તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
અદી મિર્ઝા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિલીપ ધોળકિયા ‘શ્યામ’

દિલીપ ધોળકિયા ‘શ્યામ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ખમ્મા ઘણી… – દિલીપ ધોળકિયા ‘શ્યામ’

મૌન તારા સાદને ખમ્મા ઘણી,
આ નીરવ સંવાદને ખમ્મા ઘણી.

રોજ ટપકીને જગાડે રાતભર,
તુજ નઠારી યાદને ખમ્મા ઘણી.

એક પૂરવ, એક આથમણો રહ્યો,
જૂજવા આ વાદને ખમ્મા ઘણી.

ભર ઉનાળે માવઠાં સમ બેસતા,
યાદના વરસાદને ખમ્મા ઘણી.

છોડ ખોટી વાહવાહીની રમત,
વાહથી બરબાદને ખમ્મા ઘણી.

શ્વાસમાં રમતો રહી ગુંજ્યા કરે,
નાભિ ઘૂમતા નાદને ખમ્મા ઘણી.

ચાલતા ચકડોળથી છટકી ગયો,
કો’ક એ અપવાદને ખમ્મા ઘણી.

– દિલીપ ધોળકિયા ‘શ્યામ’

શહેરમાં રહેતા લોકો કોઈ છીંક ખાય અને ‘બ્લેસ યૂ’ કહે, પણ કાઠિયાવાડમાં તો વાતે વાતે ‘ખમ્મા ઘણી’ સંભળાય. આમ તો ‘ખમ્મા’ શબ્દ ‘ક્ષમા’ પરથી બન્યો છે, પણ કોઈને આપણે ‘ઘણી ખમ્મા’ કહીએ ત્યારે માફી માંગવા કરતાં એનું ક્ષેમકુશળ ઇચ્છતા હોવાનો ભાવ વધુ વ્યક્ત થાય છે. સૌરાષ્ટ્રના સહજ ઉદગારને ગઝલની રદીફમાં વણી લઈને કવિએ સરસ મજાની ગઝલ આપી છે. મૌનનો અવાજ સાંભળી શકે અને એની સાથે મૌન સંવાદ પણ સાધી શકે એ જ માણસ કવિ બને, પણ અહીં કવિ કેવળ મૌનના અવાજને સાંભળતા જ નથી, એની ખેરિયત પણ પ્રાર્થે છે, પરિણામે શેર સિદ્ધ થાય છે. રાતભર ઉજાગરા કરાવતી નઠારી યાદનુંય કવિ ભલું જ ઇચ્છે છે અને સૉશ્યલ મિડિયા પર પ્રચલિત જેવી ખોટી વાહવાહીને હકીકત ઘણી લઈ બરબાદ થઈ જનારનુંય કવિ કલ્યાણ ઝંખે છે. ગાડરિયા પ્રવાહ જેવી ગતાનુગતિક ચિત્તવૃત્તિથી આઝાદ થઈ પોતાની રાહ પોતે કંડારનારને બિરદાવતો આખરી શેર તો સવિશેષ ગમી જાય એવો છે.

Comments (19)

આવકાર સપ્તાહ: ૦૨: ‘ભાંગતી રાતનું જાગરણ’ – દિલીપ ધોળકિયા ‘શ્યામ’

લયસ્તરો પર આવકાર-સપ્તાહ અંતર્ગત આજે બીજા સંગ્રહને આવકારીએ… કવિ દિલીપ ધોળકિયા ‘શ્યામ’ના પ્રથમ ગઝલસંગ્રહ ‘ભાંગતી રાતનું જાગરણ”નું સહૃદય સ્વાગત કરીએ… સમગ્ર સંગ્રહનો સહેજસાજ અણસાર મળી રહે એ હેતુસર પસંદગીના થોડા અશઆર અહીં રજૂ કરું છું…

તારા મિલનની જો હવે કેવી થઈ અસર,
ચાલી રહ્યા છે શ્વાસ પણ મારામાં હું નથી.

ભૂલવાનું જે હતું તે યાદ છે,
એટલે આંસુ અને ફરિયાદ છે.

સાંજ ડૂબી ગઈ સખી, આ વેલ શણગારો હવે,
આંખના અરમાન હળવે હાથ ઉતારો હવે.

આમ તો શીખ્યો જગતના કારણે,
પણ વિચારો ફક્ત મારા હોય છે.

સફર કાપી ઘણી લાંબી તમારે દ્વાર તો આવ્યો,
હવે મળવા થયાં આતુર કદમ, તો ભાર લાગે છે.

ભલે લથડે કદમ તોયે અમે પડવા નહીં દઈએ,
જરા એવું હવે મુજ હાથ ઝાલી કો’ક તો બોલો.

તારી વાતો હું ના સમજું,
હું તો જાણું વહાલ કબીરા.

ગઝલ જેમ જીવી બતાવું તમોને,
થતી ભૂલ ત્યાં હું મઠારી શકું છું.

ગજબ કલ્પનાની કરામત રચાવી,
નથી પાંખ તો પણ ગગનમાં રહું છું.

સહેજ હળવે હાથ જો દરકાર થઈ,
આંસુઓ આંખે હસ્યાં શણગાર થઈ.

બે કબીલા સુખ અને દુઃખના મળી,
જિંદગી નામે જુઓ, વણજાર થઈ.

– દિલીપ ધોળકિયા ‘શ્યામ’

Comments (13)