દાન વાઘેલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 22, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દાન વાઘેલા
મને ચડી ગઈ રોમ-રોમ ટાઢ!
ગાજ નહીં, વીજ નહીં, પૂનમ કે બીજ નહિ-
. ઓચિંતો ત્રાટક્યો આષાઢ! મને ચડી ગઈ…
ઘરમાંથી ઉંબરાની મર્માળી ઠેસ,
છતાં ચાલી હું મીણ જેમ પીગળી!
માજમની રાતે આ મન એવું મૂંઝાણું:
જાણે કે વીંટળાતી વીજળી!
કોને ખબર છે કે ગામ આખું કોરું –
. પણ ડૂબ્યાં આ મેડી ને માઢ! મને ચડી ગઈ…
દરિયાનાં મોજાં તો માપી શકાય,
અરે! ફળિયાની ફાળ કેમ માપવી?
સોળ-સોળ ચોમાસાં સંઘરેલી છતરીને
શેરીમાં કોને જઈ આપવી?
રુદિયામાં ફુવારા ફૂટે છે જાણે કે –
. પીલાતો શેરડીનો વાઢ! મને ચડી ગઈ…
– દાન વાઘેલા
આજે તો વરસાદ મનફાવે ત્યારે અને મનફાવે એટલો ખાબકી પડે છે, પણ એક જમાનો હતો જ્યારે ચોમાસું અષાઢ-શ્રાવણ સુધી સીમીત રહેતું, પ્રેમ પણ વરસાદ જેવો છે. એ કંઈ પૂનમ-બીજ એમ તિથિવાર જોઈને નથી થતો. પ્રેમના વરસવા માટે ગાજવીજનીય જરૂર નથી. ચાર આંખ વચ્ચે તારામિત્રક રચાય અને કોઈપણ જાતની પૂર્વજાણકારી વિના અષાઢ ત્રાટકી પડે એમ પ્રેમ રોમરોમને ભીંજવી ટાઢો અહેસાસ કરાવી શકે છે.
પરિવારે મર્યાદાના ઉંબરા ન વળોટવાનું શીખવ્યું હોવા છતાં પ્રેમની ઉષ્મા જ એવી છે કે ભલભલા મનસૂબા અને મર્યાદાઓ મીણની જેમ પીગળી જાય છે. ચાલીનો શ્લેષ પણ મર્માળો છે. બીજી તરફ કાજળકાળી રાતે દેમાર વીજળીઓ ડરાવતી હોય એમ રહીરહીને યાદ આવતી સામાજિક મર્યાદાઓની વાત મનને મૂંઝવણમાં પણ મૂકે છે. આ અષાઢી વરસાદ ભીતરી વરસાદ છે એટલે ગામ-શેરી તો ક્યાંથી ભીંજાવાના? પણ અહીં તો માઢ-મેડી ગરકાવ થઈ જાય એ હદે હૈયું જળબંબાકાર થઈ ગયું છે.
દરિયાંનાં મોજાંઓને તો માપી-ઓળંગી શકાય પણ ફળિયું કેમ કરીને ઓળંગવું? અહીં પણ માપી-માપવીમાં રહેલ હળવો શ્લેષ આસ્વાદ્ય બન્યો છે. શેરડીનો વાઢ પીલાય ત્યારે જેમ રસના ફુવારાઓ વછૂટે એમ અંતરમાં પ્રેમરસના ફુવારાઓ ફૂટે છે. સોળ વરસથી અકબંધ સાચવેલું કૌમાર્ય શેરામાં વસતા સાજનને આપી તો દેવું છે પણ ષોડશી પૂર્ણતયા વિડંબનામુક્ત થઈ શકતી નથી. પહેલા પ્રેમની અવઢવની આ જ તો મજા છે અને કવિએ એને તંતોતંત વાચા પણ આપી છે.
Permalink
October 31, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દાન વાઘેલા
જીવતર જીવ્યાં તાણેવાણે !
સાળ વચાળે શ્વાસ ગૂંથતા, હરદમ હરિનાં ગાણે !
. જીવતર જીવ્યાં તાણેવાણે !…
. ફળફળતાં જળમાં ઝબકોળી
. કરમ-જુવારની કાંજી !
. સૂતરને તરણીથી જ તાણી
. અંજળ નીરખ્યાં આંજી !
ખપાટ ખસતી જાય ખટાખટ, ખરાં ખોળિયાં ટાણે !
કરમ-ધરમનાં લેખાં-જોખાં, ગૂંજે પાણે – પાણે !
. જીવતર જીવ્યાં તાણેવાણે…
. અરધાં બાહર અરધાં ભોં-માં
. રહ્યાં ચોફાળ સાંધી !
. હૃદય-રાશનો રંગ ચડાવ્યો
. રાખી મુઠ્ઠી બાંધી !
નિગમ-સારમાં નીતિ જીતી, મૂલ ન થાયે નાણે !
જોગી, યોગી, ધીર, વીર મેઘમાયો મસ્તી માણે !
. સાળ વચાળે શ્વાસ ગૂંથતા…
. જીવતર જીવ્યાં…
– દાન વાઘેલા
પાટણ-નરેશ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. જ્યોતિષીઓએ જણાવ્યું કે કોઈ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ આપવામાં આવે તો જ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ધોળકા પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાન બત્રીસ લક્ષણો હતો. પાટણના નાગરિકોની હાજરીમાં વીર મેઘમાયાએ સ્વેચ્છાએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.
વીર મેઘમાયાએ સ્વ-બલિદાન આપતાં પૂર્વે શું કહેવા ધાર્યું હશે એનું આ ગીત… વણાટક્રિયાના તળપદા શબ્દો અને વર્ણાનુપ્રાસના કારણે ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે.
Permalink
June 23, 2011 at 7:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, દાન વાઘેલા
અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,
વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે.
પ્રણયની વાત છેડી છે, કથાનો ક્યાં સમય પણ છે !
નદી યમુના, વૃંદાવન, વાંસળી ને ધણ ઘણું કહેશે.
હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !
તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે.
અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,
અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.
સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,
અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે.
– દાન વાઘેલા
ઓછામાં ઘણું કહેતી મજાની ગઝલ… મીરાં-મેવાડ અને અખંડાનંદ જેવું ધ્યાનવાળા શેર જરા વધુ ગમી ગયા.
Permalink
November 9, 2005 at 11:20 AM by ધવલ · Filed under ગઝલ, દાન વાઘેલા
કોક તો પડકારનારો જોઈએ;
મોતને પણ મારનારો જોઈએ !
એ હિમાલયમાં રહે કે હાથમાં;
ભાગ્યને સમજાવનારો જોઈએ !
કાળજું કોરી અને રાખી શકું,
શબ્દ પણ કોરો કુંવારો જોઈએ !
સાવ કોરો પત્ર હું કયાં મોકલું ?
મોકલું તો વાંચનારો જોઈએ !
‘દાન’ તારી વાતમાં છે વીજળી;
મેઘ જેવો ઝીલનારો જોઈએ !
Permalink