અવનવું કમાયો છું – લલિત ત્રિવેદી
દુકાનદાર, સૂણો, આગવું કમાયો છું,
નિરાંત ખર્ચીને હું જાગવું કમાયો છું!
મેં ખોટ ખાઈને બરકત બચાવી લીધી છે,
વણીને સાખીઓ હું અવનવું કમાયો છું!
અમૂલી આંખને સાટે લીધી છે આ જગ્યા,
હે સુરદાસજી, હું તાગવું કમાયો છું!
કે લાજ રાખજો, પેઢી આ ના પડે કાચી,
ઇ વ્હાલા સોનીડાનું ત્રાજવું કમાયો છું!
ન રંજ છે કે મેં દીવાળું કાઢી નાખ્યું છે,
રૂપૈયા વેચી લહાઈ લાગવું કમાયો છું!
ભલે જમાલભાઈ ધંધાનો ગણાયો છું,
ગલ્લાઓ ખંખેરીને જાપવું કમાયો છું!
વસત-બચત બધુંયે વેચી લીધી છે લેખણ,
ભરી બજારેથી ઊઠી જવું કમાયો છું!
ઉતાર્યાં વ્હાણ બારોબાર બારખડી બા’રા,
હું એકોતેર પેઢી તારવું કમાયો છું!
– લલિત ત્રિવેદી
લલિત ત્રિવેદીનો અવાજ અલગ તરી આવતા ગઝલકારનો અવાજ છે. દુકાનદાર સાથેનો સંવાદ આમ તો ગ્રાહકનો હોય, પણ અહીં દુકાનદાર સાથે દુકાનદાર જ વાત કરે છે. કહે છે, સાંભળો, તમે લોકો જે કમાવ છો એનાથી સાવ અલગ વસ્તુ હું કમાયો છું. મેં નિરાંત ખર્ચી નાંખી છે અને બદલામાં સતત જાગવું કમાયો છું. અહીં આવીને સમજાય છે કે કથક દુકાનદાર ઈશ્વરભક્ત છે અને જગત આખું સામાનો દુકાનદાર છે. કબીર, સુરદાસ, અખા વગેરેના સંદર્ભ વાતને વધુ રોચક બનાવે છે.
હર્ષદ દવે said,
March 17, 2023 @ 12:46 PM
દરેક શેરનું સૌંદર્ય અલગ અને અદ્ભુત. સરસ ગઝલ ઉતરી આવી છે. કવિ અને આપને અભિનંદન.
Bharati gada said,
March 17, 2023 @ 5:49 PM
હું એકોતેર પેઢી તારવું કમાયો છું! ઼઼ વાહ ખૂબ સરસ રચના 👌
લલિત ત્રિવેદી said,
March 17, 2023 @ 7:09 PM
આભાર
pragnajuvyas said,
March 17, 2023 @ 7:20 PM
કવિશ્રી– લલિત ત્રિવેદી ખૂબ સુંદર ગઝલ
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
મસ્ત મક્તા
ઉતાર્યાં વ્હાણ બારોબાર બારખડી બા’રા,
હું એકોતેર પેઢી તારવું કમાયો છું!
વાહ્
યાદ આવે ઘાયલજી
નથી બીજું કમાયા કૈં જીવનની એ કમાઈ છે,
અમારે મન જીવનમૂડી અમારી માણસાઈ છે.
Varij Luhar said,
March 18, 2023 @ 11:49 PM
વાહ ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ
Poonam said,
March 23, 2023 @ 11:07 AM
કે લાજ રાખજો, પેઢી આ ના પડે કાચી,
ઇ વ્હાલા સોનીડાનું ત્રાજવું કમાયો છું! Jenu bav jeenu 👌🏻
– લલિત ત્રિવેદી –
Aaswad laziz !
રાજેન્દ્ર આર શાહ said,
April 4, 2023 @ 10:19 PM
આ ગઝલના શબ્દો જીવનના અદ્ભૂત સત્યોની સરસ રીતે વાત કરે છે.
ગઝલના બંધારણ ની દ્રષ્ટિ એ થોડી અટપટી લાગે – સમજવી અઘરી છે!
એના છંદ નપર કોઈ પ્રકાશ પાડશે ?
વિવેક said,
April 6, 2023 @ 11:31 AM
@ રાજેન્દ્ર શાહ:
સવાલ પૂછવા બદલ ખૂબ ખૂબ આભાર. આજકાલ આવી સતર્કતા આજના ભાવકોમાં જવલ્લે જ જોવા મળે છે.
લગાલગાલ લગાગાલ ગાલગા લલગા/ગાગા
કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ – આ ગીતની બહેર છે, પણ કવિએ છંદની બાબતમાં ચુસ્તતાનો આગ્રહ રાખ્યો નથી. છંદની તક્તીના સ્થાને કવિએ લય ઉપર મદાર વધુ રાખ્યો છે. છંદની આવી શિથિલતા રમેશ પારેખ વગેરે જાણીતા કવિઓમાં પણ ઘણી જોવા મળે છે.