ઉમાશંકર વિશેષ :૦૫: ગયાં વર્ષો –
ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં !
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે.
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું ! જેણે જીવવતર તણો પંથ જ રસ્યો.
ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા.
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં –
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !
– ઉમાશંકર જોશી
‘ગયાં વર્ષો-’ અને ‘રહ્યાં વર્ષો તેમાં-’ આ બે સૉનેટ કવિ ઉમાશંકરની કલમની ઓળખ આપી શકે એવાં છે. ઉમાશંકર સિક્કાની બંને બાજુને સમાનપણે ચાહી શક્તા. સ્વાભાવિકપણે ચડાવ એમને વહાલો હતો તો ઉતાર પણ એમને વર્જ્ય નહોતો. જે વર્ષો વીતી ગયાં છે એનો વસવસો આ સૉનેટમાં ક્યાંય નજરે ચડતો નથી કેમકે કવિ એને પણ બિનશરતી ચાહે છે ! સમય પસાર થાય છે ત્યારે એ માંડમાંડ વિતતો હોવાનું અનુભવાય છે પણ વીતેલા વખત પર નજર માંડીએ ત્યારે આટલો સમય કેમનો વીતી ગયો હશેનું આશ્ચર્ય જ અનુભવાય છે. કદી તો એવું લાગે છે જાણે ઊંઘમાં ચાલતાં ન હોઈએ એમ વરસો વીતી ગયાં. હૈયામાં જે પ્રણયોર્મિ છલોછલ હતી એ જ ડગલે ને પગલે જીવાડતી હતી. માર્ગમાં મુસીબતો પણ આવી પણ કો’ક અકળ સંકેતે જાણે કાંટા પણ ફૂલ બની બેઠાં…
**
કવિ પોતે શબ્દ વિશે શું કહે છે, જાણીએ? :’ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણ્રીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, – એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. … … પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી…. …શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઈડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ.’
Naresh Kapadia said,
July 20, 2022 @ 11:57 AM
કવિએ પોતાના જન્મદિનને કેવો સુંદર રીતે ઉજવ્યો છે? આ અનુકરણીય છે. એક સુંદર મોડેલ છે. આભાર લયસ્તરો..