કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

એક ઘા – કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

– કલાપી

રાજકવિએ તેઓના સમગ્ર જીવનમાં માત્ર આ ગીતની અંતિમ બે પંક્તિઓ જ લખી હોતે તોપણ હું તેઓનો આજીવન ઋણી રહેતે…. રહીમનો દોહો છે –

રહિમન ધાગા પ્રેમ કા , મત તોડ઼ો ચટકાય ।
ટૂટે સે ફિર ન જુડ઼ે, જુડે઼ ગાંઠ પડ઼ જાએ।।

7 Comments »

  1. pragnaju said,

    May 20, 2012 @ 5:25 AM

    પંખીઓના કલરવ,વનરાજીની શીતળતા,કાઠિયાવાડી મહેમાન નવાઝી,પ્રિયતમાનાં માર્દવ ગીત ગુંજન,ફુલો ફુલો પર મકરંદના છંદ,અરબસ્તાની જન્નતે ફિરદોસની ખુશ્બોથી તરબતર કલાપીના કેકારવે એ સમયના યુવાનો માટે નવયૌવન નૈવધ ધરી દીધા હતાં.સુફી સંમદરમાં ઇશ્કના મોજા ઉભરાય અને ઘુઘવતા હોય અને યુવાનીનો આલમ બેપનાહ બની અને મહેરામણની જેમ માજા મુકે છે ત્યારે આવા સુંદર કાવ્યો પ્રગટે…
    આવું જ તેમનુ કાવ્ય
    તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો
    તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો’તો!
    એ ના રોયું,તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,
    મેં જાણ્યું કે જખમ સહવો રહેલ કરનારને છે!

    કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી?
    રોતું મારું હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઈ!
    રે રે! તે ઘા અધિક મુજને મ્રુત્યુથી કાંઈ લાગ્યો,
    એ અંગારો મુજ જિગરનાં મૂળને ખાઈ જાતો!

    કેવો પાટૉ મલમ લઈને બાંધવા હું ગયો’તો!
    તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો’તો!
    એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
    બોલી ઉઠ્યાં પરવશ થયાં હોય સૌ એમ હેતેઃ-

    “વ્હાલાં! વ્હાલાં! નવકરીશ રે! કાંઈ મ્હારી દવા તું!
    “ઘા સહનારું નવ સહી શકે દર્દ તારી દવાનું !
    “ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે!
    “તારું તેનો જરૂર જ, સખે પૂર્ણ માલિક તું છે.”

    ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથ સાથે દબાઈ!
    વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઈ!
    ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘા ને થયો છે,
    તોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે!

    હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
    પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે,
    ઓહો! કેવું સ્મરણ મધુરું પાપનું એ ધરે છે!
    માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે!

    રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
    તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે!
    હું પસ્તાયો, પ્રભુ પ્રણયીએ માફી આપી મને છે,
    હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.

  2. Sudhir Patel said,

    May 20, 2012 @ 11:32 AM

    કવિ કલાપીનું અદભૂત કાવ્ય!
    સુધીર પટેલ.

  3. Dhruti Modi said,

    May 20, 2012 @ 5:41 PM

    વાહ્ અદ્ભૂત….

  4. વિવેક said,

    May 21, 2012 @ 2:29 AM

    🙂

  5. Pravin Shah said,

    May 21, 2012 @ 3:25 AM

    લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.,,,

    કલાપીનું અદભુત કાવ્ય અને
    આ. પ્રજ્ઞાજુબેનનો સુંદર રસાસ્વાદ !

  6. pradip said,

    May 21, 2012 @ 7:56 AM

    this poem was studied in school but the real meaning and feelings behind it are now understand.nice

  7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    May 22, 2012 @ 12:46 PM

    આવો ઘા કરવાની વિરુદ્ધ કાયદો પસાર કરો.
    છતાં પણ ઘા કરનારાઓને આકરી સજા કરો.
    આ ઉપચાર વિષે જરા યે શંકા રહેતી હોય તો;
    પથરો પૃથ્વીના પટ પરથી પલાયન કરી દો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment