આભમાં આઘા ભમો તો,
ગીધડાં ! બે પળ ખમો તો..
તાજું સગપણનું મરણ છે.
વિવેક મનહર ટેલર

(શિરામણમાં) – ડૉ.મનોજ જોશી ‘મન’

ખુશીમાં હોય કે દુઃખમાં, નિરાશા કે વિમાસણમાં,
ખરો માણસ છે! આપે છે બીજાના નામ કારણમાં.

પડી’તી મોજ ખૂબાખૂબ જે આખી મથામણમાં,
ખરેખર સાચું કહું? એવી મજા આવી ન તારણમાં.

તમારી યાદ અમને અવનવા પકવાન પીરસે છે,
ડૂમા રોંઢે ને ડૂસકાં વાળુએ, આંસુ શિરામણમાં.

મિલનની પળમાં અમને એક પણ શબ્દો ન યાદ આવ્યા,
વિરહની પળમાં અમને જાળવે છે એ જ સમજણમાં.

ખબર નહિ કેમ જ્યાં ને ત્યાં એ નફરત ઓકતો રે’ છે!
બધાની જેમ એણે પણ પીધો છે પ્રેમ ધાવણમાં.

– ડૉ.મનોજ જોશી ‘મન’

મનુષ્યસ્વભાવની ખરી વિડંબના ઉજાગર કરતા મત્લાથી પ્રારંભાતી આ આખી ગઝલ મનભાવન છે. ખરી મજા મંઝિલ-પ્રાપ્તિમાં નહીં, પણ સફરમાં હોય છે એ વાતને સાવ અલગ અભિગમથી રજૂ કરતો બીજો મત્લા પણ સરસ. ત્રીજો શેર શિરમોર થયો છે. પ્રિયજનની યાદો આખો દિવસ રડાવવા સિવાય બીજું કશું જ કરતી નથી એ વાતને કવિએ જે રીતે રજૂ કરી છે, એ કાબિલે-દાદ છે. પહેલાં તો કવિ યાદો અવનવાં પકવાન પીરસે છે એમ કહીને વાતને વળ ચડાવે છે પણ પછી દિવસના ત્રણેય ભોજનમાં એ કયાં-કયાં પકવાન પીરસે છે એનો ઘટસ્ફોટ કરે છે ત્યાં કવિકર્મને સલામ ભરવાનું મન થઈ જાય. મિલન-વિરહ અને શબ્દોની જમાવટ કરતો શેર પણ એવો જ સશક્ત થયો છે.

10 Comments »

  1. ઈશ્વર ચૌધરી ઉડાન said,

    February 3, 2022 @ 12:50 PM

    વાહ, સાદ્યાંત સુંદર ગઝલ

  2. Kajal kanjiya said,

    February 3, 2022 @ 12:59 PM

    ખરેખર ખૂબ સરસ ગઝલ….ત્રીજો શેર શિરમોર 👌👌🌷

  3. Varij Luhar said,

    February 3, 2022 @ 1:25 PM

    વાહ .. સરસ ગઝલ

  4. Poonam said,

    February 3, 2022 @ 5:17 PM

    ખુશીમાં હોય કે દુઃખમાં, નિરાશા કે વિમાસણમાં,
    ખરો માણસ છે! આપે છે બીજાના નામ કારણમાં. વાહ !
    – ડૉ.મનોજ જોશી ‘મન’ –

  5. કિશોર બારોટ said,

    February 3, 2022 @ 6:56 PM

    બહુજ ઉમદા ગઝલ.

  6. ડૉ.મનોજ જોશી 'મન' (જામનગર) said,

    February 3, 2022 @ 8:32 PM

    હ્રદયપૂર્વક આભાર… ડૉ. વિવેકભાઈ અને ટીમ લયસ્તરો…
    તમામ ભાવકો અને મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર 🙏🏻

  7. Aasifkhan aasir said,

    February 4, 2022 @ 11:58 AM

    વાહ
    મસ્ત ગઝલ

  8. હરીશ દાસાણી.મુંબઈ said,

    February 4, 2022 @ 4:38 PM

    દરેક શેર દાદ માગે એવો સરસ

  9. ડૉ. માર્ગી દોશી said,

    February 4, 2022 @ 5:47 PM

    દરેકે દરેક શેરનાં કલ્પન…વાહ👌👌 શિરામણ, ધાવણ… ખૂબ સુંદર રજૂઆત છે..

  10. જયેન્દ્ર ઠાકર said,

    February 5, 2022 @ 1:29 AM

    સરસ મઝની ગઝલ!
    આસ્વાદમાં જેમ કહ્યું…ખરી મજા મંઝિલ-પ્રાપ્તિમાં નહીં, પણ સફરમાં હોય છે તેમ
    છે આશામાં મધુર સુખ તે ત્રુપ્તિમાં કેમ છેના?
    રે તોયે સહુ મનુજ ધરતાં ત્રુપ્તિની કેમ આશ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment