ચીતરું છું એનું નામ હથેળી ઉપર ‘મરીઝ’,
વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી.
મરીઝ

આ દેખાય છે તેવી નથી….- લલિત ત્રિવેદી

બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી
એક જણની રાત આ દેખાય છે તેવી નથી

છેવટે તો હાથમાં ગજરો સુકાતો હોય છે
સાંજની શરૂઆત આ દેખાય છે તેવી નથી

ઊખડે છે પડ કદી તો અશ્મિઓ દેખાય છે
ટેરવે રળિયાત આ દેખાય છે તેવી નથી

છે બહુ લાવણ્યમય શરૂઆત કોઈ ભેદની
ઓસની રજૂઆત આ દેખાય છે તેવી નથી

સાંજ પડતાં કેમ એ પાછો ફરે છે ઘર તરફ ?
કેમ એની વાત આ દેખાય છે તેવી નથી ?

ઊંડાં ભમ્મર પાણીમાં મોતી જ ચળકે તે પછી
ધ્યાન ધ૨ કે જાત આ દેખાય છે તેવી નથી

કેટલાં સપનાં અને ઘટનાઓનો ઇતિહાસ છે !
આપણી નિરાંત આ દેખાય છે તેવી નથી

સુસવાટા હો કવનના કે ખૂણાની જ્યોત હો
કયાં ખૂલે છે રાત આ દેખાય છે તેવી નથી.

– લલિત ત્રિવેદી

ખરી વાત છે…. ન માણસ, ન સંબંધ, ન ઘટના, ન વિચાર, ન સમાજ….- કશુંય દેખાય તેવું નથી હોતું. કદાચ ક્ષતિ મારી સમજની જ છે….

 

2 Comments »

  1. Ketan Bagatharia said,

    September 21, 2021 @ 5:35 AM

    Very nice 🙏

  2. pragnajuvyas said,

    September 21, 2021 @ 1:56 PM

    કવિશ્રી લલિત ત્રિવેદીએ કહેલી આ પંક્તિઓ યાદ આવે
    કાગળિયાની નાતને જમવા તેડી છે જી,
    ગાલિબ ! તારા કારજમાંથી ગઝલ ઘડું છું…જ્યારે ગઝલની વાત આવે ત્યારે તો એ ખુબ જ અમૂલ્ય છે, જેથી જો માનવામાં આવે કે એક સારી ગઝલ સરળતાથી મળી જશે તો એ ખોટો વિચાર હશે, એના માટે કવિ લલિત ત્રિવેદી જેવું ખુબ ઊંચું નિશાન હોવું ખુબ જ જરૂરી છે.
    બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી
    એક જણની રાત આ દેખાય છે તેવી નથી
    વાહ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment