અવસરના જોશ કરતાં એ હોય છે વધારે
અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી
વિરલ દેસાઈ

વિચાર અજમાવું – શૈલેશ ગઢવી

રાજદ્વારી વિચાર અજમાવું,
ખુશખબર વારતામાં લઈ આવું.

જાઉં છું કંઈક બોલવા પાસે,
એ કહે છે, પછીથી બોલાવું!

શૂળીનો ઘા સરી ગયો સોયે,
મારા મનને હું રોજ સમજાવું.

પૂરી દુનિયા છે દિલરૂબા મારી,
ક્યાં સુધી મારી બાંહ ફેલાવું?

સૌના જુદા અવાજ ને ચહેરા,
તો પછી અન્ય જેમ શું થાવું!

– શૈલેશ ગઢવી

કવિતા એટલે આઉટ ઑફ ધ બોક્સ વિચારવાની કળા. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. ગઝલમાં રાજદ્વારી વિચાર અજમાવવાની વાત આપણને બે ઘડી વિચારતાં કરી મૂકે એવી અજુગતી છે. કવિ એક તરફ રાજદ્વારી વિચારની વાત કરે છે તો બીજી તરફ વારતામાં ખુશખબર લઈ આવવાની વાત કરે છે. બે સાવ અસંબદ્ધ લાગતા મિસરા સાંધીને કવિએ કેવો મજાનો મત્લા જન્માવ્યો છે એ જોવા જેવું છે. સામાન્યરીતે કળાને ઘેરો રંગ, વિષાદનો રંગ વધુ માફક આવે છે. મિલન કરતાં વિરહની કવિતાઓ જ વધુ લોકભોગ્ય બને છે. એટલે વારતામાં ખુશખબર લઈ આવવી હોય તો રાજદ્વારી અમલ કરવો અનિવાર્ય થઈ પડે. ખાધું, પીધું ને મોજા કરીની વારતાઓ તો પરીકથામાં જ જોવા મળે, જીવનમાં તો કરુણતા જ સવિશેષ જોવા મળે. (સ્મરણ: ‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે…’ નરસિંહરાવ દિવેટિયા)

સરવાળે આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે…

9 Comments »

  1. રાજેશ હિંગુ said,

    September 20, 2024 @ 12:42 PM

    વાહ.. ખૂબ સરસ ગઝલ.. કવિનું સ્વાગત.

  2. Nilam Roy said,

    September 20, 2024 @ 1:17 PM

    વાહ … મનની વાત સુંદર રીતે રજૂ કરી … અભિનંદન કવિશ્રીને 💐🙏

  3. Shailesh gadhavi said,

    September 20, 2024 @ 1:26 PM

    વિવેકભાઈએ ખૂબ સુંદરરીતે મતલા પર પ્રકાશ પાડ્યો છે . વિકટ પરિસ્થિતિમાં પણ સુખની કાલ્પનિક અનુભૂતિ કરી શકાય છે અને માણસ પાસે એ ક્ષમતા છે કે એ અન્ય માણસને એ અનુભૂતિ કરાવી પણ શકે છે. ‘લયસ્તરો’ પર આ ગઝલને સ્થાન મળ્યું એનો વિશેષ આનંદ. આભારસહ, શૈલેશ ગઢવી.💐💐

  4. Ajay Gadhavi said,

    September 20, 2024 @ 4:00 PM

    એમાં પણ આ શેર માં તો ભાઈ શૈલેષ ગઢવી એ હદ વટાવી દીધી છે.
    ” પૂરી દુનિયા છે દિલરુબા મારી,
    ક્યાં સુધી મારી બાંહ ફેલાવું ?”

    ખૂબ આભાર ટેલર જી સમગ્ર કાવ્યસંગ્રહ મા મને સૌથી વધુ પ્રિય ગઝલ નો આશ્વાદ કરાવવા બદલ.
    ભાઈ શૈલેષ, આવી જ રચનાઓ થી હંમેશા તરબોળ કરતા રહો.

  5. Harihar Shukla said,

    September 20, 2024 @ 4:03 PM

    ઓહો, મોજ! ઓહો મત્લા અને એનો આસ્વાદ!👌💐

  6. અસ્મિતા શાહ said,

    September 20, 2024 @ 5:57 PM

    આહા ! મોજ જ મોજ….

  7. Ramesh Maru said,

    September 20, 2024 @ 9:59 PM

    વાહ…સુંદર ગઝલ…

  8. Aasifkhan Pathan said,

    September 21, 2024 @ 2:54 PM

    વાહ સુંદર ગઝલ

  9. Poonam said,

    September 27, 2024 @ 6:34 PM

    રાજદ્વારી વિચાર અજમાવું,
    ખુશખબર વારતામાં લઈ આવું…
    તો…
    શૂળીનો ઘા સરી ગયો સોયે,
    મારા મનને હું રોજ સમજાવું…
    – શૈલેશ ગઢવી – Mastaan ! 😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment