ટપ… ટપ… ટપ… ટપ… ધીમી ધારે,
દિલને તારી યાદો શારે.

ધા… તીન… ના.. બાજે મોભારે,
ભીતર વરસે તું ચોધારે.
તનસુખ શાહ ‘સ્વપ્નિલ

આશા – નંદકુમાર પાઠક

પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

ગગને ગોરંભાયો મેહુલો
.           વરસી વાદળી જાયજી;
શામાં રે ઝીલું હું પાણી બાવરો,
.           ખોબે છલકાતું જાયજી;
.           પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

ખીલતી વસંતની વાડીએ,
.           આવ્યો ફૂલડાંનો ફાલજી;
કેમ રે ચૂટું હું ફૂલ આવડાં,
.           છલકે ધરતીની છાબજી;
.           પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

ઘૂઘવે સાગર કાળી રાત આ,
.           દૂર ઊઘડે ઉજાશજી;
શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
.           તૂટે તોયે ના આશજી;
.           પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

– નંદકુમાર પાઠક

સરળ પણ સંતર્પક ગીતરચના… અનિલ ચાવડાનો શેર યાદ આવે:

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે?

પ્રકૃતિનું ઔદાર્ય આપણી ક્ષમતા અને સમજ બહારનું છે. એ જે આપે છે, અઢળક ને અપાર આપે છે, પણ આપણો ખોબો જ નાનો પડે છે. આપણે કેવળ આશા ટકાવી રાખવાની છે… એ જ આપણને કાજળકાળી રાતમાંય ઉજાસ સુધી લઈ જશે.

4 Comments »

  1. કિશોર બારોટ said,

    February 4, 2026 @ 1:16 PM

    સુંદર 👌

  2. Varij Luhar said,

    February 4, 2026 @ 1:23 PM

    સરસ ગીત

  3. Kishor Ahya said,

    February 4, 2026 @ 11:17 PM

    દરેક મનુષ્યની ઈચ્છાઓ, મહત્વાકાક્ષા પૂરી થાય એને મંજિલ ગણીએ તો મંજિલ સુધી પહોંચવાનો રસ્તો (પથ) બહુ લાંબો છે, ત્યાં પહોંચવા માટે આયુષ્ય ઓછું પડે છે! ભાગ્યેજ કોઈ વીરલા પથ સુધી પહોંચી શકે છે! પ્રાકૃતિક સૌંદર્ય ગૌરંભાયેલ મેહુલો વર્ષી રહ્યો છે પણ ખોબામાંથી પાણી વહી જાય છે, તેમ કહી કવિ કહી રહ્યા છે કે પ્રકૃતિએ અઢળક આપ્યું છે પણ મનુષ્ય લેવા માટે સમર્થ નથી બની શક્યો. ફૂલડાં વગેરેની વાત કરી છે, ફૂલડા ઓથી ભરેલી ધરતીને કવિએ છાબ કહ્યું છે,
    “કેમ રે ચૂટું હું ફૂલ આવડાં,
    છલકે ધરતીની છાબજી;”

    વાહ! ખૂબ સરસ.

    “ઘૂઘવે સાગર કાળી રાત આ,
    દૂર ઊઘડે ઉજાશજી;
    શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
    તૂટે તોયે ના આશજી”

    મનુષ્ય જાણે છે કાળ માથે ઘૂઘવી રહ્યો છે, રોજ જીવન તૂટે છે, મૃત્યુ નિશ્ચિત છે છતાં પણ મનુષ્ય જીજીવિષા છોડતો નથી! આ વાત કવિએ સઢ અને નાવડી ના પ્રતીકરૂપે સરસ કહી દીધી છે.

    સરળ શબ્દો દ્વારા રચેલ આ કાવ્યમાં કવિએ કુદરતે મનુષ્યને આપેલી પ્રાકૃતિક ભેટ ભરપૂર માણી લેવા થોડા અદૃશ્ય સંકેત કરે છે કેમકે પથ તો બહુ લાંબો છે અને આયુષ્ય ટૂંકું છે! ખૂબ સરસ.

    ‘આશા’કવિ શ્રી નંદકુમાર પાઠકની સરળ રચના છે.શ્રી વિવેકભાઈ એ ખૂબ સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  4. ઉર્વી પંચાલ ઉરુ said,

    February 26, 2026 @ 8:18 AM

    વાસ્તવિકતાનુ આલેખન , સુંદર શબ્દોમાં કર્યું. સુંદર રચના 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment