આપણામાંથી કોક તો જાગે – વેણીભાઈ પુરોહિત
આપણામાંથી કોક તો જાગે-
કોક તો જાગે!
કોક તો જાગે આપણામાંથી!
હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે-
એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે-
આપણામાંથી કોક તો જાગે!
હાય જમાને
ઝેરને પીધાં વેરને પીધાં
આધીનનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરનાં પીધાં
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે-
સાચ-ખમીરનો ઘૂંટડો માગે:
આપણામાંથી કોક તો જાગે!
બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ…ય નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી-
સહુ સૂતાં હોય એમ કાં લાગે?
આપણામાંથી કોક તો જાગે!
સોડ તાણી સહુ આપણે સૂતાં
આપ ઓશિકે આપણાં જૂતાં
ઘોર અંધારાં આભથી ચૂતાં-
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે-
આપણામાંથી કોક તો જાગે !
આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ-
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે!
એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ અડી’તી,
શબ જેવી વચમાં જ પડી’તી-
એ જ ગુલામી,
એ જ ગોઝારી,
મૂરછા છાંડી મ્હોરવા માગે!
આપણામાંથી કોક તો જાગે!
કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે-
આપણામાંથી તું જ જા આગે…!
– વેણીભાઈ પુરોહિત
ગઈકાલે આપણે જાગવા વિશે એક ગઝલ જોઈ. આજે જોઈએ જાગવા માટેની હાકલ દેતું એક ગીત. વળી, આજે તો પ્રજાસત્તાક દિન પણ છે. એટલે આ ગીત માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત સમય તો બીજો કયો હોઈ શકે? જમાનાની ફિતરત પહેલાં પણ આ જ હતી અને આજે પણ આ જ છે. નિષ્ક્રિય થઈ રાહ જુઓ અને આશા રાખો કે કોઈક ભડવીર તો આળસ ખંખેરીને જાગશે, આગળ આવશે અને ધાર્યાં કામ પૂરાં કરશે. આમ તો ગીતકવિતા ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર હોવાથી એમાં લાઘવ અપેક્ષિત હોય, પણ કવિહૃદયનો ઉકળાટ ટૂંકામાં પતે એવો નથી. આખરે આખી વાતનો નિચોડ તો એ જ છે કે કોઈ જાગે કે ન જાગે, તું જાગી ગયો છે તો તું જ આગળ વધ. બીજાની રાહ જોવામાંને જોવામાં દુનિયા અટકી ગઈ છે. આમ તો ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓની દ્રુત ગતિ અને પછી બે કે ત્રણ ટુકડામાં વિભાજિત પૂરકપંક્તિની વિલંબિત ગતિ એવી સંરચના કવિએ દરેક બંધ માટે સુનિશ્ચિત કરી છે, પણ પહેલો બંધ આ નિયોજનાને અનુસરતો નથી, ગીતકવિતા કવિને સ્વરૂપ બાબતે જે આઝાદી આપે છે, એનો આ રચના પરથી ખ્યાલ આવે છે.