(ભરબજારે) – અમિત ટેલર
લાજ, ભય, શંકા, રિવાજોની વચાળે,
એ મને ભેટી પડ્યા’તા ભરબજારે.
આંખ છોડી આંસુઓ એવાં તે નાઠાં,
જાણે છેલ્લો ઘંટ વાગ્યો હો નિશાળે.
એ કશું મનમાં વિચારીને લજાયાં,
હુંય થાતો પાણીપાણી એ વિચારે.
દર વખતની જેમ હું ચુપચાપ બેઠો,
એમણે વાતો કરી વળતી ઈશારે.
એકટશ જોયા કરે છે પંખીડાં બે,
જેમ શંકર-પોઠિયો બેઠા શિવાલે.
વેદનાનું વિસ્મરણ કરવું જ છે તો,
કેમ ઉતારે છે ગઝલમાં છાશવારે?
માર્ગ નહીં પણ સત્યમાર્ગે ચાલતા રહી-
થાય જે કડવા અનુભવ, એ મઠારે.
– અમિત ટેલર
ईद का दिन है गले आज तो मिल ले ज़ालिम,
रस्म-ए-दुनिया भी है मौक़ा भी है दस्तूर भी है।
– કમર બદાયૂનીએ જે વાત અધૂરી મૂકી હતી, ત્યાંથી આગળ વધીને કવિ આલિંગન પૂર્ણ કરે છે. સ્ત્રીસહજ લાજ, બદનામીનો ભય, નાયિકાના વર્તાવ અંગે નાયકના મનમાં રહેલી શંકા અને ઈદ કે દિવાળી જેવા કોઈક તહેવારોનો રિવાજો -ચાર અલગ અલગ પરિમાણોની વચ્ચે પ્રિયજન ભરવચાળે નાયકને બહુપરિમાણીય આલિંગન આપે છે એની મોજ એવી સ-રસ છે કે ભાવક પણ આ દુર્નિવાર્ય ભાવાલિંગનથી પરે રહી શકતો નથી. (ત્રીજા શેરમાં છે એ માનાર્થસૂચક અનુસ્વારની મત્લામાં અનુપસ્થિતિ જો કે થોડી ખટકે છે.) છેલ્લા બંને શેર નિવારી શકાયા હોત તો રચના સાદ્યંત આસ્વાદ્ય બની હોત. છઠ્ઠો શેર ગઝલના મિજાજથી થોડો વેગળો પડી જાય છે અને આખરી શેર તો સાવ આગંતુક જણાય છે. પરંતુ એટલું બાદ કરતાં પહેલા પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે.