કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હિરેન મહેતા

હિરેન મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પિતૃવિશેષ: ૦૫ : (ઝગમગતું અજવાળું) – હિરેન મહેતા

પાણા જેવા પાણા ભીતર ભીનું ને હુંફાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું!

પપ્પા સહુના જીવતરનો
મોંઘેરો કોઈ મોભ,
પપ્પાએ કોઈ લાગણીઓનો
ક્યાં રાખ્યો છે લોભ?
આકાશ જેવું ખુલ્લમ-ખુલ્લું, ના રાખે કોઈ તાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું,

ઝળહળ ઝળહળ દીવો થઈને
પપ્પા ઘરમાં રહેતા,
ભૂલ પડે ત્યાં આંગળી પકડી
મારગ કાઢી દેતા,
એમનું હોવું લાગે જાણે ઉજળું ને ઉજમાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.

પપ્પાની એ કરડી આંખે
થરથરથર સહુ કાંપે,
પણ હેત ભરેલું વાવાઝોડું
બેઠું કાયમ ઝાંપે,
હોય એ ત્યાં અંધારે પણ સાફ સઘળું ભાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.

-હિરેન મહેતા

આ ગીત જ્યારે પ્રથમવાર વાંચ્યું ત્યારે લાગ્યું કે આ તો મારા પપ્પા માટે જ લખાયું છે. અનુભૂતિથી કહું તો પપ્પા બિલકુલ નાળિયેર જેવા હોય છે. બહારથી પાણા જેવા ભાસતા પપ્પા અંદરથી સાવ ભીના અને હૂંફાળા હોય છે. હું નાની હતી ત્યારે ઘરનાં મોંઘેરા મોભ જેવા મારા પપ્પાથી લગભગ કુટુંબનાં બધા જ સભ્યો ડરતા હતા, કારણકે ગુસ્સો એમના નાક પર જ રહેતો. પરિણામે પપ્પાના કડક સ્વભાવની ખોખલી દીવાલની બીજી તરફ ફૂંકાતું હેતનું વાવાઝોડું જાણબહાર રહી જતુ. સાચું કહું તો પપ્પાની હાજરી જ એક સૂરજ જેવી હતી, જેની હાજરીથી વાતાવરણ ગરમ તો રહેતું, પણ એ ના હોય ત્યારે અંધારું છવાઈ જતું. જેઓ એમની ગેરહાજરીના અંધારાને અનુભવી શકતા, એમને માટે તેઓ માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત હતા. નરી આંખે નજરે ન પડતા પ્રેમ, સમર્પણ અને ત્યાગથી પપ્પાને મેં સાચ્ચે જ એમના નાના ભાઈભાંડુઓનાં આયખાને અજવાળતા જોયા છે. જેમ દરેક પુત્રના પ્રથમ સુપર હીરો એના પપ્પા જ હોય છે, એમ દરેક દીકરીનો પ્રથમ પ્રેમ પણ એના પપ્પા જ હોય છે. મારા પપ્પા એટલે સાચે જ મારા આયખાનું ઝગમગતું અજવાળું…  ભગવાન કરે એ લાંબા સમય સુધી ઝગમગતું અને ઝળહળતું રહે!

Comments (6)