બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for યામિની વ્યાસ

યામિની વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વળી શું? – યામિની વ્યાસ

પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;
મળી મહેફિલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું?

નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે;
અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું?

જગતના વિવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂકયાં છે,
ભલે કોઇ અણજાણ આવે અતિથિ, પ્રતીક્ષા વળી શું, ટકોરા વળી શું?

– યામિની વ્યાસ

કોઈપણ વાત જ્યારે જ્યારે સપ્રમાણતાની હદ બહાર જાય ત્યારે હંમેશા કઠિન જ થઈ પડતી હોય છે. ગઝલ પણ સપ્રમાણ બહેર છોડીને લાંબી કે ટૂંકી બહેરમાં લખવામાં આવે ત્યારે ઉત્તમ કૃતિ નિપજાવવી થોડું કપરું બની જતું હોય છે. યામિની વ્યાસ અહીં લાંબી બહેરની ગઝલ લઈને આવ્યાં છે. આ ગઝલની એક બીજી વિશેષતા એ છે કે બહેર ભલે લાંબી પ્રયોજી હોય, રદીફ સાવ ટૂંકી ને ટચ માત્ર ત્રણ જ અક્ષરની બની છે. સામાન્યતઃ લાંબી બહેરની ગઝલમાં રદીફ પણ બહુ લાંબી હોય છે, જેથી કવિએ માત્ર દોઢ પંક્તિ જેટલી જ કસરત કરવાની રહે. પણ અહીં બહેર લાંબી અને રદીફ ટૂંકી હોવા છતાં યામિનીબેન અદભુત કહી શકાય એવી બિલકુલ સંઘેડાઉતાર ગઝલ આપવામાં સફળ રહ્યાં છે એ વાત સાચે જ કાબિલે-દાદ છે. કવિની સિગ્નેચર ગઝલ કહી શકાય એવી બળકટ આ કૃતિ છે…

Comments (9)

ગઝલ – યામિની વ્યાસ

જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.

ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઈ કબીરની સાળે.

વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.

પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.

બાળક રડતું ‘મા.. મા..’ બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.

આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે ?

– યામિની વ્યાસ

નખશિખ સંતર્પક રચના.

Comments (23)

ગઝલ – યામિની વ્યાસ

દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છે
કોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે

ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે

જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે

લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે

બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે

-યામિની ગૌરાંગ વ્યાસ

રસ્તો હોય, આપણી સફર હોય, ઘેલછા હોય કે મહત્ત્વાકાંક્ષા – કશાયનો ક્યાંય અંત નથી. તૃષ્ણા રસ્તાની જેમ જ પૂરપાટ દોડતી રહે છે, બસ ! અને મૃત્યુ જિંદગી સાથે જ જોડાયેલી કેવી અનિવાર્ય ઘટના છે કે ભલભલા પોતાની રમત અડધી મૂકીને ચાલ્યા જાય છે ! બધા શેર સારા છે પણ મને સૌથી વધુ ગમી ગયો આખરી શેર… વાત કયી ધરતીની છે ? આખા ઉનાળાભેર ધખેલી ધરતીનો તલસાટ વરસાદના બે-ચાર ફોરાં વરસતાં જ ગાયબ થઈ જાય છે… કોઈ સ્નેહપિપાસુ હૈયાની આ વાત નથી ?

Comments (22)

જાત આવી છે – યામિની વ્યાસ

મહેકી રાતરાણી ખુશનુમા મધરાત આવી છે
પરંતુ નીંદ ક્યાં ? એ લઈને અશ્રુપાત આવી છે

ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે

કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે

ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે

-યામિની ગૌરાંગ વ્યાસ

ઉપરથી પ્રસન્નચિત્ત નજરે ચડે એ બધા સાચે જ આનંદિત હોય એ જરૂરી નથી. મધરાતને ખુશબોસભર કરતી રાતરાણીને ખબર નથી કે એની ભીની મીઠી સુગંધ કોઈક આંખોમાં વિરહ અને યાદના અશ્રુપાત પણ આણી શકે છે. હોડી સલામત આવી ગઈ હોવાની વાત કિનારે ચાલી રહી છે પણ કાંઠાવાસીઓને એ ક્યાં ખબર જ હોય છે કે આ હોડી કંઈ કેટકેટલા તોફાન વેઠીને માંડ કિનારે આવી છે ?!

(સાભાર સ્વીકાર: યામિની વ્યાસનો પ્રથમ ગઝલસંગ્રહ ‘ફૂલ પર ઝાકળનાં પત્રો’ )

Comments (25)

મીંઢળ વગર – યામિની ગૌરાંગ વ્યાસ

કાગ કા કા કહેણ કે કાગળ વગર,
આગમન કોનું થશે અટકળ વગર !

કોણ સાંભળશે કિનારાની વ્યથા
નાવ આ ડૂસ્કે ચઢી છે જળ વગર.!

સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર.!

ટેરવામાં તરફડાટો હોય છે
જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!

ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો !
લાગણીનાં એક પણ વાદળ વગર.!

આગ, ધુમાડા વિના દૂણાય શું ?
મન સળગતું હોય દાવાનળ વગર.!

-યામિની ગૌરાંગ વ્યાસ

યામિની વ્યાસ આમ તો સુરતની પૃષ્ઠભૂ પર કુશળ અભિનેત્રી અને નાટ્યકાર તરીકે ઝડપથી આગળ આવેલું નામ છે પણ કવયિત્રી તરીકે પણ એ ખાસ્સું કાઠું કાઢી રહ્યા છે. આ ગઝલ જુઓ. બધા જ શેર શું મજાના નથી થયા? નાવ, ટેરવાં અને વાદળવાળા શેર તો સ્વયંસ્ફુટ અને હાંસિલે-ગઝલ છે જ પણ સિંજારવ જેવો શબ્દ સહજતાથી વેંઢારીને ચાલતો શેર પણ જોવા જેવો થયો છે. સિંજારવ એટલે ધાતુના ઘરેણાંનો ખણખણાટ. સામસામે બે મન મોકળાશથી મળે ત્યારે જે સંગીત આપોઆપ રચાય છે એ મીંઢળજોડ્યા સંબંધોમાં બહુધા સંભળાતું નથી. જ્યાં આ રણકારનું સંગીત નથી ત્યાં વળી કેવો મનમેળાપ? અને છેલ્લો શેર પણ એજ રીતે કાબિલે-દાદ થયો છે. આગ લાગે ત્યારે ધુમાડો જરૂર ઊઠે છે. પણ મનમાં તો ઘણીવાર દાવાનળ ઊઠતો હોય તોય કોઈ ચિહ્ન બહાર જણાય નહીં એવું શક્ય છે.

Comments (45)

ગઝલે સુરત (કડી-૨)

ગઈકાલે આપણે ‘ગઝલે સુરત’ પુસ્તિકામાં સમાવિષ્ટ કુલ 41 શાયરોના પ્રતિનિધિ કલામ કડી-1 અંતર્ગત જોયા. સુરતની ગઝલ-ગલીઓમાંની આપણી અધૂરી રહી ગયેલી યાત્રા આજે આગળ વધારીએ…

શ્વાસ પર નિર્ભર રહે છે,
ને હવાને રદ કરે છે.
-મનસુખ નારિયા

ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખતો
હારની પીડા ખમી લે તે જ ઊંચે સંચરે…
-દિલીપ ઘાસવાલા

રંકની જલતી રહી જ્યાં ઝૂંપડી,
ત્યાં જ બેઠું એક ટોળું તાપણે.
-‘ગુલ’ અંકલેશ્વરી

માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી

સુખની ગઝલો લખવા મેં,
ફેલાવી અંતે ચાદર.
-જનક નાયક

બિંબને જોતાં જ હું ચમકી ગયો
યાદને પણ કેટલાં દર્પણ હતાં !
-મહેશ દેસાઈ

આકાશમાં રહીને એ કંકોતરી લખે;
જૂઈને માંડવે એ વધાવાય, શક્ય છે.
-ડૉ. પ્રફુલ્લ દેસાઈ

ઊગે પણ આથમે ન ક્યારેય જે,
એક એવી સવાર શોધું છું.
-પ્રજ્ઞા વશી

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે ?
-યામિની વ્યાસ

હું હલેસું સઢ-પવન-હોડી બનું તો શું થયું ?
તું તરાપો મોકલે ત્યારે અવાતું હોય છે !
-રીના મહેતા

વધુ આગળ વાંચો…

Comments (16)