દાટી છે – ડેનિશ જરીવાલા
જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.
ન પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે ?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે.
એ પડતાવેંત વિખેરાશે કંઈક ટુકડામાં,
બરડ આ કાચનું એક બીજું નામ ખ્યાતિ છે.
જો સમજ્યો રાતને તો જાણ્યું કંઈ સવાર વિશે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.*
કરે છે એક ને પીડાય છે બીજો જ સતત
પુરુ છે દેહ ને મન આપણું યયાતિ છે.
સમસ્યા, વેદના, સંઘર્ષ, અશ્રુઓ, આઘાત –
છૂટે તો ક્યાંથી ? બધા ઉમ્રભરના સાથી છે.
તડપ, કણસ, સ્મૃતિ, શંકા, વિરહ, કલહ, ઈર્ષ્યા –
પ્રણયના દર્દની તો સેંકડો પ્રજાતિ છે.
– ડેનિશ જરીવાલા
સાંપ્રત અને પુરાતન – બધા પ્રકારની કવિતાઓના ઉત્તમ અભ્યાસુ કવિમિત્ર ડેનિશની મજાની રચના આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે. મુકુલભાઈની પંક્તિની જમીન પર લખેલી આ ગઝલમાં ડેનિશ પણ મુકુલભાઈની જેમ જ ‘યયાતિ’ કાફિયો પ્રયોજે છે.
મુકુલભાઈનો શેર જોઈએ:
પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.
-પુરોગામીની જમીન પર કામ કરવા છતાં, એમણે વાપરેલ અનૂઠા કાફિયાનો પુનઃપ્રયોગ કરવા છતાં ડેનિશ અદભુત કામ કરી શક્યો છે. શરીરના ભોગે સદા યુવાન રહેતા મનને આપણી પુરાકથાના પ્રસંગ સાથે સાંકળી લઈને ડેનિશ આપણને એક ચિરસ્મરણીય શેર ભેટ આપે છે. (પુરુ એ યયાતિનો પુત્ર. શુક્રાચાર્યના શાપથી જ્યારે યયાતિ વૃદ્ધ બની ગયો, ત્યારે તેણે પોતાના બધા પુત્રોને બોલાવી પોતાનું ઘડપણ આપવા ચાહ્યું, પણ પુરુ સિવાય કોઈ પોતાની જુવાની આપી ઘડપણ લેવા સંમત થયું નહિ. પુરુ પાસેથી યૌવન મેળવી યયાતિએ ઘણો વખત સુધી સુખ ભોગવ્યું.)
(*તરહી પંક્તિ: મુકુલ ચોક્સી)