ન પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે ?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે.
ડેનિશ જરીવાલા

માતૃમહિમા : ૦૬ : તીર્થોત્તમ – બાલમુકુંદ દવે

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયાં;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.

છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

– બાલમુકુંદ દવે

લયસ્તરો ‘માતૃમહિમા’ શ્રેણીના પ્રારંભે આપણે શ્રી કરસનદાસ માણેકનું જ્યોતિધામ સૉનેટ માણ્યું. શ્રી બાલમુકુંદ દવેનું આ સૉનેટ જાણે એ જ સૉનેટને આપણે અરીસામાં જોતાં હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. ફરક માત્ર એટલો છે કે પેલા સૉનેટમાં બાળકના સંઘર્ષને માતા નિહાળી રહી છે, જ્યારે પ્રસ્તુત સૉનેટમાં કવિ પોતે જ આપવીતી રજૂ કરે છે. કવિ અનેક તીર્થોમાં ફરી વળે છે, ‘પાણી દેખી કરે સ્નાન’ પણ પ્રભુદર્શનની તરસ છીપાય એવું એકેય પુનિત તીર્થ સાંપડતું નથી. આમ ને આમ મોટાભાગની જિંદગી શોધખોળ પાછળ જ પૂરી થઈ ગઈ… પછી એક સાંજે બે પતિ-પત્ની પોતાની મઢૂલિના ઓટલા પર કાયમની જેમ બેઠાં હતાં અને વાતો કરતાં હતાં એ સમયે કળી સમાન કોમળ નવશિશુને અડધા-પરધા પાલવથી ઢાંકીને સ્તનપાન કરાવતી પત્નીને કવિ નિરખે છે. બાળકની માતાના અર્ધનિમિલિત નેત્રોમાંથી છલકાતાં વાત્સલ્યને જોઈને કવિને આખરે દુનિયાનું ઉત્તમ તીર્થ જડી આવે છે… મા! સાચા અર્થમાં જગત-તીર્થોત્તમ…

10 Comments »

  1. Kajal kanjiya said,

    December 10, 2021 @ 1:55 AM

    માતૃમહિમાનું એક વધું સુંદર કાવ્ય

    ખૂબ ખૂબ અભિનંદન 💐

  2. Kajal kanjiya said,

    December 10, 2021 @ 2:00 AM

    છેલ્લો બંધ અમારા જેવા સામાન્ય ભાવક માટે આસ્વાદ વગર સમજવો અઘરો હતો
    ખૂબ સરસ આસ્વાદ
    અભિનંદન 💐

  3. જાનકી said,

    December 10, 2021 @ 3:57 AM

    વાહ…. ઉત્તમ સૉનેટ અને આસ્વાદ પણ ખૂબ મજાનો…..
    ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા ! કેવી અદ્દભૂત પંક્તિ..
    Thanks a lot for sharing….🌷🌷

  4. Babulal Chavda said,

    December 10, 2021 @ 7:59 AM

    ઉત્તમ કવિતા

  5. Chetan Shukla said,

    December 10, 2021 @ 8:30 AM

    સરસ કાવ્ય… .અને આસ્વાદ

  6. pragnajuvyas said,

    December 10, 2021 @ 8:43 AM


    બાલમુકુંદ દવેનુ સુંદર સૉનેટ
    =
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  7. ભરત ભટ્ટ 'પવન' said,

    December 11, 2021 @ 2:24 AM

    તીર્થોત્તમ….સોનેટોત્તમ

  8. saryu parikh said,

    December 11, 2021 @ 9:56 AM

    વાહ!!

  9. જયેન્દ્ર ઠાકર said,

    December 11, 2021 @ 4:29 PM

    માનો મહિમા વર્ણવો મુશ્કેલ છે…પણ “મા! સાચા અર્થમાં જગત-તીર્થોત્તમ” કહીએ તો જરા પણ ખોટું નથી.
    जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी

  10. Vineschandra Chhotai 🕉 said,

    December 12, 2021 @ 1:37 AM

    ઉત્તમ અતિ સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment