તને ભીંજવીને કરે તરબતર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
પડે તો ગજાથી વધુ માતબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
વિવેક મનહર ટેલર

પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

6 Comments »

  1. Jayant Dangodara said,

    December 15, 2023 @ 11:03 AM

    જીવનમાં જોમ ભરી દે એવાં મુક્તકો

  2. કિશોર બારોટ said,

    December 15, 2023 @ 11:29 AM

    અનમોલ મુક્તકો. 👌

  3. કવિના યાદવ નકુમ said,

    December 15, 2023 @ 12:07 PM

    હું મારી જાત માટે ખુબ ધન્યતા અનુભવી રહી છું… આવાં મહાન કવિઓ ને વાંચી અને માણી શકી… 🙏

  4. Poonam said,

    December 15, 2023 @ 12:21 PM

    ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
    માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
    – શૂન્ય પાલનપુરી – har dam gamti panktiyo mathi ek !

    જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
    જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
    – મરીઝ – gamtili Pankti, Pal Ma Jeevo Baap !

  5. Parbatkumar nayi said,

    December 16, 2023 @ 8:20 AM

    પ્રેરણાપુંજની આખી શ્રેણી મજાની
    ખૂબ શુભેચ્છાઓ
    લયસ્તરો

  6. Gorad C. G. said,

    January 18, 2024 @ 3:39 PM

    Good in life live.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment