માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે
રઈશ મનીઆર

ગઝલ – નીતિન વડગામા

આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.

વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?

જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?

આંખમાંથી કેટલું ભૂંસવું પડે –
આંખ પંખીની પછી દેખાય છે.

સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

-નીતિન વડગામા

મહાભારતનો ગુરુ દ્રોણ દ્વારા કૌરવ-પાંડવોની કરાયેલી પંખીની આંખ વીંધવાની કસોટીનો સંદર્ભ લઈ નીતિન વડગામા કેવા મજાનાં અર્થવલયો સર્જે છે !

(આ મજાની ગઝલ મોકલવા બદલ રાહુલ શાહ, સુરતનો આભાર..!)

6 Comments »

  1. pragnaju said,

    September 12, 2008 @ 9:30 AM

    સાવ કોરા કાગળો વાંચ્યા પછી
    અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !
    સરસ
    યાદ આવી
    કોરા કાગળ પર લીટી દોરે સખી
    ને અમે એ માપની પંક્તિ લખી
    અને
    હઠયોગી ચાંગદેવને મૂંઝવણ હતી. બાળયોગીને આશીર્વાદ લખું કે જ્ઞાનવૃદ્ધને તીર્થસ્વરૂપ લખું અને કોરો કાગળ મોકલ્યો. મુકતા એ કાગળ જૉઇ બોલી ‘એ જ્ઞાના, આ તો કોરો જ રહ્યો! જ્ઞાનેશ્વરે ચાંગદેવને ગહન-ગંભીર પત્ર લખ્યો અને ગર્વ ઉતાર્યો.

  2. પ્રતિક ચૌધરી said,

    September 12, 2008 @ 10:18 AM

    કોઈ પરપોટો નથી કાયમ અહીં,
    આખરે એ સત્ય પણ સમજાય છે.

    વાહ!!!

    આ શેર વાંચીને ‘શયદા’ નો એક શેર યાદ આવી ગયો….

    “જિંદગીનો સાર જો પાણી મહીં
    એક પરપોટો થઈ ફુટી ગયો.”

  3. sudhir patel said,

    September 12, 2008 @ 12:50 PM

    સરળ છતાં અર્થગંભીર ગઝલ !
    સુધીર પટેલ.

  4. ધવલ said,

    September 13, 2008 @ 4:35 PM

    સાવ કોરા કાગળો વાંચ્યા પછી
    અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

    – બહુ સરસ !

  5. Pinki said,

    September 14, 2008 @ 7:02 AM

    અર્થસભર અને છતાં સહજ, સરળ ગઝલ……

    ૨, ૪, ૫, અને ૭ શેર ખૂબ મજાના !!

  6. amit said,

    September 21, 2008 @ 8:10 AM

    સરસ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment