પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.
અંકિત ત્રિવેદી

છાંટો –અનિલ જોશી

પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…

સાસુ ને સસરાજી અબઘડીયે આવશે
કાશીની પૂરી કરી જાતરા રે…
રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યા કાતરા રે…

પિયુજી છાપરાને બદલે જો આભ હોત
તો બંધાતી હોત હુંય વાદળી રે…
માણસ કરતાં હું હોત મીઠાની ગાંગડી
તો છાંટો વાગ્યો કે જાત ઓગળી રે…

પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…

– અનિલ જોશી

પહેલા વરસાદ વિશે તો અસંખ્ય કવિઓ લખી ચૂક્યા છે પણ પહેલા વરસાદનો છાંટો વાગવાને લઈને પાટો બંધાવવાની જરૂર ઊભી થઈ હોવાની અભિવ્યક્તિ વિશિષ્ટ અને ભાવકને સફળતાપૂર્વક ‘હૂક’ મારી જકડી લેનારી છે. પહેલા વરસાદનો છાંટો વાગે અને દાક્તર પાસે પાટો બંધાવવા જવું પડે એ છે તો અતિશયોક્તિ અલંકાર જ પણ કેવો નવીન! થોડું અલગ રીતે વિચારીએ તો પતિ સાથેના પ્રથમ મિલનની સ્નેહવર્ષાની વાત કરતી નવોઢા પણ નજર સન્મુખ દેખાય. વાત મોસમના પહેલા વરસાદની હોય કે પ્રથમ સમાગમની, પ્રેમાહત નાયિકાની રગેરગમાં દરિયાના મોજાંની જેમ લોહી વેંત-વેંત હિલ્લોળે ચડતું હોય એવો ઉન્માદ ફરી વળ્યો છે. સામાન્ય રીતે શરીરના અંગોમાં ચડતી ખાલી જીવને ચડી છે એમ કહીને કવિ પોતાના કવિકર્મનો સિક્કો મારી આપે છે.

જાતરાએ ગયેલ સાસુ-સસરા ચોમાસું શરૂ થતાં જ પરત આવી જવાના છે એટલે વરસાદનો કે મધુરજનીવર્ષાનો આનંદ ચિરંજીવી નથી એની પણ નાયિકાને પ્રતીતિ છે જ. વરસાદ અને પવનના કારણે તૂટીને જમીન પર પડેલા આંબલીના કાતરા વીણવા જવાનીય નાયિકાને ફુરસદ નથી, કેમકે સાસુ-સસરાની અનુપસ્થિતિમાં ઘરકામ એમનો ભાગ ભજવી રહ્યું છે. રોજિંદું ઘરકામ રોજિંદા આનંદમાં વ્યવધાન બને છે એ વાત આંબલીના કાતરાના પ્રતીકથી કવિએ બખૂબી ઉપસાવી બતાવી છે. આંબલીના કાતરાને સ્ત્રીની ખટાશની ઝંખના અને સગર્ભાવસ્થાને પણ સાંકળી શકાય પણ વાત પહેલા વરસાદના છાંટાની હોવાથી આપણે ગર્ભાધાન સુધી પહોંચી જઈએ એ વૈજ્ઞાનિક ધોરણે થોડું અનુચિત જણાય છે.

માબાપની અનુપસ્થિતિમાં નિતાંત મધુરજનીનું સ્વર્ગ માણવાના બદલે નાયિકાના મનનો માણીગર પણ છાપરાની જેમ મર્યાદાઓ બાંધીને બેઠો છે. એ જો આકાશની જેમ વિશાળ અને ખુલ્લો હોય તો નાયિકા વાદળી બનીને પોતાનું અસ્તિત્ત્વ એના ખોળે રેલાતું મૂકવા અધીર છે. (तेरी दो टकिया कि नौकरी मे मेरा लाखो का सावन जाय रे જેવો ઘાટ છે અહીં તો!) શબ્દાર્થને અનુસરીએ તો વરસાદનો પહેલો છાંટો પણ જો પ્રિયજનના સાયુજ્યમાં ન માણવા મળતો હોય તો પોતે માણસના બદલે મીઠાની ગાંગડી હોત તો સારું, એમ નાયિકાને થાય છે… વરસાદ પડતાં જ ઓગળી તો જવાત… તો કોઈ રંજ ન રહેત… અને ગીતને સંભોગશૃંગારની વાત તરીકે ઉકલીએ તો કહી શકાય કે પિયુના વહાલમાં પોતે મીઠાની ગાંગડીની જેમ પોતાને ઓગાળી દેવા, પિયુમાં એકાકાર થઈ જવા ઇચ્છે છે. ગાંગડી પણ સાકરના બદલે મીઠાની, કારણ કે જીવનને વધુ સ-લૂણું, બધુ સ્વાદસભર બનાવવા માટે સાકરની સરખામણીએ મીઠાની ગાંગડી વધુ ઉથોચિત પર્યાય છે.

કેવું મજાનું ગીત!

8 Comments »

  1. pragnajuvyas said,

    June 16, 2022 @ 1:10 AM

    કવિશ્રી અનિલ જોશીનુ મધુરા ગીતનો ડૉ.વિવેક દ્વારા મધુરતમ આસ્વાદ માણતા મનમા ગુંજાય-‘ આ ગીત હેમા દેસાઈના સ્વરમા.
    બંધાતી હોત હું યે વાદળી,
    માણસ કરતાં જો હોત મીઠાની ગાંગડી,
    છાંટો વાગે ને જાત ઓગળી…! જાતને ઓગાળવાનો કેટલો આસાન રસ્તો કવિએ બતાવી દીધો. એને તો પ્રિયતમના પ્રેમની એક બૂંદના સ્પર્શે જ ઓગળી જવું છે. અનિલ જોશીની કવિતાઓમાં કલ્પનો ખૂબ સરસ વણાઈ જાય છે
    કવિશ્રીના શબ્દોમા–‘મારું આ ગીત ચંદ્રકાંત બક્ષીની વિખ્યાત નવલકથા ” પેરેલિસિસ” પરથી ટેલિવિઝન ફિલ્મ બની હતી એમાં આરતી મુકરજીએ ગાયું હતું ઉદય મજમુદારનું અદભૂત સ્વરનિયોજન આજે પણ એટલું જ તાજું લાગે છે.ચંદ્રકાંત બક્ષીનો આગ્રહ હતો જે આ ટેલિફિલ્મના બધા જ ગીતો મારે જ લખવા આ ગીત સુજાતા મહેતા ઉપર ચિત્રાંકિત થયું હતું મુખ્ય ભૂમિકામાં ઉપેન્દ્ર ત્રિવેદી હતા ઓણ ચોમાસે આ ગીત યાદ આવતા કેટલી બધી સ્મૃતિઓના પતંગિયા ઉડાઉડ કરે છે. સાથે યાદ આવે વેણીભાઈ પુરોહિતનુ ગીત-
    ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
    સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં …મોસમના પહેલા વરસાદે ધરતીને મઘમઘતી કરી મૂકી હોય, વૃક્ષો આનંદમાં ડોલી રહ્યા હોય, બધા ગરમાગરમ ભજિયાં અને ગોટાનો પોગ્રામ ગોઠવી – સંપૂર્ણ પ્રકૃતિ નિખરી ઊઠી હોય તેને નીરખે ત્યારે આપણે પણ ભીંજાયા વગર કેમ રહીએ ? –
    સહુ મિત્રોને આ ગીત સાથે હેપી મોન્સુન….’

  2. Varij Luhar said,

    June 16, 2022 @ 11:37 AM

    વાહ વાહ.. ખૂબ સરસ ગીત અને આસ્વાદ

  3. નૈષધ મકવાણા. said,

    June 16, 2022 @ 12:07 PM

    વાહ.
    ખૂબ સરસ ગીત
    અને આસ્વાદ પણ…

  4. મીતા રાઠોડ said,

    June 16, 2022 @ 12:33 PM

    વિવેક સર!કવિના ભાવને તાદૃશ આલેખતુ આસ્વાદ ચિત્ર ખડું થયું છે.ખૂબ સરસ રસાસ્વાદ .

  5. Kajal kanjiya said,

    June 16, 2022 @ 12:42 PM

    મસ્ત

  6. સુષમ પોળ said,

    June 16, 2022 @ 2:24 PM

    ખૂબ સુંદર ગીત

  7. બારીન દીક્ષિત said,

    June 16, 2022 @ 5:37 PM

    ખુબ સરસ ગીત અને એટલી જ સરસ ચર્ચા.
    વાહ.

  8. Mansi shah said,

    June 16, 2022 @ 10:08 PM

    શબ્દ રચના અજોડ..મીઠાની ગાંગડી…વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment