બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
વિવેક મનહર ટેલર

યાદગાર ગીતો :૨૩: બીક ના બતાવો ! – અનિલ જોશી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને થાય પડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

– અનિલ જોશી

(જન્મ: ૨૮-૭-૧૯૪૦)

સંગીત અને સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Koi-Dalkhiman-kavi-anil-joshi-PU.mp3]

અનિલ રમાનાથ જોશી  કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે.  જન્મસ્થળ ગોંડલ. વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ.  આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે.  મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ‘સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)

એક ઝાડનાં ઠૂંઠાને જોઈને કવિશ્રીને સ્ફૂરેલું આ ગીત સાવ ખાલી થઈ ગયેલા માણસની ખુમારીનું ગીત છે.  ખાલીખમ્મ ડાળખીવાળા ઝાડને વળી પાનખરનો શો ભય ?  આપણને જીવનમાં પાનખરનાં આવવાનો સતત ભય લાગે છે કારણકે આપણે આપણા હોવાપણાનો ભાર કાયમ સાથે જ લઈને ચાલીએ છીએ. માણસ જો સાવ ખાલીખમ્મ થઈ શકે તો આવનારી કોઈપણ પરિસ્થિતિનો ભય રહેતો જ નથી. પરંતુ સાચું તો એ જ છે કે આ ખાલીખમ્મ થવાનું શિખવામાં જ આપણી આખી જીંદગી ખર્ચાઈ જતી હોય છે, અને તોય એ ક્યાં શીખી શકાય છે…  જો ખરેખર શીખી શકાય તો પાનખરમાં પણ લીલાછમ્મ ઝાડની સ્મૃતિમાત્ર આપણા પાંદડા વગરનાં ઠૂંઠાપણાને હર્યુભર્યુ રાખી શકે.

જો કે, આ યાદગાર ગીતની સાથે જ એમનાં બીજાં યાદગાર ગીતોય જરૂર યાદ આવે, જેવા કે- કન્યાવિદાય(સમી સાંજનો ઢોલ ઢબુકતો), અમે બરફનાં પંખી, આકાશનું ગીત, ઝીણા ઝીણા રે આંકેથી અમને, પેલ્લા વર્સાદનો છાંટો, તુલસીનું પાંદડું, અને બીજાં ઘણાય…

9 Comments »

  1. વિવેક said,

    December 17, 2009 @ 2:13 AM

    મારું પ્રિય ગીત… ગાયકી પણ અકલ્પનીય !!!

    હોવાપણાંનો ભારવાળી વાત કરી આખા ગીતનો સંદર્ભ ખૂબ સુંદર રીતે ખોલી આપ્યો, ઊર્મિ!

  2. BB said,

    December 17, 2009 @ 7:42 AM

    Urmiben thanks for such a nice song. each and every word has a deep message. and Purushottambhai na kankhe gawayelu aa geet khubaj gamyu.

  3. pragnaju said,

    December 18, 2009 @ 10:11 PM

    અ દ ભૂ ત
    ફૉબિયાની સારવારમા યાદ કરાવવા જેવુ

  4. AMRIT CHAUDHARY said,

    December 22, 2009 @ 10:17 AM

    મારું ખૂબ પ્રિય અને ગમતું ગીત.
    આભાર

  5. bhavansinh barad said,

    May 15, 2011 @ 8:23 PM

    “મને કોઇ બિક ન બતાવો” બહુ સરસ …………….શાબાસ અનિલ જોશેી

  6. રમેશ સરવૈયા said,

    May 16, 2011 @ 7:15 AM

    ખરેખર અનિલ જોશીની રચનાઓ અદભુત હોય છે
    જીવન ના મર્મ ને કવિ ખુબજ સુંદરતાથી કવિતામા વણી લે છે.
    ઝીણા ઝીણા રે .. આંકેથી અમને ચાળીયા
    કાયા લોટ થઈને ઉડી માયા તોય હજીના છુટી
    આ મારું પ્રિય ગીત છે.

  7. Ashok said,

    July 28, 2014 @ 6:17 AM

    મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
    મને પાનખરની બીક ના બતાવો !

    આ શબ્દો આતમ ને ધન્ધોલિ નાખે ચે

  8. Ramesh Halari said,

    July 29, 2014 @ 2:50 PM

    બહુજ સુન્દર રચના ……
    તમે બીક કોને બતાવો ચો…જેની પાસે કસુ ગુમાવવા નુ ચે જ નહી તેને….
    પેલી કહેવત ચે ને ..ગોલા ને કયાં ગાય હતી ને દુધે વાળુ કરતો હતો…
    ગુજરાતી સહિત્ય ની મજા જ કહિક્ અલગ ચે…..

  9. PALASH SHAH said,

    April 12, 2020 @ 6:11 AM

    માણસ જો સાવ ખાલીખમ્મ થઈ શકે તો આવનારી કોઈપણ પરિસ્થિતિનો ભય રહેતો જ નથી.
    સુંદર રચના .. ખૂબ ગમી ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment