જીવ ! કૂદી જા હવે ‘ઈર્શાદગઢ’.
કેમ ગણકારે છે કાચી કેદને ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં – અનિલ જોશી

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

વનમાં, ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.

દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.

મારી લથડતી ચાલના કારણમાં એટલું,
હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં.

રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.

– અનિલ જોશી

અસ્તિત્વના ભારને સમજવા મથતો આ ગઝલનો પ્રથમ શેર મારો પ્રિય શેર છે. ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં  –  એ આજનો પાયાનો  પ્રશ્ન છે.  છેલ્લા  શેરમાં કવિએ પોતાના નામ  સાથે  શ્લેષ કરીને સરસ વાત કરી છે.

4 Comments »

  1. વિવેક said,

    November 22, 2006 @ 11:39 AM

    સુંદર ગઝલ…. મોડા પડવાની વાત પણ જંચી ગઈ અને હોવાપણાનો ભાર પણ અનુભવાયો…

  2. Abhijeet Pandya said,

    February 11, 2009 @ 6:09 PM

    રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
    નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.

    ખુબ સરસ શેર. માણસના સ્વભાવનું આબેહુબ વર્ણન કરતી રચના.

  3. Neha said,

    June 28, 2011 @ 6:11 AM

    આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
    ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

    ખુબ જ સત્ય…………

  4. Kishor Ahya said,

    March 26, 2025 @ 10:18 AM

    આશ્ચર્ય એજ વાતનું રહ્યા કરે
    ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં

    કવિ અનિલ જોશીની આ પંક્તિ આધ્યાત્મિકતાથી છલોછલ છે.

    મનુષ્ય પાસે આજે સાયન્સ ટેકનોલોજી નું અદભુત જ્ઞાન છે તો પણ કવિ મનુષ્યને માટે ખાલીપણું કેમ કહે છે? બે મુખ્ય કારણો છે 1.મનુષ્ય પાસે પોતાનો બોધ ક્યાં? પોતાની પહેચાન આત્મ અનુભવ ક્યાં? કોઈએ કહ્યું ઈશ્વર છે અને માંની લીધું, પોતાનો નાતો ક્યાં? 2.જ્યાં કોઈ બાબતમાં બધાજ સરખા હોય ત્યાં વ્યક્તિને પોતાની ઍ સરખી બાબત સાલતી નથી. ખાલીપણું આનું ઉદાહરણ છે જેનું ભાન હોવા છતાં મનુષ્યને તે નડતું નથી એટલેકે તેનું કોઈ દુઃખ નથી કે પસ્તાવો નથી. આશ્ચર્ય છે કેમકે આ બાબતમાં મનુષ્ય દિમાગનો ઉપયોગ કરતો નથી, મનુષ્યને શાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું છે તે માની લે છે માની લેવું સહેલું છે ચિંતન મનન ધ્યાન થી આત્મ્બોધ થઈ શકે છે પણ આ રીતે શોધવા વાળા જૂજ હશે, ભાન હોવા છતાં અભાન રહેવું અઘરું છે અને એજ આશ્ચર્ય ની વાત કવિ કહે છે.વાહ ! કવિની આ પંક્તિ ધર્મનો ઉત્તમ ઉપદેશ છે.🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment