આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !
– રતિલાલ ‘અનિલ’

આપણી યાદગાર ગઝલો : ૨૦ : સજનવા – મુકુલ ચોક્સી

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા
ને હાથ સાથે હો તો કિંમત સો ગણી લઈ લે સજનવા

બે અમારા દૃ્ગ સજનવા, બે તમારા દૃગ સજનવા
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખુ જગ સજનવા

ક્યાં તો પીઝાનાં મિનારાને હવે પાડો સજનવા
નહીં તો મારી જેમ એને ઢળતા શિખવાડો સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

આભને પળમાં બનાવી દે તું પારેવું સજનવા
થઈ જશે ભરપાઈ પૃથ્વીનું બધુ દેવું સજનવા

છે કશિશ કંઈ એવી આ કાયા કસુંબલમાં સજનવા
કે જાન સામેથી લુંટાવા ચાલી ચંબલમાં સજનવા

આજ કંઇ એવી કુશળતાથી રમો બાજી સજનવા
જીતનારા સંગ હારેલા યે હો રાજી સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

– મુકુલ ચોક્સી (જન્મ: ૨૧ ડિસેમ્બર ૧૯૫૯)

મુકુલભાઈનું નામ આવે એટલે લાગણીથી લથબથ એવી એમની બે ગઝલો મને તરત જ યાદ આવી જાય; ‘સજનવા’ અને ‘ચૂમી છે તને’.  ‘સજનવા’ એ મુકુલભાઈનું દીર્ઘ-કાવ્ય છે, દીર્ઘ-ગઝલ છે.  અને સાંભળ્યું છે કે આ ગઝલનાં એટલા જુદા જુદા ભાગો છે કે કો’કવાર મુકુલભાઈ પાસે જ મારે એના કુલ શેરની સંખ્યા જાણવી પડશે. અને મુકુલભાઈ કદાચ મને કુલ પાનાનો આંકડો જ આપશે; કારણકે એવીયે ખબર પડી છે કે ‘સજનવા’નાં શેરનો ગણતરી કરવા કરતાં એનાં પાનાની ગણતરી કરવી જ સહેલી પડે… શેરનો આંકડો લગભગ 3 આંકડાની પાસે પાસે પહોંચી ગયો હોય તોય નવાઈ નહીં.  ‘સજનવા’ની વાત કરીએ તો એના દરેક મિસરામાં ‘સજનવા’ રદીફને લીધે આ મત્લા ગઝલ જેવી પણ લાગે છે, તો એ જ રદીફ કોઈ ધુર્વપંક્તિ જેવો લાગતો હોઈ આ ગઝલનાં ગીત હોવાનો પણ ભાસ થાય છે.  ગાલગાગાનાં ચાર આવર્તનોવાળી આ ગઝલનાં દરેક શેરનાં અલગ-અલગ કાફિયાને લીધે એને કદાચિત્ ગીતઝલ જેવું પણ કહી શકાય…?!

મુકુલભાઈને આ ગઝલનું પઠન* કરી આપવાની જ્યારે મેં ફરમાઈશ કરેલી ત્યારે મેં એમને બે સવાલો પણ પૂછાવ્યા હતા: ૧) તમે આ ગઝલ આટલી દીર્ઘ કેમ લખી?  ૨) આ ગઝલ લખવા પાછળ શું અને કોની પ્રેરણા હતી ? …તો લયસ્તરોને પાઠવેલી શુભેચ્છાઓ અને ‘સજનવા’નાં થોડા શેરનાં પઠનની સાથે મુકુલભાઈએ મારા સવાલોનાં જવાબો પણ મોકલાવ્યા છે, પણ એ હું તમને નહીં કહું.  એ તો તમારે જાતે જ સાંભળવાં પડશે !

સ્વર: મુકુલ ચોક્સી

શુભેચ્છાઓ…
[audio:http://urmisaagar.com/saagar/audio/layastaro-4th-hbd-shubhechha_by_mukul_choksi.mp3]

ઘોંઘાટીયા જગતનાં અવાજોની વચ્ચે પણ
કવિતાઓ વાંચી વાંચીને ક્યારેક કલરવું છું;
લયનાં સ્તરો ઘણા છે ને એને અનુભવું છું,
હું લયસ્તરોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

મુકુલભાઈની વાત સાવ સાચી છે. ‘સજનવા’ કે પ્રેમની અનુભૂતિ વિશે તો જેટલું લખો એટલું ઓછું જ પડે.  એના વિશે આપણે જો કશુંક લખવા બેસીએ ત્યારે શેરોની સંખ્યા કે લીટીઓ નહીં ગણાય, નોટબુકનાં પાના પણ નહીં ગણાય અને આપણી લખવાની આધુનિક શૈલીને ધ્યાનમાં રાખીને કહું, તો એ લખવામાં તો કમ્પયુટરની કેટલી યાદદાસ્ત (RAM) વપરાય છે એ પણ નહીં ગણાય !  🙂  પ્રેમની અનુભૂતિ એ એક એવો અહેસાસ છે કે જેને માત્ર અને માત્ર અનુભવાય જ છે, જે શબ્દોથી ઘણી ઉપરની વાત છે… કાવ્ય લખવાની પ્રક્રિયા એટલે કે એ અનુભૂતિનાં એકાદ અંશને ફ્રેમમાં જડવાની કોશિશ માત્ર… જે કાયમ અધૂરી જ લાગ્યા કરે.  અને કોઈ કવિતાની ફ્રેમમાં જડ્યાં પછી પણ હંમેશા એમ જ થતું રહે કે હજી આનાથી પણ વધુ સુંદર ફ્રેમ બની શકત. કદાચ આ ‘અધૂરપ’માં જ એની પૂર્ણતા છે.  હવે ‘સજનવા’નું વધુ વિશ્લેષણ કર્યા વગર મુકુલભાઈએ જ પસંદ કરેલા ‘સજનવા’નાં થોડા શેરોને આપણે સાંભળીએ, માણીએ અને મમળાવીએ…

‘સજનવા’નું પઠન…

[audio:http://urmisaagar.com/saagar/audio/sajanva_pathan_by_mukul_choksi.mp3]

લયસ્તરો પર આગળ મૂકેલાં આ જ ગઝલનાં થોડા અલગ શેર પણ તમે અહીં માણી શકો છો… ધવલભાઈનાં કોલેજનાં સ્મરણો સાથે. 🙂

*ગઝલ-પઠનનો ઓડીયો બનાવીને સત્વરે મોકલવા બદલ મેહુલ સુરતી અને મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…!

8 Comments »

  1. Jayshree said,

    December 14, 2008 @ 4:56 PM

    અરે વાહ…. સાક્ષાત કવિના સ્વરમાં સજનવાનું પઠન… મઝા આવી ગઇ..!!

    અને મુકુલભાઇની શુભેચ્છાઓમાં તો જાણે બધા જ લયસ્તરોના ચાહકોનો સૂર આવી ગયો…
    ઘોંઘાટીયા જગતનાં અવાજોની વચ્ચે પણ
    કવિતાઓ વાંચી વાંચીને ક્યારેક કલરવું છું;

    લયસ્તરોએ યાદગાર ગઝલોનો ઉત્સવ ઉજવ્યો એ પોતે પણ એક યાદગાર પ્રસંગ છે….
    ફરીવાર લયસ્તરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!

  2. ધવલ said,

    December 14, 2008 @ 5:35 PM

    મુકુલભાઈનો અવાજ ‘લયસ્તરો’ પર – એ મારા માટે બહુ જ ખાસ વાત છે.  ‘સજનવા’ એ તો ગુજરાતી ગઝલની મોટી મિરાત છે.

  3. વિવેક said,

    December 15, 2008 @ 8:46 AM

    મુકુલભાઈના મૂળ સજનવામાં 126 શેર છે અને બધા જ એક-એકથી ચડિયાતા છે. જાણીતા વાર્તાકાર ડૉ. શરદ ઠાકર સજનવાના શેરો ઉપર એક આખો વાર્તાસંગ્રહ લખી રહ્યા છે…

  4. ઊર્મિ said,

    December 15, 2008 @ 9:09 AM

    ગઈકાલે સજનવા ગઝલનાં પઠનની ઓડિયો બરાબર ચાલતી ન્હોતી…માત્ર મેસેજ જ સંભળાતો હતો… જે આજે સુધારી લીધી છે. (આભાર જયશ્રી!) લયસ્તરોને આપેલા મેસેજની સાથે આ ગઝલનું પઠન પણ હવે મુકુલભાઈનાં અવાજમાં સાંભળી શકશો…!

  5. ઊર્મિ said,

    December 15, 2008 @ 11:52 AM

    આભાર વિવેક… આ વાર્તાસંગ્રહ બહાર પડે ને અમને જરૂરથી જાણ કરજે…!

  6. Angel Dholakia said,

    May 13, 2009 @ 1:29 AM

    સજનવા નિ series નુ સંકલન જો મળે તો મઝા પડે.
    ડૉ. શરદ ઠાકર સજનવાના શેરો ઉપર એક આખો વાર્તાસંગ્રહ લખી રહ્યા છે એ જાણિ ને આનન્દ થયો.મને પણ આ બાબતે જાણ કરશો તો તમારો ખુબ ખુબ આભાર માનિશ.my e-mail id is given while giing comment.

  7. premal lakdawala said,

    September 20, 2010 @ 2:54 PM

  8. PALASH SHAH said,

    April 12, 2020 @ 6:42 AM

    સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
    થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

    ખૂબ સરસ રચના છે

    સજનવા સિરિજ નુ સંકલન જો લયસ્તરો મળે તો મઝા પડે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment