આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઈ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઈ
ભગવતીકુમાર શર્મા

(ભેંત્યની તેડ્ય) – પ્રશાંત કેદાર જાદવ

ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ
.                   માંયલીન ચ્યમ કરી હોંધવી!
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી
.                   ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી!!

તોય મનં ઈમ કો’ક ઉપા કરીએ
.                   જો થોડા ઘણા ફેર કાંય થાય
(પણ) એટલામાં તેડ્ય તો બાકોરું થઈ જઈ,
.                   મું હં નાખું તો એ પુરાય!
દનિયોના કીધ તારો રાશ્યો ભરૂંહો
.                   અવ તનજ લાજ જોઈય આવવી.

હૌના તો લેખ તમે લખો લલાટે
.                   પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન – કાપાય પાસા એવા પાડ્યા
.                   ક – મારઅ ચોમાહા રે’હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં
.                   એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી.

હારી થાચીન મીં તો મનનું મનાયું
.                   ક – આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી
.                   પસ મંન હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી
.                   તોય દેખાય તો ચ્યમની હંતાડવી?

.                                              ભેંત્યની તેડ્ય તો…

– પ્રશાંત કેદાર જાદવ

કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવને આપણે સહુ ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…’, ‘જોડે રહેજો રાજ’, ‘સાજણ તારા સંભારણાં’ જેવા અનેક લોકપ્રિય ફિલ્મી ગીતો તથા ‘કુમકુમનાં પગલા પડ્યાં, માડીના હેત ઢળ્યા’, ‘કુમકુમ પગલે માડી પધારો રે’, ‘સનેડો’, ‘મેં તો થોડો પીધો ને’, ‘હમ્બો હમ્બો વિંછુડો’ તથા’વણઝારા તુ વહેલો આવજે’ જેવા અનેક ગરબાઓથી ઓળખીએ છીએ. ‘જેનું ધાવણું છોકરું રૂએ તોપણ સૂરમાં રૂએ’ એવી મનોરંજન કરાવનારી તુરી જાતિના ફરજંદ, વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં નિર્માતા અને પ્રોડયુસર તરીકે ફરજ બજાવતા કવિની આ રચનાઓ સિવાય એક અલગ ઓળખ પણ છે. આજની રચનાની મદદથી આ ઓળખ સાથે આજે મુખામુખ થઈએ.

કવિતાનું ઉપાદાન ભાષા છે, પણ ભાષાની તો લીલા જ ન્યારી. મા એક પણ દીકરા હજાર. ભાષા તો એક જ, પણ બોલી તો બાર ગાઉએ બદલાય. પ્રશિષ્ટ ભાષા અને તળપદી બોલીની રચનાઓના સેંકડો દાગીનાઓથી આપણો કાવ્યખજાનો સમૃદ્ધ છે, પણ બહુ ઓછા કવિઓ લોકબોલીનો વિનિયોગ કવિતાને ઉપકારક નીવડે એ રીતે કરી શકે છે. પ્રસ્તુત રચનામાં કવિએ કવિવેદનાને વાચા આપવા માટે ઉત્તર ગુજરાતની તળપદી બોલીને એ રીતે કામે લગાડી છે કે આની આ વાત શિષ્ટ ભાષામાં રજૂ થઈ હોત તો કવિતાનું પોત જ ખતમ થઈ ગયું હોત… બોલી અહીં મુખ્યનાયકની ભૂમિકામાં છે.

કવિતા સ્વયંસ્પષ્ટ હોવાથી આજે માત્ર બોલીનું સરળીકરણ જ કરીએ. ભીંતની તિરાડ તો માટીથી સાંધી શકાય, પણ માંહ્યલાને કઈ રીતે સાંધવો એ અવઢવ કવિને પીડી રહી છે. પગ કરતાં ચાદર ટૂંકી હોય એવા ટાંચા સંજોગોમાં જીવન કેમ કરી પસાર કરવું? હજી તો કવિ આ બાબતે કંઈક ઉપાય કરવાનું વિચારી રહ્યા છે, એટલામાં તડ બાકોરું બની ગઈ. શું નાંખીએ તો આ બાકોરું ભરાય એ જ પ્રાણપ્રશ્ન છે. દુનિયાના કહેવાથી જેનો ભરોસો રાખીને બેઠા હતા, એ ભગવાનને આ બદલ લાજ ન આવવી જોઈએ? સૌના લેખ એણે લલાટે લખ્યા, પણ ગરીબોના લેખ આંખોમાં લખ્યા. અને રેખાય એવી પાડી કે નસીબે બારેમાસ રડવાનું જ રહે. રડી રડીને સૂકાઈ ગયેલી આંખોનાં પાણી પાતાળે ઉતરી ગયાં છે, એને ખેંચીને બહાર આણી શકે એવું દોરડું ક્યાંથી લાવવું એ વિમાસણ કવિને સતાવે છે. અંતે હારી થાકીને કવિ મનને મનાવે છે કે કોઈ આપણું કશું કરનાર નથી, આપણે જાતે જ જાતનું ફોડી લેવું પડશે, પણ આ બધું જ્ઞાન તો ઘડી બે ઘડીભર સાંત્વના આપી શકે, રોજેરોજનું શું? ભીતરની પીડાને કવિએ કાઠા થઈ ભોંયમાં ભંડારી તો ખરી, પણ તોય એ દેખાઈ જાય તો પછી એને કઈ રીતે સંતાડવી?

આપણી સંવેદના બધિર થઈ જાય એવો કઠોર વજ્રાઘાત કરતી આવી વેદનાસિક્ત રચનાઓ સાચા અર્થમાં આપણી ભાષાનાં મહામૂલાં ઘરેણાં છે.

 

7 Comments »

  1. Rakesh Thaker said,

    October 18, 2024 @ 8:34 PM

    જોરદાર ને બહુ મજાના માણસ પ્રશાંત સાહેબ એટલા જ સાલસ ને એમની આવી તળપદ રચના..આહ્લાદક…અદ્ભુત

  2. Ramesh Maru said,

    October 18, 2024 @ 8:53 PM

    વાહ…લોકબોલીનું ઉત્તમ ગીત ને આસ્વાદ પણ એટલો જ સુંદર ને સરળ…ને સાથે કવિના સ્વરનો વિડીઓ જોઈ મજા આવી…ધન્યવાદ ટેલર સાહેબ

  3. Mita mewada said,

    October 18, 2024 @ 11:13 PM

    લે’ર પડી જઈ બાકી

  4. Varij Luhar said,

    October 19, 2024 @ 2:16 AM

    વાહ.. વાહ.. ખૂબ સરસ ગીત.. પઠન એથી પણ સરસ.. પ્રશાંત કેદાર જાદવ નો
    સુંદર પરિચય કરાવ્યો એ એનાથી પણ સુંદર.. કાંઈ ઘટે નહીં.

  5. Dhruti Modi said,

    October 19, 2024 @ 2:47 AM

    ખૂબ સરસ રચના !તળપદી ભાષામાં જે કંઈ રચાય છે તેમાં મોટેભાગે સાચી વાત હોય છે, સમાજની સાચી તસ્વીર જોવાની મળે છે ! અભિનંદન ભાઈ પ્રશાંત જાદવ કેદારને. ! 🙏🙏🌺🌸🌺

  6. Premal Shah said,

    October 19, 2024 @ 9:43 AM

    ખુબ સુંદર કવિતા 👌🏻

  7. Shailesh Prajapati said,

    October 19, 2024 @ 10:18 PM

    ભાષા ય ભાતીગળ હોય તે અહીં દેખાય છે. અપ્રતિમ ઊંચાઈ એ લઈ જઈ પીડા મય વાસ્તવિકતાનો સાક્ષાત્કાર કરાવી પગને જમીન પર લાવી મૂકે છે આ રચના!
    અદ્ભુત!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment