દિલીપ રાવળ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 16, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ રાવળ
હોઠોના સ્મિત સાથે આંખોમાં છે તળાવો,
તારામાં તારી સાથે કંઈ કેટલા બનાવો.
ના કંઈ નવું નથી અહીં, છે એના એ બનાવો,
ઇચ્છાના વૃક્ષ કાપો, ઇચ્છાના વૃક્ષ વાવો.
સૂરજનું અસ્ત થાવું કોઈ તળાવ વચ્ચે,
હો સ્વપ્ન છો ને કિંતુ એક સાંજ ત્યાં વિતાવો.
આંસુ, વિરહ, વ્યથાઓ, સપનાં અને નિઃસાસા,
છે આપણી જ વાતો ને આપણા બનાવો.
છોને વસંત માણો, એક કામ પૂરું કરજો,
ફૂલોને પાનખરમાં જઈને તમે હસાવો.
– દિલીપ રાવલ
આજકાલ વાંચવા મળે છે એના કરતાં સાવ નોખો જ અંદાજે-બયાં લઈને આવતી ગઝલ… બધા જ શેર કેવા મજાના!
Permalink
July 10, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ રાવળ
આપણી આટલી અરજ સાંઈ,
ના પડે કાંઈ પણ ગરજ સાંઈ.
આપ આપો મને સમજ સાંઈ,
કઈ રીતે રહી શકું સહજ સાંઈ.
આપણે સાવ એક રજ સાંઈ,
આપણો ઈશ છે સૂરજ સાંઈ.
શ્વાસ લેવા ને જીવતા રહેવું,
આપણી આટલી નીપજ સાંઈ.
એની ઇચ્છાની નોબતો વાગે,
આપણાં વાગશે શું ગજ સાંઈ.
એક અંધાર રાત આવી તો,
ઊગશે કંઈક નવા સૂરજ સાંઈ.
તું હી તું નો જો સૂર લાગે તો,
આપણી પણ બને તરજ સાંઈ.
– દિલીપ રાવલ
Permalink
July 7, 2010 at 3:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, દિલીપ રાવળ
કે પ્રથમ વ્હાલા લખો ને જત લખો,
તે પછી નખશિખ આખો ખત લખો.
હું વધાવું, પ્રેમથી વાંચું પછી
જે ગમે છે એ બધી બાબત લખો.
‘બાજ’ હો કે હો ‘કબૂતર’ ચાલશે,
કાં લખો સંધિ કાં પાણીપત લખો.
ખોટ ના દેખાડશો તો ચાલશે,
કેટલી છે પ્રેમમાં બરકત લખો.
અક્ષરોની માંડણી કરશું અમે,
હો ભલે કોરો પરંતુ ખત લખો.
-દિલીપ રાવળ
એકદમ હળવે હળવે ચાલતી હળવી ખત-ગઝલ… કવિની પ્રિયજનની પાસે એક જ માંગણી છે, એમને બસ પ્રિયજને મોકલેલો પત્ર જોઈએ છે. પછી પ્રિયજને એમાં જે લખ્યું હોય એ… અરે, અક્ષરો વિનાનો સાવ કોરો જ પત્ર મળે એનોય કવિને બિલકુલ વાંધો નથી. (અહીં કોરી ઈમેલ કે કોરા SMS ની વાત નથી હોં ! ) બાજ-કબૂતર ને સંધિ-પાણીપત વાળા શે’ર માટે તો આંખોને ‘દુબારા’ ‘દુબારા’ કહેવું પડે !! 🙂
Permalink
October 15, 2008 at 11:27 PM by ધવલ · Filed under દિલીપ રાવળ, મુક્તક
ચાલો એક ઈચ્છા ખણી નાખીએ
અને એક મનને હણી નાખીએ
ફરી પાછી પીડા પ્રસવની ઊઠી છે
ફરીથી ગઝલને જણી નાખીએ
– દિલીપ રાવલ
Permalink
July 10, 2008 at 12:30 AM by વિવેક · Filed under દિલીપ રાવળ, મુક્તક
રાહ જોજે યાદ થઈને આવશું,
સ્વપ્નમાં સંવાદ થઈને આવશું !
તું ગઝલ થઈને રજૂ થા તો ખરી,
મહેફિલોમાં દાદ થઈને આવશું !
– દિલીપ રાવલ
Permalink
April 23, 2008 at 10:31 PM by ધવલ · Filed under ગઝલ, દિલીપ રાવળ
આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને,
છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને.
આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે,
એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને.
તન તેલ સુગંધી દ્રવ્યો ને રત્નોમાં જઈને અટવાયું,
મન માખણ મિસરી ખાવામાં કે યાદ કરું છું ગોકુળને.
આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે !
નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.
– દિલીપ રાવળ
Permalink
November 3, 2006 at 8:20 PM by ધવલ · Filed under ગીત, દિલીપ રાવળ
મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.
ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
– દિલીપ રાવળ
પાણીથી ભીંજાવું એ પ્રેમથી ભીંજાવાનું એક પગથિયું જ હોય એમ અહીં કવિએ વરસાદને ગાયો છે. ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે, / પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે, / રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા; – પંક્તિઓ બહુ જ સરસ બની છે. ચૈત્રની ગરમીને ટાઢા ડામ જેવી કહીને બહુ સુંદર અસર ઉપજાવી છે. આ સાથે આગળ રજુ કરેલા પ્રેમ-ભીના ‘વરસાદી’ ગીતો પણ માણો – 1, 2 અને 3 .
Permalink