ઝરમર – વેણીભાઈ પુરોહિત
શ્રાવણ વરસે સરવડે ને
ઝરમરીયો વરસાદ:
– કાના, આવે તારી યાદ0
વીજ ઝબૂકે વાદળ વચ્ચે
તરવરિયો ઉન્માદ:
– કાના, આવે તારી યાદ0
જમણી આંખ ગઈ મથુરા ને
ડાબી ગઈ ગોકુલમાં,
હૈયું વૃન્દાવન જઈ બેઠું
કુંજગલીના ફૂલમાં.
– કાના, આવે તારી યાદ0
ગોપી થઈ ઘૂમું કે કાના,
બનું યશોદામૈયા ?
કે રાધા થઈ રીઝવું તુજને
હે સત-પત રખવૈયા!
– કાના, આવે તારી યાદ0
તનડુ ડૂબ્યું જઈ જમનામાં
મનડું નામસ્મરણમાં-
સુધબુધ મારી આકુલવ્યાકુલ
તારા પરમ ચરણમાં:
– કાના, આવે તારી યાદ0
– વેણીભાઈ પુરોહિત
રહી રહીને વરસાદ ઝરમર ઝરમર પડતો હોય એ ટાંકણે ભક્તને કહાનજી સિવાય બીજા કોઈની યાદ આવે એ તો સંભવ જ નથી. વાદળમાં અવારનવાર જેમ વીજળી ઝબૂકે એ જ રીતે ભીતરમાં ઉન્માદ તરવરતો રહે છે. એક આંખ મથુરા ભણી જુએ છે ને બીજી ગોકુળ તરફ, ને વળી હૈયું તો વૃંદાવનમાં જઈ ખીલ્યું છે. કાનકુંવર સત્ય અને ભરોસાનો રખેવાળ છે, એને રીઝવવા કાવ્યનાયિકા કયો ભેખ ધારવો એની વિમાસણમાં છે. આંખો અને હૈયાની જેમ જ તન જમુનામાં ડૂબકી લગાવી રહ્યું છે, મન નામસ્મરણમાં અને આકુળવ્યાકુળ સુધબુધ શ્રીહરિના ચરણમાં જઈ બેઠી છે… સાવ સરળ અને સહજ બાનીમાં કૃષ્ણભક્તિની આરત કેવી સ-રસ રીતે ઊઘડી છે એ જોવા જેવું છે…
ઉદય મારુ said,
August 27, 2022 @ 12:58 PM
આવે તારી યાદ
વાહ વાહ
Harsha Dave said,
August 27, 2022 @ 1:23 PM
કા’ના આવે તારી યાદ….. વાહ…
Nice sharing
Varij Luhar said,
August 27, 2022 @ 1:24 PM
વાહ.. આજે શ્રાવણના છેલ્લા દિવસે શ્રાવણ
વરસે સરવડે..
Pravin Shah said,
August 27, 2022 @ 2:59 PM
વાહ, વાહ !
ઘણા વરસે ફરી આ વાન્ચૂ અનૅ મઝા આવી ગઈ !
ખૂબ ખૂબ આભાર !
pragnajuvyas said,
August 28, 2022 @ 12:44 AM
સ્વ. વેણીભાઈ પુરોહિત ને વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમનાં ગીતોમાં શબ્દસંગીતથી સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. ઝરમર નોંધપાત્ર ગીતો માનુ એક છે. તેમને તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લયઢાળોની સહજ હથોટી અને ભક્તિ તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે.
મસ્તી, માધુર્ય, ચિત્રાત્મકતા, પ્રવાહિતા અને મોકળાશ એ એમની અભિવ્યક્તિની લાક્ષણિકતાઓ છે. પ્રણય, પ્રભુ, પ્રકૃતિનું નિરૂપણ એમણે રંગદર્શી દ્રષ્ટિથી કર્યું છે.
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
Poonam said,
August 29, 2022 @ 1:17 PM
…હે સત-પત રખવૈયા!
– કાના, આવે તારી યાદ0 … Sada saath !
Aaswad Rasprad sir ji !