નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથી હું.
– રેખા જોશી

(લોબાનકણિકા અને અંગારો) – મધુસૂદન પટેલ ‘મધુ’

દુનિયાએ તો કેવળ જોયું, જોયો દૂર ધુમાડો,
કંઈ સળગ્યું કે પ્રગટ્યું એ તો જાણે ફક્ત સીમાડો.

ક્ષેત્રપાળની દેરી સાખે થયો હતો સથવારો,
એક રૂડી લોબાનકણિકા, એક હતો અંગારો.
પવનદેવ પણ જોવા અટક્યા, ઊંચી થઈ ગઈ વાડો.

પીઠી થઈ ગ્યો ગરમાળો ને ગુલમહોર પાનેતર,
સીમપરીના ખોળે ચૉરી થઈ ગ્યું આખું ખેતર,
માદકતાનો માલિક મહુડો પી ગ્યો ઢળતો દા’ડો.

ગોધણની ઘંટડીઓ રણકી, ચહક્યો હર એક માળો,
અરણીને ફોરમતી જોઈ હરખ્યો ઉપરવાળો,
સળગ્યું, દોડો, ઠારો કહીને દુનિયા પાડે રાડો.

– મધુસૂદન પટેલ ‘મધુ’

સાવ અલગ જ વિષય પર લખાયેલું ગીત. આજકાલ ‘લવ-જેહાદ’ શબ્દ અખબારમાં છાશવારે ચમક્યા કરે છે પણ હિંદુ-મુસ્લિમ પ્રેમીયુગલની વાત અને તેય આવી કાવ્યાત્મક બાનીમાં – આપણે ત્યાં ભાગ્યે જ કોઈ કવિએ આવું લખ્યું હશે!

બે જણ વચ્ચે કઈ કેમિસ્ટ્રી કામ કરી ગઈ એ તો ધર્મના સીમાડા વટાવી પ્રેમમાં પડનાર બે જણ જ જાણે, દુનિયા તો કેવળ દૂરથી ધુમાડો જ જોઈ શકે છે. પ્રથમ પંક્તિમાં જોયુંની પુનરોક્તિ અને બીજી પંક્તિમાં સળગ્યું-પ્રગટ્યુંની જોડી વાતને યથેચ્છ વળ ચડાવી મજબૂતીથી પેશ કરે છે, એ સ-રસ કવિકર્મની સાહેદી.

બે યુવાન હૈયાંની પ્રથમ મુલાકાતના સ્થળ તરીકે કવિએ ક્ષેત્રપાળની દેરી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે એ પણ સૂચક છે. છોકરી મુસ્લિમ છે અને છોકરો હિંદુ એ વાત લોબાનકણિકા અને અંગારાના રૂપકથી કવિએ જાહેર કરી છે. ઉભયના મિલનને પોંખવા વાડ ઊંચી થઈ છે. ગામની સીમમાં બે હૈયાં એક થયાં. ઉનાળાની ઋતુ છે. પીળચટક ગરમાળો પીઠી અને લાલચટ્ટાક ગુલમહોર પાનેતર જેવાં શોભે છે. સીમનું ખેતર આખું લગ્નની ચોરી બની ગયું. આમ તો મહુડાનો દારૂ પીએ તેને નશો ચડે પણ બે આત્માના સાયુજ્ય ઉપર પ્રકૃતિ ખુદ ઓળઘોળ થઈ ગઈ છે એમ કહેવા કવિ મહુડો ઢળતા દિવસને પીને મત્ત થઈ ગયો હોવાનું પ્રતીક પ્રયોજે છે. માદકતાનો માલિક વિશેષણ પણ કેવું યથોચિત જણાય છે!

ઋતુ અને સમય બાબતની સુસંગતતા જાળવી શકાય તો ગીત સરસમાંથી ઉમદા બને એનું ઉદાહરણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. દિવસ ઢળી રહ્યો હોવાની વાત થઈ એટલે પરત ફરી રહેલ ગોધણની ઘંટડીઓ રણકી રહી છે. માળામાં ચાંચમાં ચણ લઈ પરત ફરી રહેલાં પંખીઓ અને એમનાં બચ્ચાંઓને લઈને હર એક માળા જાણે કે ચહેકી રહ્યા છે. કાવ્યાંતે કવિ અરણીને ફોરમતી દર્શાવે છે એ પણ સૂચક છે. અરણીનું વૃક્ષ પવિત્ર ગણાય છે. યજ્ઞ અને લગ્નમાં સમિધ તરીકે એનો ઉપયોગ થાય છે. અરણી યાને શીમડો કે ખીજડાના લાકડામાં અગ્નિ વસેલો હોવાનું ગણાય છે, કારણ કે એના બે ટુકડાને ઘસીને અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે. આ કારણોસર આત્માને અરણીની ઉપમા પણ આપવામાં આવે છે. સીમવગડામાં હાજર સેંકડો વૃક્ષોમાંથી કવિએ અરણીનું જ ચયન કેમ કર્યું હશે તે સમજી શકાય છે. આખરી પંક્તિ મુખડા સાથે રચનાને બાંધી આપી એક વર્તુળ પૂર્ણ કરી આપે છે. બે વિધર્મીઓને એક થયેલાં જોઈ સમાજ સળગ્યું, દોડો, ઠારોની રાડો પાડતો હવનમાં હાડકાં નાંખવા આગળ આવે છે. વાસ્તવમાં તો પ્રેમ જ સર્વોપરી ધર્મ છે…

15 Comments »

  1. pragnajuvyas said,

    September 8, 2022 @ 6:27 AM

    ખૂબ સુંદર ગીતની ડો.વિવેકજીના આસ્વાદથી વધુ મજા આવી.
    ગોધણની ઘંટડીઓ રણકી, ચહક્યો હર એક માળો,
    અરણીને ફોરમતી જોઈ હરખ્યો ઉપરવાળો,
    સળગ્યું, દોડો, ઠારો કહીને દુનિયા પાડે રાડો
    કરુણ રસ વિગલિત થઇ ધન્યતા અનુભવાઇ !

    અગ્નિદેવને આમંત્રણ આપવા પૌરાણિક અને ઋષિમુનીઓ અરણીના લાકડામાં દોરી વડે મંથન કરી તેમાંથી અગ્નિ પ્રગટ કરી હવન કુંડમાં અગ્નિ લઈ જવામાં આવતો .બળેલ ઇંધણ ધૂમાડો નીકળી ગયા પછી અંગારો કહેવાય. ઊનો હશે તો બાળશે ને ટાઢો હશે તો હાથને કરશે કાળો! ઊનો હોય કે ટાઢો — પણ અંગારો તે અં—ગા—રો! ચારિત્રને પણ અંગાર સમાન કરે છે.
    યાદ આવે કવિશ્રી વેણીભાઇ પુરોહિતનો પ્યારનો પારો
    જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
    મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?
    આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
    કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?
    છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
    કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?
    હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
    કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?
    સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
    કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?
    જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
    જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?
    હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
    ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?

    .
    .

  2. Beena Goswami said,

    September 8, 2022 @ 12:04 PM

    અદ્દભૂત

  3. Beena Goswami said,

    September 8, 2022 @ 12:04 PM

    અદ્દભૂત, 👌👌

  4. DILIPKUMAR LAKHABHAI CHAVDA said,

    September 8, 2022 @ 12:07 PM

    Wahhhhhhh…..

  5. કિશોર બારોટ said,

    September 8, 2022 @ 12:19 PM

    જેટલું સુંદર ગીત એટલો જ સુંદર આસ્વાદ.
    બંને સર્જકોને અભિનંદન. 🌹

  6. દિનેશ ડોંગરે નાદાન said,

    September 8, 2022 @ 1:12 PM

    કલ્પન નાવીન્ય થી અભિવ્યક્તિનું ધાર્યું નિશાન પાર પાડતું ખૂબજ સુંદર ગીત રચના. કવિને ખૂબ ખૂબ અભિનંદન.

  7. રિયાઝ લાંગડા (મહુવા). said,

    September 8, 2022 @ 2:04 PM

    અલગ વિષય પર સચોટ અભિવ્યક્તિવાળું સુંદર ગીત અને ઊંડાણપૂર્વકના અધ્યયન ખૂબ સરસ આસ્વાદ…👌👌

  8. Dr Hemant P Chauhan said,

    September 8, 2022 @ 4:12 PM

    મોજ મોજ

  9. Varij Luhar said,

    September 8, 2022 @ 5:07 PM

    વાહ.. ખૂબ સરસ

  10. લવ સિંહા said,

    September 8, 2022 @ 8:08 PM

    ક્યા બાત, બહુ સરસ ગીત

  11. Lata Hirani said,

    September 8, 2022 @ 8:10 PM

    અદભુત ગીત અને અદભુત આસ્વાદ…

    આવા વિષય પર આટલું સરસ ગીત આપવા બદલ કવિને સો સલામ..

  12. preetam lakhlani said,

    September 9, 2022 @ 8:36 AM

    ગોધણની ઘંટડીઓ રણકી, ચહક્યો હર એક માળો,
    અરણીને ફોરમતી જોઈ હરખ્યો ઉપરવાળો,
    સળગ્યું, દોડો, ઠારો કહીને દુનિયા પાડે રાડો.

    – મધુસૂદન પટેલ ‘મધુ’……મને તો બહું ગમ્યું

  13. Poonam said,

    September 10, 2022 @ 6:08 PM

    એક રૂડી લોબાનકણિકા, એક હતો અંગારો… વાહ !
    – મધુસૂદન પટેલ ‘મધુ’ –

    Aaswad Sa ras ! Sir ji

  14. Madhusudan Patel said,

    September 18, 2022 @ 11:42 AM

    વિવેકભાઈ, મિત્રો, વડીલો સૌનો હૃદયપૂર્વક આભાર🙏🙏🙏
    ખૂબ ગમ્યો આસ્વાદ❤️❤️❤️❤️❤️

  15. મેહુલ ભાઈ પંડયા said,

    September 23, 2022 @ 3:54 PM

    ખુબ સરસ રચના,,યોગેશ ભાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment