વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત – દાન વાઘેલા
જીવતર જીવ્યાં તાણેવાણે !
સાળ વચાળે શ્વાસ ગૂંથતા, હરદમ હરિનાં ગાણે !
. જીવતર જીવ્યાં તાણેવાણે !…
. ફળફળતાં જળમાં ઝબકોળી
. કરમ-જુવારની કાંજી !
. સૂતરને તરણીથી જ તાણી
. અંજળ નીરખ્યાં આંજી !
ખપાટ ખસતી જાય ખટાખટ, ખરાં ખોળિયાં ટાણે !
કરમ-ધરમનાં લેખાં-જોખાં, ગૂંજે પાણે – પાણે !
. જીવતર જીવ્યાં તાણેવાણે…
. અરધાં બાહર અરધાં ભોં-માં
. રહ્યાં ચોફાળ સાંધી !
. હૃદય-રાશનો રંગ ચડાવ્યો
. રાખી મુઠ્ઠી બાંધી !
નિગમ-સારમાં નીતિ જીતી, મૂલ ન થાયે નાણે !
જોગી, યોગી, ધીર, વીર મેઘમાયો મસ્તી માણે !
. સાળ વચાળે શ્વાસ ગૂંથતા…
. જીવતર જીવ્યાં…
– દાન વાઘેલા
પાટણ-નરેશ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. જ્યોતિષીઓએ જણાવ્યું કે કોઈ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ આપવામાં આવે તો જ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ધોળકા પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાન બત્રીસ લક્ષણો હતો. પાટણના નાગરિકોની હાજરીમાં વીર મેઘમાયાએ સ્વેચ્છાએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.
વીર મેઘમાયાએ સ્વ-બલિદાન આપતાં પૂર્વે શું કહેવા ધાર્યું હશે એનું આ ગીત… વણાટક્રિયાના તળપદા શબ્દો અને વર્ણાનુપ્રાસના કારણે ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે.
lata j hirani said,
October 31, 2014 @ 4:20 AM
vaah… gamyu bahu…
Suresh Shah said,
October 31, 2014 @ 9:08 AM
અંતરની ઈચ્હા ને તળપદી ભાષામાં રજુ કરી.
વણાટક્રિયા નુ સાદ્રશ ચિત્ર ખડુ કર્યુ.
અદભૂત.
આસ્વાદ કરાવવા બદલ આભાર.
રાવજી પટેલની ‘મારી વેલ રે શણાગારો ….’ યાદ આવ્યું.
– સુરેશ શાહ, સિંગાપોર
Shah Pravinachandra Kasturchand said,
November 1, 2014 @ 11:50 AM
મન ભરીને માણ્યું.
Sudhir Patel said,
November 7, 2014 @ 8:36 PM
વાહ! ખૂબ સુંદર ગીત!!
સુધીર પટેલ.