દીવડો – નંદકુમાર પાઠક
કાચા આ કોડિયે મૂકેલો,
. હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો
સૂરજનાં અજવાળાં એમાં સજાયાં,
શશીયરનાં શીતળ જો કિરણો સમાયાં,
ગેબી કો’ ગોખમાં મૂકેલો
. હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો.
વર્ષાની વાદળીઓ આવે ને આંતરે.
અંધારાં અવનીનાં આવે ને આવરે.
ઝંઝાના વીંજણે ઝગેલો
. હો દીવડો. કાચા આ કોડિયે મૂકેલો,
સંતનનાં નયનોની કીકીમાં ડોલતો,
દુખિયારી આંખોની ખીણોમાં ઓપતો,
સોહે અનેકમાં અકેલો
. હો દીવડો. કાચા આ કોડિયે મુકેલો.
– નંદકુમાર પાઠક
લયસ્તરોના તમામ ભાવકોને દીપોત્સવી પર્વના અઢળક મબલખ વધામણાં…
સમયની ગોખમાં લપાઈને આછું આછું સળગ્યા કરતો એક નાનકડો દીવો આજે આપ સહુ સમક્ષ રજૂ કરીએ છીએ…