ગ્રીષ્મમધ્યાહ્નમાં – નિરંજન ભગત
તપ્ત ધરણી હતી, (ધરણી=ધરતી)
ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી (ભર્ગ= તેજ, ભાસ્વતી= પ્રકાશમાન, સૂર્યનું શહેર)
સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી;
અગ્નિની આંખ અંગાર ઝરતી હતી
રુદ્ર અંબરતળે,
પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી;
દૂર ને દૂર જૈ ઓટ સરતી હતી
શાંત સાગરજલે,
ફેણ ફુત્કારતી ક્યાંય ભરતી ન’તી,
દૂર કે પાસ રે ક્યાંય ના એક તરણી હતી,
તપ્ત, બસ તપ્ત ધરણી હતી.
શાંતિ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી?
સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી? (ક્લાંતિ=થાક)
વહ્નિની જ્વાળ શો શ્વાસ નિઃશ્વાસતી, (વહ્નિ=અગ્નિ)
ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છવાસતી;
મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી;
ઝાંઝવાનીરની પ્યાસમાં બ્હાવરી કો’ક હરણી હતી!
ક્યાંય શાંતિ ન’તી, ક્યાંય ક્લાંતિ ન’તી,
અહીં બધે શાંતિ ને ક્લાંતિની ફક્ત ભ્રાંતિ હતી!
ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો;
કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડયો!
આજ વૈશાખના ધોમ બપ્પોરમાં,
આછી આછીય તે પવનની લ્હેર આ લૂઝર્યા પ્હોરમાં
માહરી સિક્ત પ્રસ્વેદતી કાય ના સ્હેજ લ્હોતી છતાં (સિક્ત = છાંટેલું)
શૂન્યમાં હુંય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો,
ક્યાંય માથે ન’તો મેધનો માંડવો, છાંય ન્હોતી છતાં
શૂન્યના નેત્રથી સ્થલ અને કાલના અંત માપી રહ્યો.
ત્યાં અચાનક કશી ભીંસતી ભીત શી
અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી,
છિદ્ર એમાં પડ્યું? જેથી કો ફૂંક શી, કો મૃદુ ગીત શી
પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી;
એક સેલારથી
નયનને દાખવી નાવ કો સઢફૂલી,
ઘડીક જે ક્ષિતિજ પર ગૈ ઝુલી,
એક હેલારથી (હેલાર= ધક્કો, લહેર)
દૂર જૈ ઓટમાં ઓસર્યા પાણીને
ઘડીક તો કાંઠડે લાવતી તાણીને;
ક્ષણિક મૃદુ સ્પર્શથી અંગને શું કશું કહી ગઈ?!
ક્યાંકથી આવીને ક્યાંક એ વહી ગઈ!
એ જ ક્ષણ તટઊગ્યા વૃક્ષની શાખથી
કે પછી ક્યાંકથી પંખી કો ધ્રૂજતી પાંખથી
સ્વપ્નમાં જેમ કો કલ્પના હોય ના બોલતી
એમ એ આભમાં આવી ઊડ્યું. અને ડોલતી
ડોકથી એક ટહુકો ભરી ગીતને વેરતું
પાંખથી પિચ્છ એકાદને ખેરતું
આવ્યું એવું જ તે ક્યાંય ચાલી ગયું.
આભ જેવું હતું તેવું ખાલી થયું!
પલકભર એય તે મુખર નિજ ગાનમાં
કંઈ કંઈ કહી ગયું માહરા કાનમાં!
એ જ ક્ષણ ક્યાંકથી રાગ મલ્હાર શી,
ગગનની ગહન કો ગેબના સાર શી,
રુદ્રને લોયને કો જટાજૂટથી વીખરી લટ સમી,
ભૂલભૂલે જ તે પથભૂલી વાદળી આભને પટ નમી;
કો વિષાદે ભર્યા હૃદયની ગાઢ છાયા સમી,
જીવને આમથી તેમ ઝુલાવતી કોઈ માયા સમી,
પલકભર મુજ ઉર ગૈ ઢળી,
ને પછી દૂર જૈ દૂર ફેલાઈ ગૈ;
લાગ્યું કે ધરણીની મૂઢ મૂર્છા ટળી,
ગ્રીષ્મમધ્યાહ્નમાં શાંત શી સંધિકા રમ્ય રેલાઈ ગૈ! (સંધિકા=સંધ્યાનું તેજ)
શી અહો આ લીલાા
નીરની ધારથી શું તૂટી રહૈ શિલા?
આ બધું છળ અરે છાનુંછપનું હતું?
પલકભર શૂન્યનું ભ્રોત સપનું હતું?
અધખૂલી નેણમાં સાંધ્યસૌંદર્યની રંગસરણી હતી?
જાગીને જોઉં તો એની એ તપ્ત હા, તપ્ત ધરણી હતી!
– નિરંજન ભગત
ટ્વેન્ટી-ટ્વેન્ટીના જમાનામાં આ કવિતા થોડી લાંબી અને ભારઝલ્લી લાગે. ભાવનાત્મક કવિતાના ચાહકોને આ રચના જટિલ લાગશે, પણ જેમને પ્રતીકાત્મક અને વિચારપ્રધાન કવિતામાં રસ છે એ મિત્રોને આ કવિતા અવશ્ય પસંદ પડશે.
વૈશાખના ધોમધખતા બપોરે સૂર્યની આગઝરતી દૃષ્ટિથી આખી સૃષ્ટિ ડઘાઈ ગઈ છે. શું પંખી, શું સાગર કે શું તરણાં-ક્યાંય કોઈ સળવળ નથી. આ સ્તબ્ધ શાંતિ અને અંગ-પ્રત્યાંગે કળાતો થાક ઝાંઝવાનીર સમી ભ્રમણાથી વિશેષ કંઈ નથી. તપી તપીને રંગો ગુમાવી ભૂખરી થઈ ગયેલ ધરતી પર નાયકે જે માર્ગ પર જવાનું છે એ લાકડાના ચક્ર પર તપીને લાલચોળ (રક્તરંગીન) થયેલ લોઢાના ટુકડા જેવો ભાસે છે. લૂ ઝરતા પહોરની સામે પવનની આછી આછી લહેરખીની તે શી વિસાત કે ડિલે વળતો પરસેવો લૂછી શકે? કથક શૂન્યનેત્રે સ્થળ અને કાળના અંતને માપવા મથી રહ્યો છે.
ત્યાં અચાનક અડગ ટટ્ટાર રહીને ભીંસતી ભીંતો સમી દિશાઓમાં જાણે કાણું ન પડ્યું હોય એમ મૃદુ ગીત જેવી પવનની મંદ-મંદ લહેરખી ફૂંકાય છે. ક્ષિતિજ પર ઝૂલી ગયેલ નાવના સદઃ અચાનક ફૂલે-ખૂલે અને પવનના એક જ હેલારથી-સેલારથી એ નાવ જ નહીં, ઓટમાં ઓસરી ગયેલ પાણી પણ કાંઠા સુધી તણાઈ આવે એવી અનુભૂતિ નાયકને થાય છે. પણ રણમાં મીઠી વીરડી જેવો આ અનુભવ તો ક્ષણિક જ હતો. એકાદ પંખી સ્વપ્નમાં કલ્પના ન બોલતી હોય એમ ઊડતું આવી ટહુકાનું ગીત રેલાવી અને એકાદ પીંછું ખેરવીને આવ્યું હતું એવું જ પાછું ચાલ્યું ગયું. પવનની પળભરની લહેરખી અને પંખીના ક્ષણભરના ટહુકાર કથકને કાનમાં જાણે કશું કહી જાય છે. શંકરની જટા ખૂલે અને એકાદી લટ એની ત્રીજી આંખને પલકભર માટે ઢાંકી દે એવી કોઈક રાગ મલ્હાર ગાતી ભૂલી પડેલી વાદળી વિષાદભર્યા હૃદયની ગાઢ છાયા બની આવી ચડે છે ને વળી પવન અને પંખીની જેમ જ ગાયબ પણ થઈ જાય છે. ગ્રીષ્મની બપોરે સંધ્યાની રમ્ય ટાઢક રેલાઈ ઊઠી હોવાનું ભાન થાય છે. પણ પાણીની ધારથી કંઈ શિલા તૂટે? પળભરની આ રાહત છ્ળ કે ભાંત સપનાથી વિશેષ કશું નહોતી. બપોરની અગ્નિ ઝરતી આંખથી તપ્ત પ્રકૃતિની સાથોસાથ વ્યાકુળ બનેલ હૈયાની હરણી માટે એ રાહત ઝાંઝવાનીરથી વધુ તો શું હોય? રાહતનો ભ્રમ ભાંગતાવેંટ ફેર વો હી બપોર, ફેર વો હી ગરમી…
નરસિંહના પ્રિય ઝૂલણા છંદમાં રચાયેલ આ કૃતિનો અંત પણ કવિએ નરસિંહની જ પંક્તિના પૂર્વાર્ધ ‘જાગીને જોઉં તો’ની મદદથી કર્યો છે એય ધ્યાનાર્હ છે. ભાનુ-ભર્ગ-ભાસ્વતી-ભસ્મ તથા ઉગ્ર-ઉરસ્પંદન-ઉગ્ર-ઉચ્છવાસતી જેવી વર્ણસગાઈઓ, ઝરતી-સરતી-ડરતી-ભરતી તથા તરણી-હરણી-ધરણી જેવાં અંત્યાનુપ્રાસો તેમજ હેલાર-સેલાર જેવા આંતર્પ્રાસોની ગુંથણીની મદદથી રચના વધુ આસ્વાદ્ય બની છે.


Nirja parekh said,
April 29, 2026 @ 12:03 PM
અહા… કેટલા બધાં નવા શબ્દો જાણવા મળ્યા.. ખૂબ સુંદર રચના..
નીરજા
Nirja parekh said,
April 29, 2026 @ 12:04 PM
અહા… કેટલા બધાં નવા શબ્દો જાણવા મળ્યા.. અતિસુંદર કાળઝાળ ગરમીનો અદ્ભુત ચિતાર
ખૂબ શુભેચ્છાઓ
નીરજા
પૂજ્ય બાપુ said,
April 29, 2026 @ 12:30 PM
જય હો… ખૂબ ગમતી કવિતા…
બધાં જ કલ્પનો મજેદાર
Nehal said,
April 29, 2026 @ 12:35 PM
વાહ, ભૂલાયેલી ભાષા સમૃધ્ધિ બહુ વખતે માણવા મળી. અભિનંદન અને આભાર
Amin Kanchan said,
April 29, 2026 @ 12:40 PM
ઝૂલણા છંદનાલયનું માધુર્ય માનવા જેવું-
Dr. Bhuma Vashi said,
April 29, 2026 @ 12:44 PM
કાળઝાળ ગરમીમાં હૈયાને ટાઢક આપે તેવી કવિતા.. ઘણાં નવાં શબ્દો જાણવા મળ્યા અને આસ્વાદ સરસ. આભાર
મિત્ર રાઠોડ said,
April 29, 2026 @ 12:44 PM
ખૂબ સરસ
ઓલ્ડ ઈઝ ગોલ્ડ
Manoj Shukla said,
April 29, 2026 @ 12:48 PM
ઝુલણાના લયમાં વહેતા રહેવાનો અનેરો આનંદ 👌👌
chetan shukla said,
April 29, 2026 @ 1:10 PM
આ તો ગમતો લય અને ગમતું કાવ્ય
Asmita shah said,
April 29, 2026 @ 1:16 PM
જય હો….आजा आजा झरती वाले नीले आसमान के तले….जय हो આવી કવિતા પણ લખનાર છે અને સમજદાર પણ આહા!
Dipak Peshwani said,
April 29, 2026 @ 1:19 PM
વાહ.. પ્રલંબ કવિતાના લયના સાગરમાં હિલોળા લેતી લાગણીઓની નાવ લઇ ઉતર્યા હોય એવું લાગ્યું. મજાનાં કલ્પનો.
Dipak Peshwani said,
April 29, 2026 @ 1:21 PM
વાહ.. પ્રલંબ કવિતાના લયના સાગરમાં હિલોળા લેતી લાગણીઓની નાવ લઇ ઉતર્યા હોય એવું લાગ્યું. મજા આવી.
Reena Parikh said,
April 29, 2026 @ 4:33 PM
ખૂબ સરસ!
Bàkulesh Desai said,
April 29, 2026 @ 4:35 PM
ખુબ સરસ
Harihar Shukla said,
April 29, 2026 @ 5:14 PM
વર્ણનાતીત રચના. નરી મોજ. આનંદ આનંદ 👌💐
Vrajlal Savaliya said,
April 29, 2026 @ 7:43 PM
શબ્દાનુપ્રાસની મીઠાશ કાવ્યપઠન માટે વારંવાર ધ્યાન આકર્ષિત કરે છે.
Kishor Ahya said,
April 30, 2026 @ 12:33 AM
ગ્રીષ્મમધ્યાહ્નમાં – નિરંજન ભગતના આ છંદ કાવ્યમાં કવિ ગ્રીષ્મ ઋતુમાં પડતી સૂર્યની ગરમીને સુંદર છંદોમાં પ્રગટ કરે છે. કવિ પાસે દ્રશ્ય નિહાળવાની એક દૃષ્ટિ હોય છે અને શબ્દોનો સથવારો હોય છે જેથી આવું સુંદર કાવ્ય રચવું શક્ય બને છે. કવિતા જરૂર લાંબી છે પણ લયની પકડને કારણે ભારઝલ્લી જરાયે લાગતી નથી.
સામાન્ય રીતે કાવ્ય કેવું લાગ્યું તે પર પ્રતિભાવ આપવાનો હોય પણ જરા લંબાણથી કહીએ તો કાવ્યનો સ્વાદ વધી જાય અને ભાવકના કાવ્યના ભાવ પ્રત્યે જુદા જુદા દૃષ્ટિ બિંદુઓ હોય તો તે પણ જાણી શકાય એ હેતુથી પ્રતિભાવ થોડો લંબાવ્યો છે.
ગ્રીષ્મ ઋતુ પરની પ્રથમ દૃષ્ટિ મૂકતા છંદમાં કવિ કહે છે
સૂર્યની દૃષ્ટિના દિવ્ય તેજથી પ્રકાશિત સુષ્ટિ ભસ્મવર્ણી થઈ (રાખોડી રંગની) ગરમીથી અંગાર ઝારતી હતી. “રુદ્ર અંબર તળે પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી;” રુદ્ર એ ભગવાન શિવનું ભયાનક અને વિનાશક સ્વરૂપ છે, જે અગ્નિ સાથે પણ સંકળાયેલું છે, કવિ કહે છે ભયાનક અગ્નિથી ભરેલા આકાશમાં ક્યાંય પંખીની પાંખ પણ જોવા પણ મળતી ન હતી . દૂર ને દૂર શાંત સાગરમાં ઓટ દેખાતી હતી અને ક્યાંય જ (સાપ )ફેણ પછાડે એવી ભરતી ન હતી, ક્યાંય તરણી ન હતી (હોડી કે સમંદરમાં તરતુ હોય એવું કોઈ સાધન) બસ તપ્ત એટલે કે ગરમ ગરમ એક ધરતી હતી.
પછીના છંદમાં કવિ કહે છે
“શાંતિ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી?
સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી? (ક્લાંતિ=થાક)
વહ્નિની જ્વાળ શો શ્વાસ નિઃશ્વાસતી, (વહ્નિ=અગ્નિ)
ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છવાસતી;
મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી”
અહીં કવિ પ્રશ્ન કરે છે કે શું ચારે બાજુ ખરેખર શાંતિ હતી? ના, તે શાંતિ નહોતી, પરંતુ આખી સૃષ્ટિ, પશુ-પક્ષીથી લઈને પ્રકૃતિ સુધી, તેના અંગ-અંગમાં અતિશય થાક (ક્લાંતિ) અનુભવી રહી હતી. આખી ધરતી તપ્ત (ગરમ) હતી અને મૂર્છિત અવસ્થામાં પડી હતી.
આગળ..
ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો;
કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડયો!
આ ભૂખરા રંગની પૃથ્વી પર મારો પંથ (મુકામ) લંબાઈને મારી સામે પડ્યો છે
“કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહતુકડો જડયો”
લાકડાનું ચક્ર, જે ક્ષણભંગુર જીવનનું પ્રતીક છે. ( કાષ્ટ ચક્ર બુદ્ધ ધર્મનું પ્રતીક છે )
લોહીથી ખરડાયેલો કે લાલ લોખંડનો ટુકડો, જે સંઘર્ષ, હિંસાનું પ્રતીક છે. કવિ કહે છે દેહ નશ્વર હોવા છતાં પણ અહીં હિંસા છે !
પછીની પંક્તિઓના શબ્દો અને લય ખૂબ સરસ છે અહીં લખાણ થોડું ટૂંકાવ્યું છે, એક પક્ષીની વાત કવિ કહે છે. ઓટ ઉતરી જતા એક પક્ષી અચાનક ટહુકો કરતું એક પીછું ખેરવતું ચાલ્યું જાય છે .એક વાદળી આવી થોડો છાયો કરી જતી રહે છે. કવિને લાગે છે ધરતીની મૂર્છા ટળી ગઈ!
છેલ્લે કવિને લાગે છે.જાણે આ ક્ષણ, છળથી ભરેલૂ કોઈ સ્વપ્ન તો નથીને? પણ જાગીને જોયું તો એની એજ, હા, એજ ધગતી ધરતી હતી. વાહ!
ખૂબ સરસ છંદ કાવ્ય અને શ્રી વિવેકભાઈ એ કરેલ ખૂબ સરસ કાવ્ય પસંદગી એટલોજ સરસ આસ્વાદ.
🌹🌹🌹🌹
Tanu Patel said,
April 30, 2026 @ 2:39 AM
સરસ મઝાનું ગીત..
વિવેક said,
April 30, 2026 @ 11:00 AM
સમય ફાળવીને પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર
Arvind Bhatt said,
April 30, 2026 @ 6:10 PM
વાહ કવિ
તમારી વાત સાચી છે. બહુ ગમતી રચના.