વ્હાણને સહકાર વાયુનો મળે,
પણ હલેસું હાથમાં તું રાખજે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

માતૃમહિમા : ૦૪ : બાને – મણિલાલ દેસાઈ

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?

– મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈનાં ભાવસમૃદ્ધ સોનેટોમાંનું એક સમૃદ્ધ સોનેટ એટલે કે ‘બાને’ સંબોધીને કરેલું બાનું સંસ્મરણ. બાનાં ગયાને દાયકાથીય વધુ સમય પસાર થવા છતાંયે કવિની બાળપણની, બાની, અને બાળપણની બાની સ્મૃતિઓ સાવ તરોતાઝા છે. ભલે બા સદેહે નથી, પણ નાનપણની વ્હાલુડી બાની ઝાંખી જરાય ઝાંખી પડી નથી… ગાલની ચૂમી હોય કે વ્હાલની અમીવર્ષા… અરે, હાલરડું સુધ્ધાં હજી સંભળાય છે કવિને. રાત્રે અચાનક ઊંઘ ઉડી જતા માતાનો ખોળો હજીયે શોધે છે કવિનું બાળમન. ઉંમરનાં વધવાની સાથે બાળપણની હાક પણ હજી સંભળાય છે કવિને. જીવનમાં ગમે તેટલા વર્ષો ઉમેરાય પરંતુ બા/મા શબ્દ સાંભળતા જ મન ફરી બાળક બની જાય છે…

*મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

6 Comments »

  1. pragnajuvyas said,

    December 8, 2021 @ 9:11 AM

    ભર યુવાન વયે અકાળ મૃત્યુ પામેલા અંધકારના રંગ, લય અને ગતિના કવિ મા મણિલાલ દેસાઈનુ માતૃમહિમા સુંદર સોનેટનો ઊર્મિ દ્વારા સ રસ આસ્વાદ

  2. વિવેક said,

    December 9, 2021 @ 12:43 AM

    સરસ મજાની રચના અને એવી જ ટૂંકી પણ આસ્વાદ્ય નોંધ…

  3. praheladbhai prajapati said,

    December 9, 2021 @ 8:43 AM

    સુપેર્બ્

  4. Tushar Shah said,

    December 9, 2021 @ 9:41 AM

    Very emotional poems, one after the other. They all make eyes moist and heart sink in deep thoughts. Thank you very much for posting wonderful gems.

    Just a passing remark. How many such poems are there in our literature on fathers?

  5. જયેન્દ્ર ઠાકર said,

    December 9, 2021 @ 1:02 PM

    સુન્દર ભાવ ભર્યુ સોનેટ! પણ માતૃમહિમા ગાવા કે સમજાવવા આપણા બધા જ યત્નો પાંગળા લાગે! જેમ કે સુરજને દિવો દેખાડવો!

  6. Dhruvil said,

    July 30, 2023 @ 12:31 PM

    Studied this during 10th standard and it takes me 1 whole day to find out same after 7 years today. But so much happy to read this again

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment