ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)
ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..
*
ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.
તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.
-ગૌરાંગ ઠાકર
*
ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.
ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.
– દિવ્યા મોદી
*
સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.
આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.
– ડેનિશ જરીવાલા
*
આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.
હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.
– કવિતા મૌર્ય
*
ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?
અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.
-સુનીલ શાહ
*
હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.
આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.
– પ્રમોદ અહિરે
*
હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.
અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.
– જનક નાયક
*
એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
– વિવેક મનહર ટેલર