કેટલીયે બાદબાકી કૈંક સરવાળા કર્યા,
સેંકડે એકાદ માણસ માંડ અહીં સાચા ઠર્યા.
અશોકપુરી ગોસ્વામી

(ઓચિંતો ત્રાટક્યો અષાઢ) – દાન વાઘેલા

મને  ચડી ગઈ રોમ-રોમ ટાઢ!
ગાજ નહીં, વીજ નહીં, પૂનમ કે બીજ નહિ-
.                                                ઓચિંતો ત્રાટક્યો આષાઢ!         મને ચડી ગઈ…

ઘરમાંથી ઉંબરાની મર્માળી ઠેસ,
છતાં ચાલી હું મીણ જેમ પીગળી!
માજમની રાતે આ મન એવું મૂંઝાણું:
જાણે કે વીંટળાતી વીજળી!

કોને ખબર છે કે ગામ આખું કોરું –
.                                                પણ ડૂબ્યાં આ મેડી ને માઢ!         મને ચડી ગઈ…

દરિયાનાં મોજાં તો માપી શકાય,
અરે! ફળિયાની ફાળ કેમ માપવી?
સોળ-સોળ ચોમાસાં સંઘરેલી છતરીને
શેરીમાં કોને જઈ આપવી?

રુદિયામાં ફુવારા ફૂટે છે જાણે કે –
.                                                પીલાતો શેરડીનો વાઢ!         મને ચડી ગઈ…

– દાન વાઘેલા

આજે તો વરસાદ મનફાવે ત્યારે અને મનફાવે એટલો ખાબકી પડે છે, પણ એક જમાનો હતો જ્યારે ચોમાસું અષાઢ-શ્રાવણ સુધી સીમીત રહેતું, પ્રેમ પણ વરસાદ જેવો છે. એ કંઈ પૂનમ-બીજ એમ તિથિવાર જોઈને નથી થતો. પ્રેમના વરસવા માટે ગાજવીજનીય જરૂર નથી. ચાર આંખ વચ્ચે તારામિત્રક રચાય અને કોઈપણ જાતની પૂર્વજાણકારી વિના અષાઢ ત્રાટકી પડે એમ પ્રેમ રોમરોમને ભીંજવી ટાઢો અહેસાસ કરાવી શકે છે.

પરિવારે મર્યાદાના ઉંબરા ન વળોટવાનું શીખવ્યું હોવા છતાં પ્રેમની ઉષ્મા જ એવી છે કે ભલભલા મનસૂબા અને મર્યાદાઓ મીણની જેમ પીગળી જાય છે. ચાલીનો શ્લેષ પણ મર્માળો છે. બીજી તરફ કાજળકાળી રાતે દેમાર વીજળીઓ ડરાવતી હોય એમ રહીરહીને યાદ આવતી સામાજિક મર્યાદાઓની વાત મનને મૂંઝવણમાં પણ મૂકે છે. આ અષાઢી વરસાદ ભીતરી વરસાદ છે એટલે ગામ-શેરી તો ક્યાંથી ભીંજાવાના? પણ અહીં તો માઢ-મેડી ગરકાવ થઈ જાય એ હદે હૈયું જળબંબાકાર થઈ ગયું છે.

દરિયાંનાં મોજાંઓને તો માપી-ઓળંગી શકાય પણ ફળિયું કેમ કરીને ઓળંગવું? અહીં પણ માપી-માપવીમાં રહેલ હળવો શ્લેષ આસ્વાદ્ય બન્યો છે. શેરડીનો વાઢ પીલાય ત્યારે જેમ રસના ફુવારાઓ વછૂટે એમ અંતરમાં પ્રેમરસના ફુવારાઓ ફૂટે છે. સોળ વરસથી અકબંધ સાચવેલું કૌમાર્ય શેરામાં વસતા સાજનને આપી તો દેવું છે પણ ષોડશી પૂર્ણતયા વિડંબનામુક્ત થઈ શકતી નથી. પહેલા પ્રેમની અવઢવની આ જ તો મજા છે અને કવિએ એને તંતોતંત વાચા પણ આપી છે.

13 Comments »

  1. pragnajuvyas said,

    April 22, 2023 @ 6:08 AM

    ભાવનગરના શિક્ષક કવિ શ્રી દાન વાઘેલાનો આજે જન્મ દિવસ છે, જન્મદિવસની શુભેચ્છાઓ
    મધુરા ગીત બદલ ધન્યવાદ ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    યાદ આવે કામરૂપ ખાતેના પ્રસિધ્ધ કામાખ્યા દેવીના મંદીરે અંબુબાસી તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસે દેવી રજ:સ્વલા થાય છે. અષાઢ સુદ એકમે પૃથ્વી પણ રજ:સ્વલા થાય છે એવું મનાય છે.
    કવિઓને પ્રણયરંગી કાવ્યો સર્જીને પ્રેમરસમાં મસ્ત થવાનો આ માસ છે, તો પ્રેમી યુગલોને પ્રેમરસ પાન કરવાનો ‘મધુમાસ’ છે. અષાઢનાં પ્રથમ દિને કોઈને પ્રિયત્તમાનું મધુર સ્મરણ થાય, તો પ્રભુપ્રેમીને આભમાં ગાજવીજ કરતા વાદળો વર્ષાના દેવ ઈન્દ્રનું વાદળમાં છૂપાઈને ડમરું વગાડતા ભગવાન શિવજીનું સ્મરણ થાય.પ્રકૃતિ કવિ કાલિદાસની મહાન ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે.
    મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ
    સ્વર : હેમાલી વ્યાસ નાયક
    સ્વરાંકન : આલાપ દેસાઇ
    માણો

  2. Poonam said,

    April 22, 2023 @ 2:40 PM

    ઓચિંતો ત્રાટક્યો અષાઢ.
    – દાન વાઘેલા – 👌🏻

  3. janki a9g6dhyaru said,

    April 22, 2023 @ 2:57 PM

    વાહ… સરસ ગીત અને મજાનો આસ્વાદ.. ચાલીનો શ્લેષ અલંકારનો મર્મ અહીં હું ના પકડી શકી….

  4. નેહા પુરોહિત said,

    April 22, 2023 @ 5:14 PM

    વાહ દાનભાઈ.. સુંદર ગીત આપવા બદલ ધન્યવાદ.
    આવી સરસ રચના પોસ્ટ કરવા માટે ટીમ લયસ્તરોનો
    આભાર…

  5. વિવેક said,

    April 22, 2023 @ 5:33 PM

    @જાનકી અધ્યારુ:

    ‘પીગળી ચાલી’માં પ્રયોગમાં એક અર્થ (પીગળી) ‘જવું’ પણ થશે અને બીજો અર્થ ઉંબર તો રોકે છે પણ હું (પીગળીને) ચાલી નીકળી એમ થશે એવું મને સમજાય છે.

    ભાવક પ્રશ્ન કરે ત્યારે ભાવકની સાચી સજ્જતાની પ્રતીતિ પણ થાય છે.
    આભાર

  6. Ramesh Maru said,

    April 22, 2023 @ 9:16 PM

    સોળ-સોળ ચોમાસાં સંઘરેલી છતરીને
    શેરીમાં કોને જઈ આપવી?…વાહ…સોડશીની મનોવ્યથાને અનુભવસહ આલેખી કવિએ ભાવકને પણ એ મનોવ્યથાનો ભાગીદાર બનાવી દીધો…!
    ખૂબ જ સુંદર ગીત…ને આસ્વાદ કવિ વિવેકસરનો એટલો જ આસ્વાદ્ય…
    મજા આવી ગઈ…અને
    કવિશ્રી દાન વાઘેલાને જન્મદિવસની શુભેચ્છાઓ…

  7. Varij Luhar said,

    April 22, 2023 @ 10:06 PM

    ઓચિંતો ત્રાટકયો આષાઢ.. વાહ

  8. દાન વાઘેલા said,

    April 23, 2023 @ 12:02 AM

    * વિવેકભાઇનો આભાર. 🙏કદાચ પહેલી વાર મારી રચના અહીં રજૂ થાય છે. આલાપ દેસાઇ અને હેમાલી વ્યાસનાયકને પણ અહીં જેમણે રજૂ કર્યા છે. એમનો પણ આભાર 💖🙏.
    વિવેકભાઇનો ગીત આસ્વાદક તરીકેનો મિજાજ પણ આહ્લાદક છે. ભાવક તરીકે પણ મને એ લેખ ગમ્યો. જે કંઇ પહોંચ્યું એ આપ સૌનું છે. એમાંથી જે ના પહોંચ્યું કે ના સમજાયું હોય એ કવિ તરીકેની મારી મર્યાદા કે ક્ષતિ હોઇ શકે.
    કવિતા ભાવક /શ્રોતા સુધી પહોંચે એ પછી કવિએ કાંઇ દલીલ કરવાની હોતી નથી. એ મારો અંગત મત છે. કવિતામાં સત્વ હશે તો એ વર્ષો બાદ પણ શાશ્વતતા ધારણ કરશે. એના પ્રમાણો ભાવિપેઢીને મળતા રહેશે.
    ::દાન વાઘેલા :::

  9. વિવેક said,

    April 23, 2023 @ 12:09 PM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર

    વિડિયો સહિયારવા બદલ પ્રજ્ઞાજુનો ખાસ આભાર

  10. વિવેક said,

    April 23, 2023 @ 12:10 PM

    લયસ્તરોના આંગણે આવીને બહુમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ કવિશ્રી દાન વાઘેલાના અમે ઋણી રહીશું…

    આ સાઇટ ઉપર આ આપની ચોથી પ્રકાશિત કૃતિ છે. આપ આપની રચનાઓ અહીં જોઈ શકશો:

    https://layastaro.com/?cat=65

  11. Vijay Trivedi said,

    April 23, 2023 @ 12:59 PM

    વાહ! મન પ્રુલ્લિત થઈ ગયું. ખૂબ જ સરસ ગીત.

  12. Vijay Trivedi said,

    April 23, 2023 @ 1:01 PM

    વાહ! સાંભળીને મન પ્રુફુલ્લિત થઈ ગયું. ખૂબ જ સરસ ગીત.

  13. Pragnya Vyas said,

    April 23, 2023 @ 2:14 PM

    વાહ વાહ.. ખૂબ સરસ.. જાણે અતીત યાદ આવી ગયું 16 વર્ષ ની ઉંમર નું.. એક અહેસાસ – હ્દય એક ધબકાર ચૂકી ગયું…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment