‘નિનાદ’ સાચવેલું સચવાઈને ક્યાં રહેતું ?
ફેંકી દીધેલ કૈં પણ ખોઈ નથી શકાતું.

નિનાદ અધ્યારુ

ઉમાશંકર વિશેષ :૦૯: માઈલોના માઈલો મારી અંદર – ઉમાશંકર જોશી

with Agney

(હિન્દી સાહિત્યસમ્રાટ અજ્ઞેય સાથે…)

*

umashankar joshi
(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત)

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

– ઉમાશંકર જોશી

કવિનું જગત તો આમેય સ્મૃતિવરણું જ હોય. એનાથી ય આગળ જઈને કવિ તો એ સ્મૃતિઓ કેવી રીતે પોતાના શરીરના એક એક કણમાં વસી ગઈ છે એ વર્ણવે છે. અને એ સ્મરણના સહારે કવિ આખા વિશ્વ સાથે એકાત્મ અનુભવિ રહે છે. ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, ઝબકી જાય, છલકી જાય અને અનંત એકરાગિતા સર્જી જાય એ સ્થિતીની વાત કવિ પોતાની આગવી અદાથી કરે છે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે…. એ કલ્પના જ એટલી બળુકી છે કે સ્મૃતિપટને રણકાવી જાય છે !

(શોણિત=લોહી, ઓકળી=લીંપણની એક જાતની ભાત, ક્વાસાર=quasar, આકાશગંગાની નાભિ, દ્યુતિ=તેજ, અભીપ્સા=ઈચ્છા)

3 Comments »

  1. Girish Parikh said,

    July 27, 2010 @ 8:43 PM

    ” ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, …” અસ્વાદમાં અદ્વૈત અવસ્થાનું શબ્દોમાં થઈ શકે એટલું અનુપમ દર્શન ! અલબત્ત, અદ્વૈતનો અનુભવ શબ્દોની પાર હોય છે.

  2. વિવેક said,

    July 29, 2010 @ 12:35 AM

    બે ખંડમાં વહેંચાયેલ આ કાવ્યમાં ‘પસાર થાય છે’ અને ‘થયાં કરે’ની વચ્ચે કવિકર્મ વિસ્તર્યું છે… પ્રથમ ખંડમાં વ્યક્તિનું વિશ્વ તરફનું દર્શન બીજા ખંડમાં બ્રહ્માંડ તરફ વિસ્તરે છે… બંને ખ6દની શરૂઆત પસાર થાય છે થી થાય છે… કવિ અહીં દૃશ્ય અને સંવેદનાનો સાક્ષી બને છે જ્યારે બંને ખંડનો અંત પસાર થયા કરેથી થાય છે જે નિર્લેપતા બતાવે છે… અનુભૂતિથી નિર્લેપતા વચ્ચેના ફલકમાં જે બને છે એ જ અહીં ખરી કવિતા છે…

    કવિ પોતે આ કાવ્ય વિશે લખે છે: ‘પૃથ્વીની અનેક મુદ્રાઓ ગતિના રસાયણ દ્વારા આપણા લોહીમાં કેવીક ભળતી હશે !’

  3. Rajendra R Shah said,

    May 29, 2021 @ 1:39 PM

    સૌમ્ય જોશીએ ખુબ સુંદર અવાજમાં આજ સત્યને પોતાની વાણીમાં મઢ્યું છે સાંભળવા અને માણવા લાયક!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment