(અલગ છે!) – હર્ષવી પટેલ
ધાર્યા કરતાં સાવ અલગ છે
આવ્યો પણ બદલાવ અલગ છે
તમે લીધો એ દાવ અલગ છે,
અમે ગણ્યા એ ઘાવ અલગ છે.
શબ્દ જુદા છે હોઠ ઉપર ને,
આંખોમાં પ્રસ્તાવ અલગ છે.
તારી વાણી, તારું વર્તન,
તું જાતે સરખાવ, અલગ છે.
જાવું છે એ ઘાટ જુદો છે,
બેઠા છો એ નાવ અલગ છે.
સહુના માથે સૂરજ એક જ,
ધૂપ અલગ છે, છાંવ અલગ છે.
પહેલાં ભાવસભર મળતાં’તાં,
હમણાંનો સદભાવ અલગ છે!
– હર્ષવી પટેલ
લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘તારી ન હો એ વાતો’નું સહૃદય સ્વાગત છે…
ટૂંકી બહર અને સરળ ભાષામાં કવયિત્રી કેવી મજાની ગઝલ લઈ આવ્યાં છે. કયા શેરને વધુ પસંદ કરવો એ ભાવક માટે સમસ્યા થઈ પડે એવી જાનદાર સંઘેડાઉતાર ગઝલ…
Varij Luhar said,
November 30, 2024 @ 10:27 AM
વાહ.. સરસ ગઝલ અને આસ્વાદ…’ તારી ન હો એ વાતો’ ને આવકાર અભિનંદન શુભકામનાઓ
મોના નાયક said,
November 30, 2024 @ 10:32 AM
સ-રસ ગઝલ… મકતાનો શેર શિરમોર 👌
હર્ષવીને ખુબ ખુબ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…
Devang vasavada said,
November 30, 2024 @ 6:15 PM
Harshvi bahen ni rachna khub j saras chhe
Riyaz Langda said,
November 30, 2024 @ 7:50 PM
વાહ
હેમેન શાહ said,
December 1, 2024 @ 10:54 AM
હર્ષવીને અભિનંદન
એની પાસે શેર કહેવાની કળા છે.
આ ગઝલમાં રાજેન્દ્ર શુક્લની છાયા વરતાય છે.
“સૂતેલાના સ્વપ્ન અલગ ને જાગે એની રાત અલગ છે”
જોકે હર્ષવી પાસે કટાક્ષનો એક જુદો રંગ છે.
છેલ્લા શેરનો “સદભાવ” જાનલેવા છે !