રમણીક સોમેશ્વર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 29, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ગદ્ય કાવ્ય, રમણીક સોમેશ્વર
ટપાક્. શાહીનું ટીપું. તગતગતું નીકળે બહાર. પરથમ તો આળસ મરડી ખાય બગાસું. પછી સૂંઘે પવનને. થોડું અડી લે આકાશને. મૂછમાં હસતું જોઈ લે ઝાડ-પાન-ફૂલને. થોડા ટહુકા વીણી મૂકી દે કાનમાં. પછી ચડી જાય વિચારે. વિચારમાં ને વિચારમાં દદડવા લાગે રેલો, તે રેલો ક્યાં લગ પૂગ્યો તેનુંય ભાન ન રહે. પણ રેલો ઈ તો રેલો. ભીનાશ બધી શોષાઈ જાય રેતીમાં ત્યારે જ એની ખબર પડે. પછી હાળું ટીપું, રેતીના કણ થઈને ઊડે ને ભરાય મારી આંખમાં. આંખ ચોળતો, ઝાંખ વચ્ચે હું લખવા માંડું કવિતા. વાત તો આટલી જ કે શાહીનું ટીપું ટપાક્ દઈને નીકળે બહાર. દરિયો માની પોતાને માળું ઉછાળે મોજાં ક્યારેક, ને ક્યારેક સૂરજનું સંતરું લઈને રમતે ચડે સાંજે તે કાળું ટપકું થઈને થીજી જાય પાછું. ઊંઘમાં ને ઊંઘમાં લવારે ચડે તો ગજવે વનનાં વન હૂ ડૂ ડૂ ડૂ પવન થઈને. હેં! ગવન થઈને ઊડવું ગમે પાછું એને. ને ચાળે ચડે તો ‘રાસ રમંતાં મારી નથણી ખોવાણી…’ ના, ના, વાત તો અમથી આટલી જ કે ટપાક્ દઈને ટીપું શાહીનું ધસી આવે બહાર -ટોચે. ટોચે ઝગમગતું ટીપું– આદમનો અવતાર, ઈવનો વિસ્તાર. હાળું જીવ લઈને જન્મ્યું તે ભરી દીધી પરથમી આખીને; અને હવે તાકે આકાશ સામે ટગરટગર. ગ્રહો—નક્ષત્રોને લે ઊંડણમાં ને ખેંચે સમદરને તળિયેથી બધો ભેજ. તેજ—ભેજના તાંતણાં વણી સજાવે સેજ. એ જ… એ જ…
એ જ તો કહેવું છે મારે..
ટીપું શાહીનું ટપાક્…
– રમણીક સોમેશ્વર
છંદોબદ્ધ કાવ્યો લખી લખીને થાકેલા કવિઓએ મુક્ત ગગનમાં ઉડ્ડયન કરવું નિર્ધાર્યું એ દિવસે અછાંદસ કવિતાનો જન્મ થયો. વિશ્વની તમામ ભાષાઓએ વહેલોમોડો છંદમુક્તિનો સ્વાદ માણ્યો. આપણે ત્યાં અછાંદસ કાવ્ય લખાતા થયા ત્યારે એના નામાભિધાન વિશે પણ ચર્ચાઓ ચાલી હતી. એક સમય એવો આવ્યો જ્યારે અત્યારે પ્રચલિત સ્વરૂપસંવિધાનના સ્થાને પરિચ્છેદ તરીકે જ ગદ્યકાવ્ય લખવામાં આવતા. રમણીક સોમેશ્વરનું આ કાવ્ય પણ પરિચ્છેદ સ્વરૂપે લખાયેલ ગદ્યકાવ્ય જ છે.
શાહીના ટીપાંની મિષે કવિએ અદભુત અને અનૂઠી રીતે કવિતાની વિભાવના વ્યક્ત કરી છે. ઇન્કપેનમાંથી વધારાની શાહીનું ટીપું તગતગતું બહાર આવે અને ટપાક્ કરતું નીચે પડે એ ‘ટપાક્’ શબ્દ સાથે કાવ્યારંભ થાય છે. કવિ એક શબ્દચિત્ર દોરવાની શરૂઆત કરે છે, પણ પ્રારંભ કરે છે ધ્વનિથી. કવિતામાં આદમ-ઈવનો પણ ઉલ્લેખ છે. એટલે કાવ્યચેતના આદિમથી આજ સુધીના પ્રલંબ પટ પર વિસ્તરી હોવાનું સમજાય છે. ભાષા અને લિપિના અસ્તિત્વના હજારો વર્ષ પૂર્વે બોલીનો જન્મ થયો હતો. કદાચ એટલે જ કવિએ કાવ્યારંભ ધ્વનિ-શ્રુતિથી કર્યો હોઈ શકે.
ઊંઘમાંથી ઊઠીને માણસ બગાસું ખાઈ આળસ મરડીને દિવસની શરૂઆત કરે, એ જ રીતે શાહીનું ટીપું પણ બહાર આવીને આળસ મરડે છે, બગાસું ખાય છે, પવનને સૂંઘે છે, આકાશને ‘થોડું’ અડી લે છે અને મૂછમાં હસતાં હસતાં ઝાડ-પાન-ફૂલને જુએ છે. થોડા ટહુકાય ગુંજે ભરી લે છે. વિચારે ચડીને દદડવા માંડતું ટીપું આખાય બ્રહ્માંડને ઊંડણમાં લઈ લે છે એ જોઈને ઉમાશંકર જોશીની વાત યાદ આવે: ‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો?’
નાના અમથા શાહીના ટીપાંમાં ભરી પડી અસીમ સંભાવનાઓનો તાગ કાઢવાની આ કવાયત આખરે તો કવિસિસૃક્ષા જ છે.
Permalink
May 29, 2021 at 1:31 AM by વિવેક · Filed under રમણીક સોમેશ્વર, સોનેટ
(શિખરિણી)
અજાણ્યું લાગે છે નભ સકળ, નીચે અજનબી
જણાતી આ કેવી નવલ-નવલી સાવ ધરણી!
જુઓ, આ ડોકાયાં ઝમઝમ થતાં શાંત ઝરણાં
રુંવાટાં શાં ફૂટયાં લહલહ થતાં ભોંય તરણાં
ઝરે માથે ઝીણાં ક્ષણ ઝબકતાં ઓસ ટપકાં
હજારો સૂર્યોની ચિર છવિ લઈ મંદ મલકે
મથું એને મારા દૃગ ઉભય મધ્યે પકડવા
અને હું રેલાતો અરવ અણજાણી પળ વિશે
કશું ધીમેધીમે વિકસિત થતું ને વિલસતું
વહે અંગાંગે કૈ, અકળ, સમજાતું નવ મને
નિહાળું હું સામે પળ પળ નવાં રૂપ ધરતી
નવી સૃષ્ટિ જાણે મુજ હૃદય માંહે ઊઘડતી
બધાયે આલાપો સમય-સ્થળના સાવ વિસરી
રહ્યો હુંયે ઊભો પવન-ઝૂલતા વૃક્ષ સરિખો.
– રમણીક સોમેશ્વર
પ્રકૃતિ પળેપળ નિતનવાં રૂપ ધારે છે, બસ, જોવા માટે આંખ હોવી જોઈએ. પહેલી નજરે જોઈએ તો આ સૉનેટ એક દૃશ્ય-ચિત્રથી વિશેષ કંઈ નથી પણ ધ્યાન આપતાં સમજાય કે કવિએ કેવી મજાની રંગપૂરણી આ ચિત્ર માંહે કરી છે! અચાનક આકાશ અને ધરતી અજાણ્યાં, મતલબ બિલકુલ નવાં લાગવા માંડ્યાં છે. શાંત ઝરણાં નજરે ચડે છે અને રુંવાં ફૂટે એમ ધરતીમાંથી ઘાસ ઊગી રહ્યું છે. ઘાસની ઉપર ઝાકળબુંદો એક સૂર્યની હજારો છબી પ્રતિબિંબતાં શોભી રહ્યાં છે. અને આ દૃશ્યનું પાન કરવાની મથામણ કવિને કોઈ પ્રશાંત અજાણી ક્ષણની અનુભૂતિમાં તાણી જાય છે. ધરતીના પળ-પળ બદલાતા રૂપને આત્મસાત્ કરવાની ક્ષણે પોતાની અંદર કંઈક સાવ અકળ વસ્તુ વિકસતી અને વિલસતી કવિ અનુભવે છે. પવનમાં વૃક્ષ મંદ-મંદ ડોલતું હોય એમ કવિ આ નૂતન અગમ્ય અનુભૂતિના પવનના ઝોકે સમય-સ્થળ બધું જ ભૂલી જઈને સમાધિસ્થ થઈ ઊભા છે… કુદરત સાથે તાદત્મ્ય અનુભવવાની પળે માણસ પોતાની અંદર જે અકળ સુખ પામે છે એની અનુભૂતિનું આ ગાન છે…
Permalink
October 1, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રમણીક સોમેશ્વર
કવિતાને મેં
કાગળથી
દૂર જ રાખી
આખરે
કાગળ એટલે તો
મારા ટેબલ ઉપર પડેલી
લંબચોરસ આકૃતિ
ભલે ને પછી
આખી થપ્પી હોય
પણ
અંતે તો એ
ચોક્કસ માપમાં
બંધાયેલો આકાર
અને
જ્યાં જ્યાં આકાર
ત્યાં ત્યાં વિકાર
મારેબચાવી લેવી હતી કવિતાને
બધી જ કુંઠાઓથી
પછી
રહી રહીને મને સમજાયું
કે
કાગળ તો ખરેખર હોય છે
કાગળની બહાર જ
કવિતાની જેમ.
– રમણીક સોમેશ્વર
રમણીક સોમેશ્વરની કાગળ વિશેની આ બીજી કૃતિ. કવિતા ખરેખર કાગળમાં હોય છે? કવિતાને કોઈ પણ પ્રકારનો આકાર આપીએ, અક્ષરોમાં બાંધી પછી એ ખરેખર કવિતા રહે છે ખરી? કે પછી સાચી કવિતા એટલે સર્જકના ભાવપિંડમાં જે અનુભૂતિ થાય છે એ જ ? પ્રસ્તુત રચના સ-રસ રીતે જવાબ આપે છે.
Permalink
September 17, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રમણીક સોમેશ્વર
કાગળ
હોય છે જ્યારે કોરો
ત્યારે જ હોય છે
ખરેખરો કાગળ
સૌથી વધુ ભર્યોભર્યો
તળ-અતળની
અનંત અજાયબીઓ
અકબંધ હોય છે
એની પાસે
અને
ખળભળતી હોય છે એનામાં
લેખણની શોધ પહેલાંની
ભાષા
ઘુંટાયા કરતો હોય છે
અવાજનો આકાર બંધાયા પહેલાંનો
ધ્વનિ
પૃથ્વીના જન્મ પહેલાંની
ગંધો લઈ ઘૂમરાતો હોય છે
વાયુ
એની ચામડી નીચે
સળવળતી હોય છે
સૃષ્ટિના બીજારોપણની કથાઓ
હું
અક્ષર પાડીને
એને ઉકેલવા મથું છું
ને
ફરીફરીને
મારી નજર ખોડાય છે
અક્ષરો વચ્ચેના
ખાલીપણા પર.
– રમણીક સોમેશ્વર
આવા મજાના કાવ્યનો આસ્વાદ કરાવવા અક્ષરો ન બગાડું, ને કાગળ કોરો જ રાખું એ જ ઉત્તમ.
Permalink
January 30, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રમણીક સોમેશ્વર
લ્યો, મને અંધાર અહીં ઘેરી વળે છે
કોઈ ક્યાં બત્તી કરે છે ?
આંખમાં તારા વિચારો તરવરે છે
કોણ ‘લ્યા ચૂંટી ભરે છે ?
રક્તમાં આ કેટલાં રણ વિસ્તરે છે
શું બધી બકબક કરે છે ?
દિગ્ગજો પણ કાન દઈને સાંભળે છે
કોણ રેતીમાં સરે છે ?
જીર્ણ આ ખંડેરની દીવાલ પરથી
સૂર્યના કિરણો ખરે છે.
– રમણીક સોમેશ્વર
સુંદર મજાની ‘ફીલ’ કરવા જેવી ગઝલ… આ દોઢવેલી ગઝલ વાંચતા બીજી એક દોઢવેલી ગઝલ યાદ આવી ગઈ…
Permalink
January 3, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમણીક સોમેશ્વર
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં
કદી ઝૂલીએં, કદી પવન સંગાથે થોડું ઢળીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં
પવન વૃક્ષની ભીની ફોરમ સંગાથે લઈ ફરે
વૃક્ષ પવનને સંભારીને ડાળ ડાળ રણઝણે
રણઝણવું રણઝણવું રમતાં ખોવાઈએં ને જડીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં
વૃક્ષ ગોઠડી કરે અને ટહુકાની ભાષા બોલે
પવન વૃક્ષ પાસે અંતરનાં ઊંડાણોને ખોલે
ઝીણું જંતર વાગે એને સ્થિર બની સાંભળીએં
વૃક્ષ પવનને મળે એમ બસ મળીએં
– રમણીક સોમેશ્વર
જેમ પવન વૃક્ષની ડાળ-ડાળ સોંસરવો નીકળી જાય અને વૃક્ષનું આખું અસ્તિત્વ ગીત-ગીત બની જાય એમ જ આપણી ભીતર ઊતરી જતું મજાનું ગીત…
Permalink
October 3, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમણીક સોમેશ્વર
ખારવણ હીબકાં ભરે છે ને
. દરિયાની છાતી મૂંઝાય છે
તૂટેલી હોડીને પૂછે છે ખારવણ
. પોતાના દરિયાની વાત
ઝીલે છે હલ્લેસાં છાતીમાં
. વીખરાતી મેલીને પોતાની જાત
સબ્બાક ! દરિયાને કંઈનું કંઈ થાય છે
ખારવણ હીબકાં ભરે છે ને
. દરિયાની છાતી મૂંઝાય છે
દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે
. ખંખોળી સાતે પાતાળ
આંખોમાં આંખ પરોવીને ખારવણ
. દરિયાને પૂછે છે ભાળ
અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે
ખારવણ હીબકાં ભરે છે ને
. દરિયાની છાતી મૂંઝાય છે
– રમણીક સોમેશ્વર
દરિયામાં ડૂબી ગયેલા ખારવાના ખબર ખારવણ પૂછે ત્યારે બિચારા દરિયાની પીઠ પર કોઈ સબ્બાક કરીને ચાબખો ન મારતું હોય એવી વેદના જન્મે છે.
Permalink
July 25, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમણીક સોમેશ્વર
સાવ એકલું ઝાડ નદીમાં ના’ય, નદીમાં ના’ય
શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છુપાય
એકલું ના’ય, એકલું ના’ય, નદીમાં ઝાડ એકલું ના’ય
ઝાડ નદીમાં ભૂસકો મારી કૂદ્યું ભફાંગ કૂદ્યું
વહેવું ભૂલી નદી વિમાસે, શું થ્યું, શું થ્યું,શું થ્યું ?
છાલક ઊડી આકાશે ને ઝાડ સ્વયં ભીંજાય
શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છુપાય
ઝાડ નદીમાં ડૂબકી મારી અંગ અંગ ઝબકોળે
અને નદીમાં વમળ કેટલાં વમળ વળ્યાં છે ટોળે !
વમળ વમળમાં ઝાડ, નદી પણ પાન પાન ડોકાય,
સાવ એકલું ઝાડ નદીમાં ના’ય, નદીમાં ના’ય.
– રમણીક સોમેશ્વર
કલમના બે-ચાર લસરકા માત્રથી કવિ કેવું મજાનું ચિત્ર ઉઘાડી આપે છે… કોઈ ષોડષી એકલી નદીમાં નાહવા પડી હોય અને નદી ભાન ભૂલી જાય, વમળ આ લીલા જોવા જાણે ટોળે વળે અને એક-એક વમળમાં ષોડષીના પ્રતિબિંબની હારમાળા ઝિલાય અને રોમ-રોમે નદી ટીપાં બનીને ઝળકી ઊઠે… નિતાંત પ્રકૃતિકાવ્ય તરીકે પણ કવિતા એવી મજા કરાવે એવી થઈ છે !
Permalink
November 15, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમણીક સોમેશ્વર
. આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
. ક્યાંક એક કૂંપળ તો તાજી
. આપણે તો એટલામાં રાજી
એકાદું પંખી જો ડાળ ઉપર બેસે
. તો થાય, મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
. તોય રોમરોમ ફૂટે પલાશ
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
. ત્યાં રણઝણતી ઝાલરી બાજી
. આપણે તો એટલામાં રાજી…
પાણીની એકાદી છાલકમાં હોય કદી
. રીમઝીમ રેલાતો મલહાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
. એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય ?
. કોઈ પૂછે, તો કહીએ કે હાજી
. આપણે તો એટલામાં રાજી
– રમણીક સોમેશ્વર
કેવું મજાનું સંતોષનું ગીત ! એક-એક પંક્તિ જાણે સામે ચાલીને આપણને વહાલ કરવા ન આવતી હોય ! ટોલ્સ્ટોયની વાર્તા How much land does a man need અને ‘રોજા’ ફિલ્મનું ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’ યાદ ન આવે તો જ નવાઈ… સાવ સરળ ચાલમાં ચાલતા ગીતનો ખરો પંચ એની છેલ્લી ક્રોસ-લાઇનમાં છે… કાવ્યનાયકને જીવનના નાના સુખોથી કેટલો સંતોષ છે એના વિશે જ્યારે કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે કાવ્યનાયક જે રીતે ‘હાજી’ કહીને જવાબ વાળે છે એના પરથી એની અંતરતમ સંતુષ્ટિનું કેવું દૃઢીકરણ થાય છે ! આજ છે કવિતા!
Permalink
July 1, 2010 at 2:21 PM by ઊર્મિ · Filed under ગઝલ, રમણીક સોમેશ્વર
માણસ નહિ પણ વાટ વગરનું ફાનસ છે આ અમથાજી,
થરથરતી ઠંડીમાં ભીનું બાકસ છે આ અમથાજી.
લોક વચાળે ગાય-વગાડે, તાતા થૈ થૈ નાચે છે,
ચોરે ચૌટે ભજવતું એક ફારસ છે આ અમથાજી.
ફાટેલા દિવસને બખિયા ભરી ભરીને સાંધે છે,
ટાંકા-ટેભાવાળું તોયે અતલસ છે આ અમથાજી.
જીવતરનાં સૌ દૃશ્યો અમથો ઝાંખાં-ઝાંખાં ભાળે છે,
આંખો વચ્ચે ફેલાયેલું ધુમ્મસ છે આ અમથાજી.
રોજ એકના એક ખેલને ભજવી ભજવી થાક્યા છે,
આમ જુઓ તો ફ્લોપ ગયેલું સરકસ છે આ અમથાજી.
– રમણીક સોમેશ્વર
અમથું જ કૈંક વાંચતા વાંચતા અમથી અમથી ગમી ગયેલી અમથાજીની આ અમથી-ગઝલ… એક અમથાભાઈને અમથી અમથી જ અર્પણ. 🙂 આ અમથાભાઈ કદાચ આપણી અંદર જ તો નથી રહેતા ને…? ચાલો, જરા ચકાસી જોઈએ…
Permalink
August 24, 2009 at 9:46 PM by ધવલ · Filed under મુક્તક, રમણીક સોમેશ્વર
આંગણે ભીના ચરણ મૂકી ગયું
કોઈ ધબકારો અહીં ચૂકી ગયું
બારણાને પણ ફૂટી ગઈ કૂંપણો
કોઈ આવીને સહજ ઝૂકી ગયું
– રમણીક સોમેશ્વર
Permalink
March 5, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રમણીક સોમેશ્વર
કરાંજી કરાંજીને દિવસો વિતાવે,
એ સાવજ, વિસારી બધું, ઘાસ ચાવે !
ફફડતા રહે હોઠ, બોલી શકે ના –
‘અબે એય મખ્ખી ! મને કાં સતાવે ?’
એ હણહણતા હયનો જુઓ હાથ સાહી,
સમજદાર કીડીઓ ડગલાં ભરાવે !
ગરજતા સમુદ્રો સતત જેની જીભે,
એ ભીંતોની સાથે રહે મૂક ભાવે !
વિતાવ્યો હતો કાળ ફાળો ભરીને,
ક્ષણેક્ષણ જુઓ કાળ એને વિતાવે !
-રમણીક સોમેશ્વર
ગઝલને કોઈ શીર્ષક ન આપ્યું હોવા છતાં કવિ આ મુસલસલ ગઝલમાં વૃદ્ધની વ્યથા રજૂ કરે છે એ તરત જ સમજી શકાય છે. યુવાનીનું જોર ઓસરી જાય ત્યારે સંતાનોની દયા પર માંડ જીવતું ઘડપણ આજીવન જે કામ કરવા કરતાં મરી જવાનું પસંદ કર્યું હોત એ કામ કરવા મજબૂર થઈ જાય છે, જાણે સિંહના ઘાસ ખાવાના દહાડા આવ્યા… જે ઘોડો ક્યારેક હણહણતો હતો એ આજે પૌત્રોના પ્રેમ માત્ર પર જીવી રહ્યો છે. કવિએ પૌત્રોની સરખામણી કીડી સાથે કરી એમની ઉંમર બતાવી છે પણ આગળ સમજદાર વિશેષણ લગાવી એક જ ઝાટકે પંડના દીકરાઓની અણસમજ પર તીવ્ર કટાક્ષ કર્યો છે… છેલ્લો શેર તો આખી ગઝલનો શિરમોર શેર છે વળી !
Permalink