લઈ ઊડે તમને ઘરની એકલતા,
એ ક્ષણે ચકલી પણ જટાયુ છે!
દેવાંગ નાયક

રસ્તો કરી જવાના – અમૃત ઘાયલ

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના!

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના!
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે!
ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના!

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના…

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.

– અમૃત ઘાયલ
(૧૭-૦૫-૧૯૪૪)

આજનો ગઝલકાર પાંચ શેર લખીને ગઝલ લખાઈ ગયાની હાશ અને શ્વાસ લેતો જોવા મળે છે, પણ આ એ સમયની ગઝલ છે, જ્યારે ગઝલકાર પોતાની જાત આખી નિચોવાઈ ન જાય ત્યાં સુધી ગઝલ પૂરી થવાનો શ્વાસ લેતો નહોતો. આજથી એંસી વર્ષ પૂર્વે ૧૯૪૪ની સાલમાં લખાયેલ આ ગઝલ આઠ-આઠ દાયકા પછી પણ એવીને એવી તરોતાજા અને કદાચ વધુ સમસામયિક અનુભવાય છે. મજા તો એ છે કે અગિયારમાંથી એકેય શેર નબળો કે ડાબા હાથે લખાયેલ હોવાનું મહેસૂસ નથી થતું. આ ગઝલના અગિયારે અગિયાર શેરમાં જે જુસ્સો છે એ સાચે જ પાળિયાને બેઠા કરી શકે એવો છે.

7 Comments »

  1. પૂજ્ય બાપુ said,

    February 8, 2025 @ 11:51 AM

    આ ગઝલ થકી જ અમારા જેવા લબરમૂછીયા ગઝલના પ્રેમમાં પડેલાં…

  2. Yogesh Samani said,

    February 8, 2025 @ 12:27 PM

    લાજવાબ ગઝલ…. બધા શેર સશક્ત.
    સ્વયં ગાગા?

  3. વિવેક said,

    February 8, 2025 @ 12:42 PM

    @ યોગેશ સામાણી:

    સ્વયંનું માપ લગા જ થશે… કવિ જાતે અથવા પોતે શબ્દ વાપરી શક્યા હોત, પણ કવિએ છંદદોષ સ્વીકારીને શેરના ચારેય ખંડમાં સ્વયં પ્રયોજવું પસંદ કર્યું છે… એવું પણ બની શકે કે આ દોષ કવિના ધ્યાનબહાર જ રહી ગયો હોય…

  4. આરતી સોની said,

    February 8, 2025 @ 1:02 PM

    ઉત્તમ લાજવાબ ગઝલ
    ઘાયલ સાહેબના મોંઢે સાંભળેલી છે.

  5. Varij Luhar said,

    February 8, 2025 @ 1:45 PM

    ખૂબ સરસ

  6. Ramesh Maru said,

    February 8, 2025 @ 2:28 PM

    ઘાયલ સાહેબ તો ઘાયલ સાહેબ જ છે…વંદન એ ગઝલઓલિયાને…

  7. Dhruti Modi said,

    February 10, 2025 @ 3:56 AM

    નાનાખુદ્દારીભરી સુંદર ગઝલ ! અથથી ઈતિ સુધી એ લાજવાબ શેરો કવિની તાકાત બતાવે છે
    કોઈથી ડરતા નથી કવિ!

    સ્વયં વિકાસ છીએ,સ્વયં વિનાશ છીએ!
    સ્વયં ખીલી જવાના,સ્વયં ખરી જવાના !

    વાહ, ખૂબ સરસ શેર ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment