11:52 AM
ઓહો મોજ!👌
Jaypee said,
November 22, 2024 @ 11:53 AM
સુંદર કાવ્ય.દામ્પત્ય જીવન ને લગતા વિવિધ કવિઓ ની રચના
ઓ નો એક સંગ્રહ થવો જોઈએ.આ સંકલન ને લગ્ન ભેટ તરીકે
આપી શકાય.
કિશોર બારોટ said,
November 22, 2024 @ 12:02 PM
હદયસ્પર્શી અભિવ્યક્તિ. 👌
J k nanavati said,
November 22, 2024 @ 12:16 PM
આભાર વિવેકભાઈ…
આરતી સોની said,
November 22, 2024 @ 12:16 PM
ખૂબ સરસ
જય કાંટવાલા said,
November 22, 2024 @ 12:28 PM
વાહ વાહ
Vinod Manek 'Chatak' said,
November 22, 2024 @ 3:33 PM
સુમધુર દામ્પત્ય જીવનની અદભૂત ગઝલ