ન પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે ?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે.
ડેનિશ જરીવાલા

ઉમાશંકર વિશેષ :૧૭: જઠરાગ્નિ

UJoshi

(ઉપજાતિ છંદ, સ્વતંત્ર સૉનેટ રચના)

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !

રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
.                 અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !

– ઉમાશંકર જોશી

આજે કવિશ્રીની વર્ષગાંઠ અને એમના જન્મ શતાબ્દિ વર્ષની પૂર્ણાહૂતિ.

પ્રસ્તુત સૉનેટ ગાંધીવિચારધારાનું પ્રતિનિધિ સૉનેટ છે. અહીં પુણ્ય પ્રકોપ છે પણ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ આખા સમાજમાં પ્રવર્તતા વર્ગભેદ અને પુંજીવાદ સામે છે. માટે કવિતામાં ભલે કવિનો આક્રોશ નજરે ચડતો હોય, અહીં હિંસા નથી… ચેતવણી છે… અને એની આખરી બે કડીઓ તો જાણે રૂઢિપ્રયોગ બની ગઈ છે.

01

(આપ સહુને રવિવારે સુરત પધારવા આમંત્રણ છે…)

7 Comments »

  1. Atul Jani (Agantuk) said,

    July 21, 2011 @ 3:12 AM

    કવિશ્રી ને જન્મશતાબ્દિ વર્ષે અને જન્મદિને સ્મરણાંજલિ.

  2. DHRUTI MODI said,

    July 21, 2011 @ 3:15 PM

    કવિ ઉમાશંકરજીનું ખૂબ જ જાણીતું સોનેટ, અંતિમ પંક્તિઑ ખૂબ જાણીતી છે.

  3. Sudhir Patel said,

    July 21, 2011 @ 11:04 PM

    કવિશ્રીની જન્મ-શતાબ્દિની પૂર્ણાહૂતિ પ્રસંગે એમનું ખૂબ જાણીતું અને આજે પણ પ્રસ્તુત સોનેટ અહીં ફરી માણવા મળ્યું એ બદલ આભાર!
    સુધીર પટેલ.

  4. fesal habibbhai mansuri said,

    July 22, 2011 @ 9:19 AM

    ઉમા વેર્ર્તુયુજ્હ્ન્હ્ગ્જ્ગ્ફ્ગ્ફિદ્જિદ્સ્જ્હ્દ્ક્દ્ફ્ક્દ્ફ્

  5. Maheshchandra Naik said,

    July 24, 2011 @ 5:21 PM

    કવિશ્રીને લાખ લાખ સલામ અને સ્મૃતિવંદના……..
    અંતિમ પંક્તિઓ અભ્યાસના દિવસોમા વારંવાર વાંચવામા આવતી હતી, ફરીવાર અમારા સુધી લઈ આવવા બદલ આભાર

  6. Naresh Kapadia said,

    July 21, 2022 @ 12:26 AM

    ખરીવાત છે, આ સોનેટની છેલ્લો બે પંક્તિઓ તો રૂઢીપ્રયોગ બની ગઈ છે. ગરીબોના આક્રોશ માટે આ સૌથી અસરકારક પંક્તિઓ સાબિત થઇ છે.
    આભાર લયસ્તરો..

  7. કિરીટકુમાર આર. ભારતીય said,

    September 6, 2022 @ 2:20 PM

    ભૂખ્યાજનો… એ દિવસો હવે દૂર નથી જ! આજે ગરિબ તવંગર વચ્ચે જમીન આસમાનનું અંતર થઇ જ ગયું છે!! ક્યાં સુધી એ સહન કરી ભૂખ્યો બેસી રહેશે?? ભવિશ્યમાં ગરિબ તવંગર વચ્ચે યુદ્ધ નીશ્ચિત જ થશે જ; એમાં બે મત નથી..
    કિરીટકુમાર આર . ભારતીય
    પ્રેસીડેન્ટ,
    ભારત સ્વાભિમાન ટ્રસ્ટ બનાસકાંઠા,
    પાલનપુર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment