ગઝલ – લલિત ત્રિવેદી
શરીરાઈને ગહન કરી લઉં પરથમ પ્હેલાં !
સબદ ! હું નખશિખ સ્મરન કરી લઉં પરથમ પ્હેલાં !
કાગળ ! તારું શમન કરી લઉં પરથમ પ્હેલાં !
કલમમાં હોમોહવન કરી લઉં પરથમ પ્હેલાં !
ખુશબૂ ખુશબૂ ઇજન કરી લઉં પરથમ પ્હેલાં !
કળી કળી પર લિખન કરી લઉં પરથમ પ્હેલાં !
એક તરફ છે અચરજ ને બીજા પલ્લામાં…
ગઝલ મૂકું ને વજન કરી લઉં પરથમ પ્હેલાં !
પછી આળખું પાંખડીઓ પર ટશર સખીની…
પતંગિયાનું સ્તવન કરી લઉં પરથમ પ્હેલાં !
ઝાકળના જરિયનમાં ઝિલમિલ ગઝલમોહિની…
સવ્વાવ્હાલથી શુકન કરી લઉં પરથમ પ્હેલાં !
પછી અખા સોનીની એ ડેલી રણકાવું…
સુવર્ણમાં રણઝણન કરી લઉં પરથમ પ્હેલાં !
સબદીઘાટીમાં જ ગઝલટંકાર કરી લઉં…
લલિતાસુરનું હનન કરી લઉં પરથમ પ્હેલાં !
– લલિત ત્રિવેદી
ગઝલ વિશેની ગઝલો તો આપણે અવારનવાર વાંચતા જ રહીએ છીએ પણ આ ગઝલ પર આંગળી મૂકતાવેંત સમજી જવાય કે આ જરા ‘હટ કે’ ગઝલ છે. જાતને ઊંડી કરીને શબ્દનું સ્મરણ (ગણેશની જેમ) કરીને કવિ ગઝલ કરવાની વાત આદરે છે. સખીવાળો શેર વાંચીએ તો એમ લાગે કે આખી ગઝલના બધા શેર ગઝલ વિશેના છે એમાં આ આગંતુક શેર ક્યાંથી આવી ચડ્યો? પણ તરત યાદ આવે કે ગઝલની તો વ્યાખ્યામાં જ પ્રિયતમા-સખી સામેલ છે. અને અંતે હલ્દીઘાટીના યુદ્ધ પરથી કવિ સબદીઘાટી શબ્દ ‘કોઇન’ કરીને કવિ કમાલ કરે છે અને પોતાના ‘હું’નું હનન કરવા માટે પોતાના નામ લલિત પરથી કવિ ‘લલિતાસુર’ સર્જે છે એ ગઝલની પરાકાષ્ઠા છે.
Rina said,
June 28, 2014 @ 2:26 AM
Awesome
Hardik Vora said,
June 28, 2014 @ 3:19 AM
વાહ અદ્ભુત
Kaushik joshi said,
June 28, 2014 @ 3:24 AM
વાહ ! ખૂબ સરસ ગઝલ છે અને તેનુ અર્થઘટન પણ ઉચિત છે.
ગઝલનો વારસો ગુજરાતી સાહિત્યમાં જળવાઇ રહે તે માટેનો
સુંદર પ્રયાસ બદલ અભિનન્દન.
mahendra oza said,
June 28, 2014 @ 7:23 AM
લખવા ના સબદ બધા વપરાય ગયા ………સરસ,,,
Sudhir Patel said,
June 28, 2014 @ 11:55 PM
ખૂબસુરત ગઝલ!
સુધીર પટેલ.
kishoremodi said,
June 29, 2014 @ 2:45 PM
અદ્ભુત ગઝલ. અધ્યાત્મથી તરબતર ગઝલ માણી ખૂબ આનંદ અનુભવ્યો.
Devika Dhruva said,
July 10, 2014 @ 2:11 PM
ખુબ ખુબ ઊંડા અર્થથી તરબતર ગઝલ.