પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
હૃદયમાં તું ઈચ્છાને બચવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

બહુત ગઈ ને થોડી રઈ – લલિત ત્રિવેદી

ચલ ઓઘડિયા અપને ગાંવ, બહુત ગઈ ને થોડી રઈ
મેલી દે ચમડી કી છાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!

ભસમીગર! તારા સથવારા…… શણગારા સંગે અંગારા
પર અપને ધાગોં કે પાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

વોહી રાઈ વોહી તનજાઈ… એમાં ઝાંખો પાંખો સાંઈ
ઈ જ સબર ને ઈ જ પડાવ, બહુત ગઈ ને થોડી રઈ!

અનાજ બા’રા હાલ્યા સગડગ, ભાયગથી થાવાને ફારગ
વચમાં રઢિયાળા દેખાવ, બહુત ગઈ ને થોડી રઈ!

એ કેસરિયા રાણીવાસા, ને આ ભસ્મીલ લલિતદાસા
હાંવ રે લલિત હાંવ રે હાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

– લલિત ત્રિવેદી

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિની ભાષા પ્રવર્તમાન ગઝલપ્રવાહથી સાવ નોખી છે. રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની નોખી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે.

વયના એક મુકામ ઉપર આવીને માણસને સમજાય છે કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી… આવી કોઈક પળે થતી સ્વાનુભૂતિની આ રચના છે. ઓઘડ એટલે અણઘડ, ભોટ, બોથડ. કવિ સ્વયંને અણઘડ કહીને પોતાને ગામ પરત જવાનું કહે છે. જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે ઢૂંકડો આવી ઊભો છે. બીજો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. આજે આવા દમદાર શેર કેટલાકવિ લખી શકે છે, કહો તો! જીવનભર સરસ્વતીના બદલે જીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલું રહ્યું હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવાની હતી એ ન કરી, ને રૂ જેવું જીવતર કદી જ્યોત થઈ ઝળહળી ન શક્યું… સરસ્વતી પરથી તરસ્વતી જેવો શબ્દ કોઈન કરીને કવિએ ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પૂરી બતાવી છે.

3 Comments »

  1. Varij Luhar said,

    January 3, 2025 @ 12:00 PM

    વાહ. ખૂબ સરસ ગઝલ

  2. Aasifkhan Pathan said,

    January 3, 2025 @ 12:06 PM

    વાહ વાહ ખુબસરસ રચના

  3. નેહા પુરોહિત said,

    January 3, 2025 @ 1:25 PM

    વાહ રે તરસ્વતી !!! એકએક શેર પાણીદાર..
    કવિને નમન.. ગીરનારી છાંયે લખી હોય,
    ને અલગારી છાંટણાં ઝીલ્યાં હોય એવી કૃતિ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment